mariyam dhupli

Abstract Thriller Others

4  

mariyam dhupli

Abstract Thriller Others

હિસ્સો

હિસ્સો

2 mins
269


આજે બે માણસો મારા લીધે લડી પડ્યા. એમની એ લડાઈમાં અહંકારનો ઉછાળ હતો અને અભિમાનનો લાવા. મારી હાલત સૂડી વચ્ચે સોપારી જેવી થઈ પડી હતી. પહેલા માણસે મારી તરફ નજર નાખતા મૂંછ ઉપર તાવ દીધો. 

" જો હું છું તો એની તરફનું આકર્ષણ છે. જો હું નહીં તો કોણ આકર્ષાશે એની તરફ ? " 

મારી નજર નીચે ઢળી પડી. 

બીજા માણસે તરતજ પોતાનો વિરોધ દર્શાવ્યો. 

" પ્રશ્ન જ નથી ઉઠતો. ફક્ત આકર્ષણથી શું થાય ? લોકોના હૃદયમાં ઉતારવું પડે અને હું ન હોઉં તો એ કોઈનાય હૈયાનાં ઊંડાણોમાં ન ઉતરે. સમજ્યો ?"

" તો એક કામ કરીએ. હું એમાંથી મારો 

હિસ્સો કાઢી નાખું. પછી જોઈએ એ કેમ 

ટકી શકે ?" પહેલા માણસે છાતી પહોળી કરી કહ્યું.

મને જાત ઉપર દયા છૂટી. પણ લાચાર એ બેની વચ્ચે ઉભા રહ્યા સિવાય છૂટકો પણ ક્યાં હતો ? 

" હા , હા. આવ. લઈ લે તારો હિસ્સો પાછો. " બીજા માણસે ખુલ્લેઆમ પડકાર ફેંક્યો. 

પહેલો માણસ આગળ વધ્યો અને મારામાંથી પોતાનો બધોજ હિસ્સો પરત લઈ પાછળ હટી ગયો. 

એના એ હિસ્સા વિના પણ મારુ શરીર હજી એજ સ્થળે ટક્યું હતું. બીજો માણસ ખડખડાટ હસ્યો. એ હાસ્યનો પડઘો ચારે તરફ ઝીલાયો. 

" જોયું ? મેં શું કહ્યું હતું ? તારા વિના પણ એ ટકી શકે છે. પણ મારા વિના નહીં. "

અહંકારની હરીફાઈ ચરમસીમાએ પહોંચી જ કે ખૂણામાં ક્યારનો શાંત ઊભો ઊભો બધોજ તમાશો જોઈ રહેલો એક ત્રીજો માણસ આગળ આવ્યો. એણે એક દ્રષ્ટિ મારા દયામણા ચહેરા ઉપર નાખી. 

" ઊભા રહો. પહેલા હું એનામાંથી મારો હિસ્સો કાઢી નાખું. પછી તમે તમારો નિર્ણય શાંતિથી લઈ શકો છો. " 

એ ત્રીજા માણસના આગળ આવતાજ પહેલા અને બીજા માણસના ચહેરા ડઘાઈ ગયા. એ ગર્વથી આગળ વધ્યો અને મારામાંથી પોતાનો હિસ્સો સાથે લઈ લીધો. મારુ શરીર એની પાછળ દોરવાતું એની પડખે દૂર જઈ ઊભું રહી ગયું. મને અત્યંત સુરક્ષિત હોવાની લાગણી થઈ આવી. 

પહેલા મારુ શરીર જ્યાં ગોઠવાયું હતું એ સ્થળ ઉપર એક ખાલી જગ્યા હતી. એ ખાલી જગ્યા નિહાળતા પહેલા અને બીજા માણસના અભિમાન અને અહંકાર શીઘ્ર ઓગળી ગયા. એમને પોતાની ભૂલનો અહેસાસ થયો. એમની આંખોમાં એ સ્વીકાર ડોકાયો કે ત્રીજો માણસ મને ફરીથી એજ જગ્યા ઉપર પહેલા અને બીજા માણસની વચ્ચે આદર અને સન્માનથી છોડી ગયો. મારુ મન એ દૂર જઈ રહેલા ત્રીજા માણસને નમન કરી રહ્યું. 

જો એ ન હોય તો હું ક્યાંથી ?

એ પહેલો માણસ એક સંગીતકાર. બીજો માણસ એક ગાયક, ત્રીજો માણસ એક લેખક અને હું એમનું ગીત. 


Rate this content
Log in

Similar gujarati story from Abstract