પુત્ર પ્રાપ્તિની ઝંખના
પુત્ર પ્રાપ્તિની ઝંખના
કોઈ ને કોઈની તરસ હોય છે એવી જ તરસ તુષારને સંતાનમાં દીકરાની તરસ લાગી છે. તુષારનું પોતાનું કંઈ ચાલતું ન હતું, તૃપ્તિની સામે જોવાની હિંમત તુષારની ન હતી ! તૃપ્તિ અને તુષારને જયારે ખબર પડી કે પહેલીવાર કે બન્ને માતા -પિતા બનવા જઈ રહ્યાં છે ત્યારે અપાર આનંદ હતો ! પરંતુ જયારથી તુષારના માતા-પિતાને ખબર પડી ત્યારથી માત્ર એક જ રટણ કરે છે કે સંતાનમાં તો પુત્ર જ જોઈએ છે, તૃપ્તિ આ વાત સાંભળીને સાવ નિરાશ થઈ જાય છે તુષાર એક નજરે તૃપ્તિ સામે જોયાં કરે છે પણ માતા-પિતાની ઈચ્છા સામે તુષાર ચૂપ રહે છે પણ તૃપ્તિને આશ્વાસન પણ નથી આપી શકતો ! તૃપ્તિને ફરી નિરાશ થઈને દુઃખી ચહેરા સાથે ત્યાંથી પસાર થઈને પોતાના રૂમ તરફ જાય છે પણ આંખોમાં પતિના પ્રેમની અપેક્ષા અને નિર્દોષ ચહેરા સાથે મમતા ભરી ઉદાસીનતા નજરે ચડે છે. તુષાર આ બધું સાફ જોઈ રહ્યો હતો પણ કોનો સાથ આપે એ સમજી ન શક્યો, થોડા સમય માતા-પિતાની વાતો સાંભળી હવે પત્ની તરફ જવા વળે છે ત્યાં માતા ટકોરા કરે છે કે તૃપ્તિને કહી દે જે કે પુત્ર જ જોઈએ છે !
રૂમનો દરવાજો ખોલે છે ત્યાં જ તૃપ્તિ ભાવસભર બોલી :
તુષાર તમે શું કહેવાનો છે એ હું જાણું છું !
તૃપ્તિના શબ્દો ચારેતરફ પ્રસરી ગયાં અને તુષાર ચૂપચાપ બેડ પર જઈને સૂઈ ગયો !
ફરી તૃપ્તિ બોલી : "તુષાર ! કદાચ દીકરી આવશે તો મમ્મી-પપ્પા શું કરશે ? અને કટાક્ષ કરતાં કહે તમને પણ દીકરાની જ તરસ હોય એવું મને લાગે છે !
તુષાર :"ના તૃપ્તિ ના , મારે મન તો દીકરો કે દીકરી બધું સરખું જ છે પણ હું મમ્મી-પપ્પાને કંઈ કહી નથી શકતો એટલે ચૂપ છું, તું એવું ન વિચાર કે મને પુત્ર જ જોઈએ છે એમ પ્લીઝ તૃપ્તિ !
તૃપ્તિ:" તુષાર તમે એજ્યુકેટેડ વ્યક્તિ છો તમે ધારો તો મમ્મી-પપ્પાને સમજાવી શકો છો અને કહી શકો છો કે દીકરી કે દીકરો એ તો ઈશ્વર આપેલ ભેટ છે એમાં મારું કે તમારું કંઈ ન ચાલે ! "
તુષાર: "તૃપ્તિ તે મને બહુ સરસ વાત સમજાવી છે, હું જરૂર પ્રયત્ન કરીશ પણ મમ્મી બહુ જિદ્દી સ્વભાવની છે એ નહીં સમજે, તો પ્લીઝ તું એની વાતને મગજ પર ન લેતી "
તૃપ્તિ: " હા તુષાર ! પણ અત્યારે મને તમારા સાથની જરૂર છે !
તુષાર:"ડીયર , હું તારી સાથે જ છું પણ તું મને સમજવાની કોશિશ કરજે ( ખરેખર તુષાર પણ અંદરથી પુત્રની તરસ રાખતો હતો) આ વાત તૃપ્તિ પણ જાણતી હતી છતાં પણ એ પોતાના પતિ પાસે ઘણી બધી અપેક્ષાઓ રાખીને બેઠી હતી :
સમાજ અને પરિવાર એક પુત્રવધૂ પાસે કાયમ પુત્ર પ્રાપ્તિની ઝંખના કરતો રહ્યો છે આજ કારણે પરિવારમાં મતભેદ, ઝગડા અને છૂટાછેડાના બનાવો વધતા જાય છે અને પરિવાર વિખરાતા જાય છે !
