Riten Antani

Romance

3  

Riten Antani

Romance

વાત એક રાતની

વાત એક રાતની

5 mins
23


ઘણાં વર્ષો પહેલાં ઉત્તરાખંડના એક રમણીય નગર હરદ્વારમાં એક યુવાન, નામ એનું દક્ષ પંડિત હતું. તે હિન્દુ ધર્મ શાસ્ત્રોના ગહન અભ્યાસ માટે એક ગુરુકુળમાં રહેતો હતો. પંડિત કુળમાં જન્મ થયો હતો એટલે તે ખૂબ જ દર્શનીય પ્રતિભા ધરાવતો હતો અને અભ્યાસમાં પ્રવીણ હોવાને કારણે તે મિતભાષી પણ હતો.

મહા નદી ગંગાના કિનારે આવેલું આ હરદ્વાર એક શાંત અને પવિત્ર એવું સુંદર શહેર છે. ત્યાં ગંગા નદીના ઠંડા પાણીમાં સ્નાન કરીને ને પાવન થવા અને દેવાલયોમાં દેવ દર્શન કરવા આ તીર્થ સ્થળ પર લાખો લોકો આવે, અને મનની શાંતિ અને ઈશ્વર પરની શ્રદ્ધાને દૃઢ કરીને પરત સ્વગૃહે જાય. . . પણ તમે જાણો છો એમ માણસનું મન અતિશય ચંચળ છે. તેને શાંત કરવાનું કાર્ય સરળ નથી. અને મારો તો એવો અનુભવ છે,સાહેબ,કે જેમ જેમ મન ને શાંત કરવાના પ્રયત્નો કરો ,તો તેમ તેમ વિચાર વમળ ઘૂમરાયા જ કરે અને જ્યારે તમે પ્રયત્ન છોડી દો ત્યારે જ સહજ સમાધિ થાય અને કંઈક અંશે મન શાંત થાય.

તમે મને કહેશો, કે આપણે દક્ષની વાર્તા કરતા હતા ત્યાં આ રીતે ઉપદેશ આપવાનું ક્યાંથી ચાલુ કરી દીધું ?

પણ હું એક મહત્વના બનાવની વાત માંડવા માટે આ પૃષ્ઠ ભૂમિકા બાંધી ને મુદ્દાસર ઊંડાણમાં ઝીણવટથી તમને વાર્તા કહું છું.

તો,. . આ યુવાન (દક્ષ). . ગંગા કિનારે આવેલા અનેક ઘાટોમાંથી એક ઘાટ પર અપલક નજરે ગંગાના શાંત અને ઊંડા પાણીમાં એક સ્થળે નજર કરીને નિરાંતે સહજ રીતે ધ્યાનમાં બેઠો હતો. સાંજનો સમય હતો. મંદ મંદ શીતળ સમીર વહેતો હતો, ઉપર ઊંચે આકાશમાં પંખીઓ ઘૂમરી ખાતા ખાતા ઊડતાં હતા. દક્ષ તો ક્યારેક નદીના વહેણમાં, તો ક્યારેક પંખીઓની કતારોને નિહાળતો બેઠો હતો. ધીરે ધીરે સૂર્ય અસ્તાચળે જઈ રહ્યો હતો અને એ આથમતા સૂરજના કિરણોનું નયનરમ્ય પરાવર્તન ગંગાના શાંત પ્રવાહમાંથી થઈ રહ્યું હતું. સમગ્ર વાતાવરણ એકદમ શાંત હતું.

એવામાં ઓચિંતાનો એક ધુબાકો થયો. અને દક્ષની નજર ગંગાના પાણીમાં કૂદીને વેગીલા પ્રવાહમાં તણાતી એક સુંદર,કમનીય યુવતી પર પડી !. . અને દક્ષના આશ્ચર્ય વચ્ચે તેણી જરા પણ પ્રયાસ તરવાનો કરતી નહોતી. અને જાણે ગંગામાં ભળી જવું હોય તેમ બે હાથ જોડીને વહેતી જતી હતી ! વધુ વિચાર્યા વગર દક્ષ પહેરેલાં કપડે પાણીમાં કૂદી પડ્યો અને તમે જોઈ શકો છો એમ સાહેબ, એ કોઈ પણ પ્રકારની તકલીફ વગર સપાટાભેર તે યુવતી પાસે પહોંચી ગયો. . . અને ત્યાં સુધીમાં તે યુવતી તો બેભાન થઈ ચૂકી હતી પણ સદભાગ્યે તે અને દક્ષ ગંગા નદીમાં તરતી એક નૌકા પાસે પહોંચી ગયા અને તેના નાવિક દળના લોકોએ બચાવ માટે બોયું દોરડામાં બાંધી ને ફેંક્યું અને તે બેય જણાંને નૌકામાં આવી ગયા. . હવે તેઓ કિનારે આપણી નજીક આવે છે.

કિનારે પહોંચી ને દક્ષ તે યુવતીને બારીક નજરે જોઈ રહ્યો. . . એક સુંદર કમનીય વળાંકોવાળી કાયા છે,કાળી મોટી આંખો છે,ધનુષ આકારની ભ્રમરો છે,લંબગોળ ચહેરો છે,ભીના લાંબા વાળ પીઠ સાથે ચોંટી ગયા છે.. સફેદ રંગનો પંજાબી પહેરવેશ છે અને આખી ય કાયા ઠંડીમાં ધ્રુજી રહી છે. . . ત્યાં તો કોઈ નજીકની દુકાનમાંથી ગરમ ધાબળો લાવી ને તે યુવતીને ઓઢાડી દે છે અને કોઈ એક વડીલ યુવતી પ્રત્યે સહાનુભૂતિ અને દક્ષના શૌર્યની પ્રશંસા કરતા સુરે પૂછી લે છે. " બેટા તું કોણ છે ?. . કેમ નદીમાં કૂદકો માર્યો ? આ તો તારા સદનસીબ કે તું સમયસર આ યુવાનના જોમભર્યા સાહસ ને કારણે બચી ગઈ !

