ગામડાની મોજ
ગામડાની મોજ
ગામડું કોને ન ગમે ? પણ શહેરોની બોલબાલા વધી છે અને શહેરો ગામડાઓ કરતાં આગળ હોય છે પણ આ કોરાના જેવી મહામારીએ ગામડાઓની કદર કરાવી છે લોકો બધું જ છોડી ગામડાઓ તરફ વળ્યા હતા.
ગામડું એટલે વહેલી સવારે પરોઢીયા ગવાતાં હોય,પક્ષીઓનાં કલરવ સંભાળતાં હોય,મંદિરના ઘંટ સંભાળતાં હોય, માલઢોરના ઘોંઘાટ સંભાળતાં હોય, વાહીદા થાતાં હોય, દુઝાણા ડેલે આવતા હોય, વાડામાં પાહે (ગાય- ભેંસને પાણી પીવડાવતાં નિકળતો અવાજ)નિકળતો હોય,દાતણ થતાં હોય, બાયું લાજુ કાઢીને કુવેથી પાણીનાં બેડા માથે ભરી આવતી હોય,છકડો રીક્ષામાં ગામના લોકો હટાણું કરવા જતાં હોય,નિહાળે છોકરા જતાં હોય આવી હોય છે ગામડાની સવાર.
સંધ્યા ટાણે માલઢોર ઘરે પાછા વળતા હોય સાથે માલધારી થાકયો પાકયો ખમ્ભે લાકડીનાખી ગીત ગુજંન કરતો કરતો જતો હોય, પાદેરચોક ભાભાની ચર્ચાઓ હોય,ચોક મા શાક માર્કેટ ભરાઇ બાયું લાજુ કાઢી બકાલુ લેવા આવતી હોય,ઠાકર મંદિરની ઝાલારનું ટાણું થતાં ચોકમાં બેઠા ભાભાઓ અને ટાબરિયાં ઝાલર વગાડવા પહોંચી જાય, શંકર મંદિર પણ ઘંટ અને શંખ વાગવા માડે,બાયું ચુલા માટે બળતણ ભેગું કરી રોટલા ટીપવાની તૈયારી કરે, ચોતરી આગળના મોટા વડલાની વડવાઈએ ટાબરિયાં ઝુલતા હોય,બળદગાડામાં ઢબરઢબર પૈડાંના ઘોંઘાટ કાને અથડાતા હોય, ઘેટાં બકરાંના ઘોંઘાટ આખય ગામને હચમચાવી દેતાં હોય, હટાણું કરી પાછાં ફરતાં લોકો આખેય ગામને વસ્તુ દેખાડતા ઘરનાં ઓટલે વિસામો લે અને એક કળશો પાણી પાઉ એવાં બોકારા પાડે તો ઈ એ શબ્દો મીઠાં લાગે એ જ આપણું ગામડું.
એ મોટી પાઘડી પહેરી હોય, ધોળો ઝભ્ભો અને ચોયણી પહેરી હોય અમુકે લાલ ગમચા ખભેનાખ્યા હોય અને એ વર્ષો પહેલાંની વાતોનો ઈતિહાસ ખોડીયારની ચોતરીએ બેહીને વાગોળતાં હોય એમાં જો કોઈક બાઈ બકાલુ લેવાનીહરે તો ખોખરા ખાઈને કહે બાપા બેઠાં સે લાજુ બાજુ કાઢો આમ હાલ્યા ન જાઉં આમ કહી ગામની આબરૂ રાખવા કહે છે પહેલાના ગામડાના માણસો મર્યાદા પાળતા હતા એટલે જ કદાચ લાજ કાઢવાનો રિવાજ હશે !
