Prashant Subhashchandra Salunke

Abstract

3  

Prashant Subhashchandra Salunke

Abstract

ઘરે લક્ષ્મી લાવ્યા

ઘરે લક્ષ્મી લાવ્યા

3 mins
241


ધ્રુજતા હાથે સૂરજે દસ-દસ વર્ષ પછી પોતાના ઘરની ઘંટી વગાડી. એના મોટા ભાભીએ દરવાજો ખોલ્યો. સૂરજને જોતા જ એ બરાડી ઉઠ્યા “શું કામ આવ્યો છે ? કોઈ જાતનો હિસ્સો પડાવવા આવ્યો હોઈશ તો વિચાર માંડી વાળજે. ચાલ્યો જા...”

એક ક્ષણ માટે સૂરજ ડઘાઈ ગયો. પાછા જવાનો વિચાર મનમાં આવ્યો. ત્યાંજ મોટાભાઈ અને એમની પાછળ વચેટ ભાઈ પણ ઘોંધાટ સાંભળી આવ્યા. મોટાભાઈ બોલ્યા “સાંભળ્યું નહિ ? ચાલ્યો જા, અહીં હવે તારી કોઈ દાળ ગળવાની નથી.”

સૂરજે કશોક નિર્ણય લઈ હિંમતપૂર્વક કહ્યું “ચાલ્યો નહિ જાઉં મારી વાત કહીને જ જઈશ...” ત્યાંજ વચેટ ભાઈએ ટાપશી પૂરી “એક કાણી કોડી અમે તને આપવાના નથી.” 

મોટાભાઈ એ કહ્યું “બેશર્મ ભાગ લેવા આવ્યો છે ? ચાલ ભાગ આહિથી..” બન્ને ભાભીઓને પણ જોર આવ્યું “સીધે સીધો નહિ જાય, એણે ધક્કા મારો એણે” “સૂરજનું હૃદય રડ્યું એણે વિચાર્યું એણે શું લેવાદેવા આ લોકો સાથે પણ..”

મોટાભાભી બોલ્યા “જુઓ છો શું ? હાડકા ખોખરા કરો. દસ વર્ષ પહેલાં આ નાલાયકે આપણું કુળ લજાવ્યું. સારા ઘરના માંગાને ઠુકરાવી એક નીચી કોમની છોકરી સાથે ભાગીને લગ્ન કર્યા અને આજે આવ્યો છે ભાગ લેવા.... ભગોડો ક્યાંનો !”

ભાભીના વાક્યો સૂરજના હૃદયની આરપાર નીકળી ગયાં પણ એણે મક્કમતાથી કહ્યું “એ દિવસે મારી પત્નીને લઈને આવ્યો હતો ત્યારે આશીર્વાદને બદલે તમે બારણા બંધ કરી દીધા હતાં, હવે મારવાનું બાકી હોય તો એ પણ તમારી ઈચ્છા પૂરી કરી લો..”

મોટાભાઈએ કહ્યું “આશીર્વાદ ? તને લાત મારી ઘરમાંથી બહાર નહિ કાઢ્યો એનો પાડ માન... આજે શું લેવા આવ્યો છે તું અહિયાં ?”

સૂરજે કહ્યું “મા ને ..... મા વિષે મેં મુંબઈમાં ઘણું બધું સાંભળ્યું. સાંભળતા જ મા ને તમારી ચુંગલમાંથી છોડાવી લઈ જવા માટે આવ્યો છું.. મા ને બોલાઓ...” સૌ અચંબો પામી ગયાં. ધરતીમાં સમાવી જવા જેવું દરેકને લાગ્યું. બધા એકબીજાનું મોઢું જોવા લાગ્યાં. સૂરજે કહ્યું “બોલતા કેમ નથી કયા છે મા ?

મોટાભાઈએ કહ્યું “ગામના વૃદ્ધાશ્રમમાં”

સૂરજ એક મિનિટ ત્યાં રોકાયા વગર બહાર રોકવેલ ટેક્સીમાં બેસતા ટેક્સીવાળાને વૃદ્ધાશ્રમ જવાની સૂચના આપી. ભાભીના શબ્દો એના કાનમાં ગુંજતા હતાં “ભગડો... ભગડો” આંખો બંધ કરી જૂની યાદો એના આંખો સામે રમવા લાગી. “બા તમે નક્કી કરેલી કન્યા સાથે મારે પરણવું નથી. બીજી કોઈપણ સામાન્ય ઘરની છોકરી ચાલશે.”

બાએ ગુસ્સાથી કહ્યું, “સામાન્ય ઘરની એટલે કોણ, નેહા ? ભૂલી જા બેટા, અમે નક્કી કરેલી છોકરી સાથે જ તારે પરણવું પડશે. બેટા નસીબ વગર આવું કુળ નથી મળતું. આપણે ન્યાલ થઈ જઈશું.” સૂરજે ગુસ્સામાં કહ્યું “મારે ન્યાલ નથી થવું. હું એણે નહી પરણું” ગુસ્સાથી બાએ કહ્યું “બહુ લાડકોડમાં તને ઉછેર્યો એનું આ પરિણામ સીધી રીતે નક્કી કરેલ છોકરી સાથે લગ્ન કર નહિતર આ ઘરનાં દરવાજા તારા માટે કાયમ માટે બંધ થઈ જશે.”

એ દિવસે સૂરજ ઘરમાંથી બહાર નીકળી ગયો. બીજા દિવસે એણે મંદિરમાં નેહા સાથે લગ્ન કર્યા. આશીર્વાદ લેવા માટે જયારે તે ઘરે ગયો ત્યારે બાએ ધડામ કરીને દરવાજો બંધ કરી લીધો.  દરવાજાને વારંવાર ખખડાવવા છતાં દરવાજો ખુલ્યો નહિ ! બાનો અવાજ સંભળાયો “કોઈ દરવાજો ખોલતા નહિ....” સાહેબ વૃદ્ધાશ્રમ આવી ગયું. સૂરજ ટેક્સીમાંથી ઉતરી અંદર ગયો. એક ઓટલા પર એણે માને બેઠેલા જોયા. મા પાસે જઈ એ એના ચરણોને સ્પર્શ કરતાં બોલ્યો “ચાલો બા... હું તમને લેવા આવ્યો છું.”

મા ની આંખોમાં આંસુ આવી ગયાં એ ધીમે અવાજે બોલી “બેટા મને માફ કરી દે હું તને ઓળખી ન શકી. તું નેહાને પરણ્યો એ ભૂલને મેં માફ કરી દીધી હોત તો મારી આ દશા ન થાત”

સૂરજ હસતાં બોલ્યો “મા નેહા સાથે લગ્ન એ ભૂલ નહોતી. પણ મારો સૌથી સારામાં સારો નિર્ણય હતો. મા દહેજની લાલચે તમે મારા બંને ભાઈઓના લગ્ન મોટા ઘરમાં કરેલા, ત્યારબાદ ભાભીઓના જે રોબ-રુઆબ મેં જોયા ત્યારે જ મેં મનોમન નક્કી કરેલું કે પૈસા જોઈને નહિ પણ સંસ્કાર જોઈને લગ્ન કરીશ. મા તમે લક્ષ્મીને બદલે લક્ષ્મી જેવી વહુ ઘરે લાવવાનું વિચાર્યું હોત તો તમારી આ દશા ન થાત. તને ખબર છે ? નેહાએ જ મને મનાવી તને લેવા મોકલ્યો છે. ચાલ ઘરે નેહા તમારી આતુરતાથી રાહ જુએ છે.” 


Rate this content
Log in

Similar gujarati story from Abstract