સુપર હીરો એટલે પપ્પા
સુપર હીરો એટલે પપ્પા
પપ્પા વિશે લખવા બેસીએ તો શબ્દો ઓછો પડે છે સાહેબ. જન્મ સાથે પહેલા પુરુષ સાથે મુલાકાત થઈ એ છે પપ્પા, દીકરીનાં જન્મથી સૌથી વધારે ખુશ થનાર વ્યક્તિ એટલે પપ્પા !
ઘરમાં માતા-પિતાનું સરખું જ મહત્વ છે પણ લેખક કે કવિ માત્ર ને માત્ર માતૃત્વ વિશે લખશે પછી કોઈ ફિલ્મ પણ માતા પર બનશે એવું કેમ !? માતા લાગણીમાં આંસુ સારી દેશે પણ પિતા એ જ લાગણીને પાંપણમાં છુપાવી દેશે !
મારા દરેક સ્વપ્ને સાકાર કરવા માટે મારા પપ્પાએ પ્રેરિત કરી છે હું બહુ ડરપોક હતી પણ સ્ટ્રોંગ મને પપ્પાએ બનાવી મારા જીવનમાં માંથી ડરને નાબૂદ કરી મને આત્મવિશ્વાસુ બનાવી છે, ફિલ્મ દંગલમાં આમીર ખાન ખુબ સારા પિતા પુરવાર થયા છે પણ મારો રિયલ હીરો મારા પપ્પા છે એમણે મને મારા પગભર કરી ,મેં જીવનમાં અનેક ભૂલો કરી છે પણ એમને મને માફ કરી છે ને ક્યારેક મારા પર કોઈ પણ વાતનું દબાણ નથી કર્યું અને મેં પણ ક્યારેક એમને દુઃખ લાગે એવું કર્યું નથી હા ભૂલો અનેક કરી છે એ હું સ્વિકારુ છું.
બધાંની જિંદગીમાં પપ્પાનો રોલ હોય જ છે, ભગવાન રામને પણ જ્યારે વનવાસ થયો હતો ત્યારે એક માતાનાં હુકમ ને એક પિતાએ ઈન્કાર કર્યો હતો છતાં પણ રામ વનવાસ ગયા હતા અને દશરથ રાજા ભગવાન રામના વિયોગથી મૃત્યુ પામ્યા હતા આ એક પિતાનો અદ્રશ્ય પ્રેમ હતો, શીવાજીની માતા જીજાબાઇ હાલરડું ગાઈ છે તો તેમનાં પિતા એ પણ શિવાજીને મજબુત બનાવવા મહેનત કરી હતી એ ભુલવું ન જોઈએ, માતા યશોદા મૈયા અને દેવકીની વાર્તા બધા કરે પણ ક્યારેક વાસુદેવ બાળકને માથા પર ટોપલામાં લઈ જાય છે એ કોઈ કેમ નથી જોતું ? દરેક પિતા સાથે એક કહાની જોડાયેલી છે પણ એને કોઈ વાગોળતુ નથી ! કારણ પિતાનો પ્રેમ પ્રત્યેનો અભિગમ થોડોક અલગ હોય છે.
મારા મંતવ્ય મુજબ પપ્પાએ દરેકની જિંદગીનાં હીરો હોય છે પણ ખરેખર જો સમજીએ તો ! મારા પિતા મારા સુપર સ્ટાર છે કારણ એને મને દરેક ફિલ્ડમાં એકટીવ રાખી છે દરેક જગ્યાએ મને સપોર્ટ કર્યો છે અને હંમેશા મારા પડછાયાની જેમ મારી સાથે હોય, પુરુષ પ્રધાન દેશમાં પણ એક સ્ત્રીને પુરુષનો પહેલો સાથ મળે એ પ્રથમ પુરુષ એટલે પિતા.
ઘરમાં પપ્પાની તરફેણમાં હોય તે વ્યક્તિ એટલે દીકરી હું ધોરણ ૧૦માં એક વિષયમાં નાપાસ થઈ તો મને પપ્પા એ કંઈ જ નથી કહ્યું અને એમ કહ્યું જિંદગીમાં એકવાર નાપાસ થવું પણ જરૂરી છે અને જે નાપાસ થાય એ જ આગળ વધે છે અને એ વાત હું મારા કેરીયરમાં જોઈ શકું છું આ હકીકત છે !
પિતાનાં પ્રેમની ઈમારત બહુ ઊંચી છે એટલે ત્યાં સુધી આપણી નજર જતી નથી માત્ર "માતા" ની લાગણીઓની લિફ્ટમાં બેસી ફરી નીચે આવી જઈએ છીએ સાચું છે ને દોસ્તો?
પિતા મારા માટે સુપર હીટ હીરો છે કારણ એ બધાં રોલ ખુબ સરસ રીતે નિભાવે છે માતા જેમ ઘરનું મેનેજમેન્ટ કરે છે એમ પિતા પણ ઘરનું અર્થતંત્ર જાણવે છે એ પિતા ફાટેલું ગંજી પહેરીને પણ ઓફિસ જતા રહેશે આપણે કહીએ તો એ એમ કહેશે કે હવે શર્ટ નીચે કોણ જોવાનું છે ? આ હકીકત છે આવું બધાં સાથે થયું હશે !
