એવોર્ડ
એવોર્ડ
દક્ષા ભણવામાં ખૂબ જ હોશિયાર પણ ક્યારેક મોડી આવે ક્યારેક ન આવે. મને એક શિક્ષક તરીકે તેની ખૂબ ચિંતા થાય. આટલી હોંશિયાર છોકરીને ગેરહાજરી કેમ પાલવે? જ્યારથી શાળામાં શિક્ષક તરીકે જોડાયો, કેટલાક આમુલ પરિવર્તનો કર્યા હતાં અને તેની વિદ્યાર્થીઓ પર ખૂબ જ સકારાત્મક અસર પડેલી. છોકરાઓ બધી વાત માને અને ખૂબ આંનદ અને નિષ્ઠાપૂર્વક ભણતાં. મને થયું કે ખિજાઈને કહી દઉં, " આટલું સરસ ભણાવું છું તોયે નિયમિત ન આવવું હોય તો હવે દાખલો કઢાવી લ્યો." પછી વિચાર્યું કે એ યોગ્ય નથી. હજી તો હું કારણ પણ ક્યાં જાણું છું અને પછી તપાસ કરતા ખબર પડી કે એ પાંચ બહેનો છે એને કોઈ ભાઈ નથી અને તેના પપ્પા મરણ પથારીએ છે. એટલે ઘરની સગવડતા સાચવવા બહેનોમાં અલગ અલગ કામ અને નિશાળના પણ વારા રાખ્યાં હતાં. હું નિઃશબ્દ બની ગયો અને મનોમન નિર્ણય કર્યો કે આજથી હું જ આનો ભાઈ અને આ દીકરીને મહેનત કરાવીને નોકરીએ લગાડીશ.
એક દિવસ એના ઘરેથી મારા ફોનમાં ફોન આવ્યો. ફોન દક્ષાના મમ્મીનો હતો. " શાબ , દક્ષાના બાપુ ગુજરી ગ્યા સે. તમે એને ખબર નો પડે એમ ઘરે લઈ આવો ને." મારાં માટે આ જગતનાં કપરા કામોમાંનું એક હતું. મેં વર્ગમાં જઈને એને કહ્યું," તું ઘણાં દિવસથી ઘરે
બેસવા આવવાનું કહેતી હતી ને તો હું તારા ગામ બાજુ જાઉં છું તો ત્યાં તારા ઘરે પણ આવવું છે. તો તું પણ ચાલ." એ મારી ગાડી પાછળ બેઠી. એને ખ્યાલ ન આવે એની જવાબદારી મારી હતી એટલે હું વાતો કરાવતો હતો. " એવું લાગે તો હું જ તારા પપ્પાને મહુવા લઈ જઈશ. ત્યાં સારી સારવાર મળે એટલે બધું સારું થઈ જશે." એ મને હોંકારો ભણતી હતી. છેલ્લે ગામ આવ્યું અને મને થયું કે હવે સાચું કહી દેવું જોઈએ નહીં તો વધુ આઘાત લાગશે. તો પણ બોલાયું તો નહીં જ. ઉલટાનું એમ જ બોલાયું કે, " આપણે સારા દવાખાને લઈ જઇશું." એ પાછળથી ઉતરી અને મારા સામે જોઇને બોલી," હવે કોને લઈ જશો, સાહેબ?" હું સ્તબ્ધ બની ગયો.
" તને ખબર હતી તો તે મને કેમ કંઈ ન પૂછ્યું", મેં અતિ આશ્ચર્યથી પૂછ્યું. " સાહેબ, તમને ક્યાંય એમ ન લાગે ને કે તમે મને સાચવી ન શક્યા એટલે. તમારું જ ઘડતર છે ને સાહેબ." ત્યારે એવું લાગ્યું કે હવે દુનિયાનો કોઈ એવોર્ડ કે ઉપલબ્ધિ મળે કે ન મળે આ સંસ્કારથી વધુ શું હોઈ શકે.
" સાહેબ, પાણી લ્યો. શું વિચારો છો?", પોલીસમેન દક્ષાના હાથમાં પ્યાલો હતો. એ એના પોલીસ હસબન્ડને મારો પરિચય આપી રહી હતી અને હું તો ક્યાંય આંટો મારીને આવ્યો પાછો..!