ચોતરીની આગળ જતાં વડવાઓની વાવ આવે છે આ વાવ એક હજાર વર્ષ પહેલાંની છે એ વાવની અંદર શંકર ભગવાનની લીંગની સ્થાપના કરવામાં આવી હતી આ સ્થાપના અમારા પૂર્વજો જેવાં કે દયાળજી મહેતા એ કરી હતી આ સાથે એમને જ ગામનાં તોરણ પણ બંધાવેલા, વાવની નજીક એક હનુમાનજીની દેરી છે ત્યાં ગામનાં જુવાનીયા ફાળો કરી દેરીને રંગરોગાન કરાવે, વાવમાં બેઠેલા ભોળાનાથ સાક્ષાત છે એવું વડવાઓ કહે છે આજની તારીખે પણ વાવમાં દિવા-અગરબતી થાય છે વાવમાં કોઈ રાણીના ઝાંઝરનો રળકાર નહીં પણ આરતી થતી હોય એવાં ભણકારા ઝાલર ટાણે થાય છે, ત્યાં વાવની નજીક વરસો જુનો લીમડો હજીયે યથાવત છે, આગળ વધતા ગામની નિહાળ આવે છે ચાર -પાંચ ઓરડા, વિશાળ ફળિયું અને બે-ચાર લીમડા એકાદ વડલો અને મનજી દાદા જેવા માયાળુ માસ્ટર, નિહાળની આગળ વધતાં શરમાણીયા દાદાની દેરી આવે આ દેરી આવતાં ગામની વહૂ લાજ કાઢી લે વિચાર આવ્યો કે કેમ લાજ? ગામનાં એક ભાભા કીધું મને બેટા શરમાણીયા દાદો એટલે આખા ગામનો બાપ કહેવાય એટલે ગામની વહૂએ લાજ કાઢવાની હોય છે, શરમાણીયા દાદા એટલેનાગ દેવતા! આજ દેરીની બાજુમાં ડેપો(બસસ્ટેન્ડ) પણ કયારેય બસ ગામની અંદર ન આવે! આગળ વધતાં શંકર મંદિર આવે મોટો જબરો ડેલો એમાં બે મંદિર ગાયત્રી મંદિર અને ભોળાનાથનું, મોટો જબરો ઘંટ જે વગાડતા આખા ગામમાં સંભળાય, મંદિરના ડેલામાં બાબુભાઈ પુજારી અને એનો પરિવાર રહે ડેલામાં બીજો એક ડેલો લાંબી ડાધી વાળા અમુદાદાનો છે એ હતા ત્યારે એની મેડીએ રહેતા અને વરસો જુની વાતો કરી પોતાનું જ્ઞાન વહેંચતા.
ગામનું એક પૌરાણિક મંદિર દરિયા કિનારે છે રત્નેશ્વર મહાદેવનું, દરિયામાં એક ભોયરુ છે ત્યાં સ્વયંભુ ભોળાનાથ છે ત્યાં જવા માટે એક મહત્વનું સમયપત્રક છે એ સમયે જ તમે ત્યાં અંદર જઈને દર્શન કરી શકો આ મંદિરની આજુબાજુ બીજું કંઈ જ નથી જંગલ વિસ્તાર છે પણ ત્યાંનું વાતાવરણ ખૂબ જ રમણીય લાગે છે. આ જગ્યા એક કુદરતી બક્ષિસ છે એવું માનવામાં આવે છે અને ખરેખર છે પણ.
મંદિરથી પાછા ફરતાં વૃજલાલ મહેતાનું નાનકડું ખેતર આવે છે ત્યાંથી આગળ કેડીએ જતાં મોહનગોરનું ઘર આવે છે, આગળ વધતાં ફરી ખોડીયારની ચોતરી આવી ગયા ચોતરીની બાજુમાં ખોડીદાસનો ડેલો આવે આ ડેલો આમ કહો તો ઐતિહાસિક ગણાય ત્યાં મામા એ ભાણિયાને પાટું માર્યું હતું અને એજ ડેલામાં આજે પણ ભાણીયાની દેરી છે પરિવારના લોકો આજે પણ એમનાં પુજા-પાઠ કરે છે આ હકીકત છે. ચોતરીની સામે મોટો વાદળી રંગનો ડેલો છે આ ડેલો વિશ્નુ પ્રસાદ મહેતાનો એક મોટી ઓસરી અને બે ઓરડા અને એક વાડો આ ડેલાની અંદર છે, એ ડેલાની પાછળ લિમડા વાળા મેલડી બેઠા છે એ મેલડીને ધજા વિશ્નુ પ્રસાદ મહેતાની જ વરસોથી ચડે છે. મેલડીની દેરી ઓઘડ ભાભાનો ડેલો આ ઓઘડભાભોનો ઘોંઘાટ એટલે આખુંય ગામ કંટાળેલુ અને કહે આ ઓઘડો પણ!
આગળ ચાલતાં ચાલતાં એકનાનકડી કેડી આવે ત્યાં એક પારવતી ડોશી રહે એ જીવના એટલા સારાં કે પોતે કાળી મજૂરી કરી આવે પણ કેડીએ નિકળેલા વટેમાર્ગુને ચા પીધા વગર ન જવા દે અને જો દુધ ન હોય તો કાળી ચા ઈ ડોશી પીવડાવે, આગળ ચાલતાં ચાલતાં બે ખેતર આવે અનેનાનકડી કેડી આગળ વધતાં મકવાણાની ધાર આવી જાય ત્યાં થી બીજા ગામ જવા માટે છકરડો મળે આ છે મારા મલકનુંનાનકડું અને ઐતિહાસિક ગામ દયાળ.
