એનું એ જ
એનું એ જ


"ત્રીસ વર્ષ પહેલાં આજ હોટેલ પર ......", લીનાની આંખોમાં જોઈ રાજ બોલવા ગયો પણ વાક્ય પૂરું ના કરી શક્યો.
"બધું કેવું બદલાઈ ગયું !"આજુબાજુમાં નજર દોડાવી લીના બોલી.
"હા, આ હોટલનું એલિવેશન, આપણાં કપડાં અને ચહેરા પરની થોડી રેખાઓ. બાકી તો બધું એમનું એમ....", વળી રાજે વાક્ય અધૂરું છોડ્યું.
"હા, એમ પણ વિચારી શકાય. વળી, તારી આ વાક્ય અધૂરાં છોડવાની આદત પણ જેમની તેમ જ છે ને." લીનાના વાક્યથી માત્ર બે જણાં જ નહીં આખો કાળ નજર સમક્ષ તગતગવા માંડ્યો.
"જો રાજ, મમ્મીના ગયા પછી પપ્પાએ મને એક મા બનીને ઉછેરી છે. મેં એમને ખૂબ સમજાવ્યા. એ નહીં માને. મારે એ કહે છે ત્યાં જ લગ્ન કરવા પડશે" લીનાએ રડતાં- રડતાં કહ્યું.
"તું રડી લઈશ, પપ્પા ખુશ થઈ જશે પણ હું...." રાજ વાક્ય પૂરું ન કરી શક્યો.
"હું જાઉં છું. મને માફ કરી દેજે . પ્લીઝ" લીનાનું જાણે કે અંતિમ વાક્ય !
"તો હું ક્યાં જાઉં અને......", રાજ આ અધૂરાં વાક્યને લઈને ત્યાં વર્ષો સુધી બેઠો રહ્યો.
"બોલ, શું લઈશ કે હજી પણ.....",રાજ જે કઈ અધૂરું મુકતો એ બધું જ લીના સમજી જતી.
"થોડો સમય........" અને લીનાનાં આ અધૂરાં વાકયે જ સઘળી વાત પૂરી કરી.