nayana Shah

Abstract

4.5  

nayana Shah

Abstract

હું કાેણ છું ?

હું કાેણ છું ?

3 mins
678


લીનાને બીક હતી કે એ ઘેર વાત કરશે ત્યારે ઘરની દરેક વ્યક્તિનો ગુસ્સો એને સહન કરવો પડશે. માબાપને તો લીનાને કરોડપતિ છોકરાં જોડે જ પરણાવવી હતી. કાલે વૈભવ આવીને જોઈ ગયો હતો. અને એનો જવાબ પણ આવી ગયો હતો કે એમને લીના પસંદ છે. પણ કોઈ લીનાને પૂછતું ન હતું કે તને વૈભવ પસંદ છે કે નહિ ? માબાપ એવું માની જ લેતાં હોય છે કે કરોડપતિના છોકરાને ના પડાય જ નહીં. જો કે વૈભવ દેખાવડો હતો તે ઉપરાંત એકનોએક હતો. તમે એની ખામી જોવા જાવ તો કયાંય કોઈ જ ખામી શોધી ના શકો પરંતુ જયાં મન જ પારસ સાથે મળી ગયું હોય તો વૈભવ કયાંથી પસંદ પડે ?

એના મનનો મણિગાર તો પારસ હતો. એ જયારથી પારસના પરિચયમાં આવી ત્યારથી એ મનોમન પારસને પતિ માની ચૂકી હતી.

આખરે જયારે લીનાએ ઘેર વાત કરી ત્યારે ઘરની દરેક વ્યક્તિ એ વિરોધ કર્યો હતો. પરંતુ બાળકની જિદ્દ આગળ માબાપે નમતું જોખવું પડે જ એ ન્યાયે એમણે કહ્યું, "પારસને ઘેર મળવા બોલાવજે. અમે એની જોડે વાતચીત કરીશું અમને યોગ્ય લાગશે તો એ બાબતમાં વિચારીશું."

જયારે પારસ લીનાના માબાપને મળવા ગયો તો પહેલી નજરે જ પિકચરના કોઈ હીરો જેવો લાગતો હતો. દેખાવ પરથી તો ના પાડવાનું કોઈ કારણ હતું જ નહીં. પણ માત્ર દેખાવ પરથી તો માણસને ઓળખી ના શકાય. જયારે એને પૂછવામાં આવ્યું કે તમારા માતાપિતા કયાં રહે છે ? શું કરે છે ?

થોડી ક્ષણો માટે પારસ ચૂપ રહ્યો. આખરે એણે કહ્યું કે એ અનાથ છે.

પારસના ગયા પછી લીનાના ઘરનાએ કહી દીધું કે જે વ્યક્તિને એનું ગોત્ર ખબર નથી કે નથી એના માબાપના ઠેકાણા એવી વ્યક્તિ સાથે જીવન ના વિતાવાય. અમને એ અનાથાશ્રમમાં રહેતો છોકરો પસંદ નથી. એના સંસ્કાર કેવા હોય. એનો ઉછેર કઈ રીતે થયો હોય એ કઈ રીતે ખબર પડે ! હવેથી પારસનું નામ પણ આ ઘરમાં ના જોઈએ.

લીના બીજા દિવસે પારસને મળી ત્યારે પારસે કહ્યું, "લીના, હું કોણ છું ? મારા માબાપ કોણ છે એ પણ મને ખબર નથી. મારું ગોત્ર કયું છે એ પણ મને ખબર નથી. હા ,છતાં પણ હું તને એક પ્રસંગ કહીશ. જયારે શંકર ભગવાનના લગ્ન હતાં ત્યારે ગોરમહારાજે પણ શંકર ભગવાનનું ગોત્ર તથા માબાપનું નામ પૂછેલું. પરતું તે સમયે વિષ્ણુ ભગવાને મદદ કરેલી. જે વ્યક્તિ સ્વયંભૂ હોય એના માબાપનું નામ કયાંથી હોય ? પરંતુ લીના મારી મદદે વિષ્ણુ ભગવાન નહિ આવે. તું વૈભવને હા કહી દે. લીના, રૂપિયા કરતાં ડોલર અને પાઉન્ડની કિંમત વધુ હોય છે. મારું કોઈ નથી. તું પણ એકની એક છું. ભવિષ્યમાં તારા માબાપ નહીં હોય તો આપણું કોણ ? આપણે મૃગજળ પાછળ દોટ નથી મૂકવી. એ દૂરથી પાણી હોવાનો આભાસ જરૂર કરાવે, પણ મૃગજળથી તરસ ના છીપાય. "

લીના નિરાશ થઈને ફસડાઈ પડી એને તો મનથી પારસને પતિ માની લીધેલો.

પારસ બોલ્યો "લીના, મારી વાત જુદી છે. આપણે આપણા સુખની ઈમારત માબાપના નિસાસા પર નથી બાંધવી."

મહિના બાદ લીના પારસને મળવા ગઈ ત્યારે બાજુવાળા એ એને ચિઠ્ઠી આપી જેમાં પારસે લખ્યું હતું કે" હું કોણ છું ? મારૂ અસ્તિત્વ પૃથ્વી પર શેના માટે છે એની ખોજમાં હું નીકળી પડ્યો છું. જયારે મને આત્મજ્ઞાન પ્રાપ્ત થશે ત્યારે તને મળવા આવીશ. તું વૈભવ જોડે પ્રભુતામાં પગલાં પાડી સુખી થજે. "


Rate this content
Log in

Similar gujarati story from Abstract