STORYMIRROR

PRAVIN MAKWANA

Classics Inspirational

4  

PRAVIN MAKWANA

Classics Inspirational

ઘમંડનો નાશ

ઘમંડનો નાશ

2 mins
354

કાલિદાસ ક્યાંક જઈ રહ્યા હતા. તરસ લાગી તો કૂવા પર એક સ્ત્રી પાણી ભરી રહી હતી, તેની પાસે જઈને બોલ્યા, 'માતે, પાણી પીવડાવજો.'

સ્ત્રી બોલી, 'હું તમને ઓળખતી નથી. પરિચય આપો. હું જરૂર પાણી પીવડાવીશ.'

 'હું પથિક છું.'

સ્ત્રી બોલી, 'પથિક તો કેવળ બે જ છે - સૂર્ય અને ચંદ્રમા, જે હંમેશાં ચાલતા રહે છે. તમે આ બેમાંથી કોણ છો ?'

કાલિદાસે કહ્યું, 'હું મહેમાન છું. મહેરબાની કરીને પાણી પીવડાવો.'

'સંસારમાં બે જ મહેમાન છે - ધન અને યૌવન. એને જતાં સમય લાગતો નથી. સાચું કહો કે, તમે કોણ છો ?'

અત્યાર સુધીના તર્કથી કાલિદાસ હતાશ થઈ જ ગયા હતા. તેમણે કહ્યું, 'હું સહનશીલ છું. હવે તો પાણી પીવડાવો !'

સ્ત્રીએ કહ્યું, 'ના. સહનશીલ તો બે જ છે - એક તો ધરતી કે જે પાપી-પુણ્યાત્મા બધાનો બોજ સહન કરે છે. એની છાતી ચીરીને બીજ વાવવામાં આવે તો પણ એ અનાજના ભંડાર ભરી આપે છે, બીજું ઝાડ કે જેને પથ્થર મારો તો પણ મીઠાં ફળ આપે છે. તમે સહનશીલ નથી. સાચું કહો કે, તમે કોણ છો ?'

કાલિદાસ લગભગ મૂર્છાની સ્થિતિમાં આવી ગયા અને તર્ક-વિતર્કથી અકળાઈને બોલ્યા, 'હું હઠી છું.'

'ફરી અસત્ય. હઠી તો બે જ છે - નખ અને કેશ. જેટલી વાર કાપો એટલી વાર વધ્યે જ જાય છે. સત્ય કહો બ્રાહ્મણ, તમે કોણ છો ?'

બધી રીતે અપમાનિત અને પરાજિત થયેલા કાલિદાસે કહ્યું, 'તો તો પછી હું મૂર્ખ જ છું.'

ના...ના...તમે મૂર્ખ કેવી રીતે હોઈ શકો ? મૂર્ખ બે જ છે. એક એવો રાજા કે જે યોગ્યતા વિના બીજા પર શાસન કરે છે અને બીજો દરબારી પંડિત કે જે રાજાને પ્રસન્ન કરવા માટે ખોટી વાત પર પણ તર્ક કરીને એને સાચી સિદ્ધ કરવાની ચેષ્ટા કરે છે.'

કશું પણ બોલી ન શકવાની સ્થિતિમાં કાલિદાસ વૃદ્ધાના પગમાં પડી ગયા ને પાણી માટે કરગરવા લાગ્યા.

વૃદ્ધાએ કહ્યું, 'ઊઠ વત્સ !'

કાલિદાસે ઊંચે જોયું તો સાક્ષાત્ સરસ્વતી દેવી! કાલિદાસ ફરી વાર નતમસ્તક થઈ ગયા. દેવીએ કહ્યું, 'શિક્ષાથી જ્ઞાન આવે, અહંકાર નહીં. તેં શિક્ષાના બળ પર મળેલાં માન અને પ્રતિષ્ઠાને જ પોતાની ઉપલબ્ધિ માની લીધાં અને અહંકારમાં આવી ગયો એટલે જ તારા ચક્ષુ ખોલવા માટે મારે આ સ્વાંગ રચવો પડ્યો.'

કાલિદાસને પોતાની ભૂલ સમજાઈ ગઈ. વિદ્વત્તા પર ક્યારેય ઘમંડ ન કરવો. ઘમંડ વિદ્વત્તાનો નાશ કરે છે.


Rate this content
Log in

Similar gujarati story from Classics