ઘર છોડ્યાની વેળા
ઘર છોડ્યાની વેળા
રજાઓ પહેલાનો હું અને પછીના હુંમાં જમીન આસમાનનો ફર્ક પડી જાય. ઘરે જવાની એવી તો તલપ લાગી હોય કે દર ફેરા થેલામાં જરૂરી વસ્તુ ભૂલાઈ જ જાય. ! ગામડાનું ઘર હવે તો બંધ પડ્યું છે એટલે ઘર કેવુંક ગંદુ થઈ ગયું હશે ! પહેલાં તો પાણીનું શું કરશું ? અને કોઈ જનાવર તો નહીં ઘુસી ગયું હોય ને ? એવા વિચારો મગજમાં ખોસ્યા કરવાના અને થેલામાં ગાભા.
ઘરે પહોંચીએ એટલે ફળિયામાંથી ખોળો વાળીને કામ લેતું જવાનું. હજી તો માંડ તાળાં ખોલીએ ત્યાં પાડોશીઓ પહોંચી આવે..."ક્યારે આવ્યા ? કેટલાં દિવસ રોકવાના ? છાશ જોઈએ તો કે'જો...લ્યો આ અમારે દૂધી થાય છે તો...અને નવરા થાવ એટલે ઘરે ચા-પાણી પીવા આવજો...."
અને સાફ-સફાઈ કરતા ડીલે રજ ચોંટે એથીય ઝાઝી તો ઘરની સ્મૃતિઓ ચોંટી પડે ! ઘર આખું ભેટવા દોડે,. દીવાલો ઢસડીને ભૂતકાળમાં લઈ જાય, દીવાલ પર લટકતી છબીઓ પર બાઝેલા જાળા લૂછીએ, એટલે જાણે, કોઈક આત્મજન એવું તો ડૂસકાં ભરતું લાગે કે,..જાણે એને દીવાલ ઉપર ચોંટાડી અમે એને ભૂલી ગયા હોઈએ ! તેની પાછળ લપાયેલી ગરોળીઓ અમથી દોટમદોટ કરે. વળી યાદ આવે કે રાંધવાનું ટાણું થાય એ પહેલાં રસોડું તો સાફ કરીએ !.. અને રસોડાનું પ્લેટફોર્મ પૂછે કે "..અમને વળી કેમ અળગા કરી દીધા !"
વાળીચોળીને સાફ કરીએ ત્યાં વળી ગામમાંથી કોક ને કોક આવી ચડે.."લે...તમે ક્યારે આવ્યા ? આતો ડેલી ખુલ્લી જોઈ,એટલે થયું કે કોક આવ્યું લાગે છે !... હાલો ને ..,ભેગા ચા- પાણી પીએ !ગામની સારી-નરસી વાતું થાય. ગામના ભોળા લોકો અમથો અમથો વ્હાલ ઠાલવવા આવે. બહુ ગમે. મજા આવવા લાગે ત્યાં તારીખિયું ખી.. ખી..ખી કરે,. બા કહે કે "હવે. મંડી પડો સંકેલો કરવા.., હવે પાછા ફરવું પડશે !"
ને પોતાને ને પોતાને ઘરેથી વળાવતા બહુ આલ આવે. ઘર તો જાણે થેલો હાથમાં ઝાલીને પૂછે કે " શુ દાટયું છે શે'રમાં ?...ક્યાં દોટ મેલીને ભાગી જાવ છો ? અને એના સવાલોને ઘડી વાળીને ચૂપચાપ થેલા ભરવા મંડીએ...થેલો પણ થાકીને ઘેંસ જેવો થઈ ગયો હોય. મારો ઓરડો તો ખૂન્નસભરી નજરે ટગરટગર જોયા કરે. તેનું મૌન બહુ ખૂંચે...પાડોશીઓ પાછા આવે...આવજો કહેવા. અને બધો અસબાબ બહાર કાઢીને છેલ્લે તાળું મારતી વખતે એક કિચુડ જેવો અવાજ કાઢીને તાળું બોલે..."પાછા વેલ્લા વેલ્લા આવજો... અમે અહીં રૂંધાઈ મરીએ છીએ..."
ઘર આખું હાથ લંબાવીને આવજો કહેતું હોય, ત્યાં શહેરમાં ક્યાંક ભમતો આત્મા બહુ બળવાન થઈને મોં ફેરવતો ચાલી નીકળે.
