જીવનના યક્ષ પ્રશ્નો
જીવનના યક્ષ પ્રશ્નો
શાંતિલાલને વધુ એક વાર અશાંતિ લાગે છે. અત્યારે આમ દુનિયાની નજરે જુઓ તો શાંતિલાલના આજ સુધીના જીવનનું સરવૈયું બહુ એમ કંઈ નુકશાન કારક લાગે નહીં ! નાની વયે જ બહુ ખાસ ભણતર વગર એક સાદી સેલ્સ મેનનીનોકરી ચાલુ કરી અને પછી આમ તેમ ગોથાં ખાતે ખાતે એક ભાગીદારી પેઢીના સંચાલક તરીકે થોડાક સ્થિર થયા. નસીબ જોગે પત્ની પણ એકંદરે સંતોષી સ્વભાવની મળી હતી, પણ તોય વેપારમાં અને જીવનમાં ખાસ કંઈ બે છેડા ભેગા થયા નહીં શાંતિલાલને દરેક વખતે શાંતિ મળે તો બસ. પણ એક પછી એક જીવનના યક્ષ પ્રશ્નો ઉભા થતા હતા અને શાંતિલાલ પણ પોતાની જાત સમજણ મુજબ તેનો ઉકેલ યેનકેન પ્રકારેણ કરી લેતા.
પણ આકોણ જાણે ક્યાંથી કોરોના આવી ગયો..એક સાવ નરી આંખે ન દેખાતી ઉપાધિ એ શાંતિલાલના જીવનમાં અશાંતિનો ઝંઝાવાત ફૂંકાવી દીધો. ભાગીદારો એ ખભા ઊંચા કરી દીધા ! અને સત્તર વર્ષની શાંતિલાલની જાત મહેનતથી ઉભી કરેલ પેઢીને હવે ખોટ નથી વધારવી એમ કહીને શાંતિલાલને જ પાણીચું પકડાવી દીધું. કાચો હિસાબ કિતાબ તો શાંતિલાલના મનમાં ઉગી ગયો હતો કે હાથમાં કંઈ આવે એમ નથી ! એટલે સંબંધોના ભોગે પૈસા કમાવવા નથી, એમ કરીને મન વાળી દીધું ! તોય મનમાં ઉચાટ અને સળવળાટ થયા કરે,પણ લગભગ વીસ ત્રીસ લાખની નુકસાની વેઠવાનો વારો આવ્યો. અને કમાણીનું સાધન ગયું એ અલગ !
પણ નસીબજોગે દીકરાઓ ખૂબ જ હોંશિયાર નીકળ્યા અને સંસ્કારી પણ. શાંતિલાલના ઘા પર મલમ પટ્ટો લગાડી દીધા !
પણ જીવમાં ઉત્પાત ઘણા મચ્યા જ કરે,એમાંને એમાં અનિંદ્રાનો રોગ લાગુ પડી ગયો ! હવે શાંતિલાલને બધાં કહે, બેસી રહોને,પગ વાળી ને ! અત્યારે જીવન સંધ્યા સમયે શાંતિલાલને પણ જાણે ઓલા યુધિષ્ઠિરને યક્ષ પ્રશ્નોનો કોઈ હલ
મળ્યો હતો, પણ આ શાંતિલાલને બુદ્ધિ સ્થિર કરનાર કોઇ મળે તો સારું ! રોજ અરીસામાં જોઈને પોતાની જાતને જ
ઓળખી શકતા નથી,શાંતિલાલ ! શાંતિ ક્યાં મળશે !ધર્મધ્યાન ! રૂપિયા તો જે ગયા ઈ પાછા આવવાના નથી !આજકાલના આ એકવીસમી સદીમાં કોનો ભરોસો રાખવો ?સરકાર,સંબંધો, ધર્મ બધું ય એક જ સબળ પરિબળ પર આધારિત છે, રૂપીયા !
હમણાં એક નવી વાત દીકરો કરતો હતો કે હવે શુદ્ધ હવા શ્વાસમાં લેવા માટે ય રૂપિયા દેવા પડે, એવી કોઈ જગ્યા છે, આ દુનિયામાં,બોલો ! હવે પછી આ આપણાં શાંતિલાલ શું કરે ! એટલે જ રાતે ત્રણ વાગ્યે પણ સાવ સૂનકાર વચ્ચે પણ શાંતિલાલના મનમાં તો કોલાહલ મચી ગયો છે ! બોલો શાંતિલાલ શું કરે ?