પણ દક્ષ અને તે યુવતી પણ ચૂપ રહે છે. થોડી વારમાં જ બેય એકબીજાના હાથ પકડીને ચાલવા લાગે છે અને ટોળું વિખરાઈ જાય છે.

ત્યાં સુધીમાં સૂર્યાસ્ત થાય છે, અને અવનિ પર અંધારું પથરાય છે . . . બેય જણાં ચાલતા ચાલતા દક્ષના ઘરે આવી જાય છે. ત્યાં સુધી બેય વચ્ચે કોઈ પણ જાતનો સંવાદ થતો નથી અને દક્ષ આપણી નજરોથી ઓઝલ થઇ જાય છે.

દક્ષ નું રહેઠાણ એક ઊંચી શાંત જગ્યા એ હતું જ્યાંથી તે એક આશ્રમમાં એક બહુ જ વિદ્વાન એવા ઋષિ પાસે શાસ્ત્રોનો ઊંડો અભ્યાસ કરતો હતો. . તે આશ્રમ તેના રહેઠાણથી દૂર હતો અને દક્ષનું આ ઘર પણ શહેરથી ખૂબ દૂર હતું.

રસ્તામાં ચાલતાં ચાલતાં દક્ષે એ યુવતી ને તેનું નામ પૂછ્યું. . " તમારું નામ શું છે ? અને તમે ક્યાં રહો છો ?. . "

જવાબ મળ્યો;. . હું દિશા છું, દહેરાદુનથી ભાગી આવી છું,એક યુવાનના અંધ સ્નેહમાં ફસાઈ ગઈ હતી અને અત્યારે કુંવારી મા બની ચૂકી છું, સમાજની અસ્વીકૃતિના ભયથી ગંગામાં કૂદી પડી હતી.

દક્ષે કહ્યું; તમે મારી સાથે ચાલો. . તમારા વસ્ત્રો ભીંજાઈ ગયા છે, અને અત્યારે ઠંડી હવા પણ વધી છે.

ત્યારબાદ બેય જણાં મૂંગા મૂંગા ચાલતાં ચાલતાં દક્ષના રહેઠાણની જગ્યાએ પહોંચી ગયા.

હિમાચલ પ્રદેશમાં રાત વહેલી પડી જાય છે અને આ તો શિયાળાની રાત હતી. દક્ષે ઘરમાં એક દીવો પ્રગટાવી અને ઘરમાં હતું તે એક ધોતિયું અને પહેરણ દિશાને આપ્યું. . અને પછી એક સગડી પેટાવીને ઘરમાં ગરમાવો કર્યો.

એક યુવાન અને એક યુવતી ઘરમાં એકાંતમાં બેઠાં હતાં.

તમને તો એક ક્ષણ માટે એવો વિચાર તો આવી જ ગયો હશે, કે દક્ષ એ યુવતીના નિરાધાર હોવાનો ગેરલાભ ઉઠાવી લેશે !

મને પણ એમ જ લાગતું હતું. .

સગડીની આગની આંચ દિશાના સુંદર ચહેરા પર પડતી હતી અને તે ગુલાબી રંગમાં ફેરવાઈ ગયો હતો. . . દક્ષનું ધ્યાન પણ એ સુંદર ગુલાબી ચહેરા પર પડ્યું. એક પળ માટે તે ચલિત પણ થઈ ગયો. . ત્યાં દિશાએ જ પૂછ્યું;. . હવે આપણે શું કરીશું ?

એક જ પળમાં દક્ષ પાછો સ્થિર થઈ ગયો અને તેણે કહ્યું;. . અત્યારે તો તમે અહીં આરામ કરો. મારી પાસે થોડા ફળ છે, દૂધ છે.. તે તમે ખાઈ લો, દૂધ પી લો અને પછી સૂઈ જાઓ.

દિશાએ વગર બોલ્યે જેમ દક્ષે કહ્યું હતું તેમ કર્યું. . અને ઓરડાના એક ખૂણે પથારી હતી ત્યાં જઈને સુઈ ગઈ.

દક્ષ પણ વગર બોલ્યે તે કમનીય કાયા અને સુંદર ગુલાબી ચહેરાને જોતો રહ્યો. . . અને મનમાં કંઇક વિચારતો રહ્યો. . .

પરોઢ થયું.

બેય જણ ઊઠી ગયાં.

પછી દક્ષ બોલ્યો;. "ચાલ દિશા, આપણે મારા ગુરુજી પાસે જવું છે. "

દિશા સૂચક રીતે દક્ષ સામે જોઈ રહી.

અને થોડીક ક્ષણોમાં તૈયાર થઈ ને બેય જણાં દક્ષના ગુરુજીના આશ્રમે પહોંચ્યા.

ગુરુદેવ બધી જ વાત સમજી ગયા.

તેઓએ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર દક્ષ અને દિશાના લગ્ન કરી આપ્યાં અને કન્યાદાન કર્યું.

અને પછી દક્ષ અને દિશા બેય જણાં સાથે મળીને શાસ્ત્રોનો અભ્યાસ કરીને એક સ્વસ્થ ચિત્તે ગૃહસ્થ જીવન વ્યતીત કરવા લાગ્યા.


Rate this content
Log in

Similar gujarati story from Romance