STORYMIRROR

Swati Dalal

Abstract Tragedy Thriller

4  

Swati Dalal

Abstract Tragedy Thriller

એંઠુ

એંઠુ

2 mins
162

      બબલુ...........ક્યાં ગયો પાછો ? નો અવાજ સાંભળતા જ પાંચ વર્ષના બબલુ અને નર્મદાબા બેય થીજી ગયા અને બીજી જ મિનિટે સુમિત્રા પ્રગટ થઈ, બબલુ.. તેણે ફરી રાડ નાખી.....તને હજાર વાર ના પાડી છે ..બા ની થાળીમાંથી ખાવાની..... એંઠું કહેવાય એેને, કેમ નથી સાંભળતો અને પ્રેમપૂર્વક લાલાને જમાડતા નર્મદા બા પાસેથી લગભગ ઢસડીને બબલુ ને બહાર લઈ ગઈ.... જતાં જતાં તેનો બબડાટ નર્મદા બા ના કાને પડ્યો, " નાના તો નાના પણ મોટા ય ક્યાં સમજે છે"" બા એ નિશ્વાસ મૂકી થાળી પર નજર કરી, અને બબલુને ખવડાવવા માટે ભેગા કરેલા દાળ ભાતના ધીમે ધીમે કોળીયા ભરવા લાગ્યા.

                       વર્ષોથી ગામડામાં રહેતા નર્મદા બા, ઘરડે ઘડપણ શરીરે જવાબ દઈ દીધા પછી અને ઉંમર પ્રમાણે નાના નાના રોગોએ શરીરમાં ઘર કરતાં, પાછલી ઉંમરે દીકરા પાસે શહેરમાં રહેવા આવ્યા હતા... અહીં આવવાની એક લાલચ બબલુ પણ હતો. અત્યાર સુધી અલપ ઝલપ થોડા જ દિવસો માટે રમાડેલો, પાંચેક વર્ષનો દીકરા નો દીકરો બબલુ તેમને ખૂબ વહાલો, અને તેથી જ તે અહીં આવ્યા હતા. પણ અહીંયા આવીને તો અજાયબી જોઈ ......તે જેટલા બબલુની પાસે જતા સુમિત્રા એટલો જ બબલુ ને તેમનાથી દૂર રાખવા કોશિશ કરતી. નર્મદા બા ના લાડકોડથી બબલુ તેમની પાસે ખેંચાઈ આવતો .....કંઈ પણ ખાવાનું હોય, લેવાની કોશિષ કરતો અને બા નટખટ લાલજીને ખવડાવતાયે ખરા.

           થોડાક દિવસ તો સુમિત્રા જોઈ રહી અને ધીરેથી વારતી ...પણ હવે તો તે લગભગ રાડ જ નાખતી, અને નટખટ બબલુ ની જીદ આગળ નમી જતા તેને પોતાની થાળીમાંથી ખવડાવતા બા ઓઝપાઈ જતા ............હંમેશા બા ની આસપાસ જ ફર્યા કરતો, લાડ કરતો, ખોળામાં સૂવા માટે રડતો કે બાની સાથે જ ખાવાની જીદ કરતા બબલુ ને સુમિત્રાની લપડાક પણ પડી જતી, પણ સુમિત્રા ઘરકામ માટે આઘીપાછી થતાં જ બા અને બબલુ ની રમતો ફરીથી જામતી..

                  ઘણા વર્ષે બાધા આખડી પછી આવેલા એકના એક બબલુની સંભાળમાં સુમિત્રા આકાશ પાતાળ એક કરી લેતી હતી, અને બા નો કોઈ રોગ બબલુને પણ લાગી શકે, તેવી વિચિત્ર વિચારસરણી ધરાવતી સુમિત્રા, બબલુ ને બા થી દૂર રાખવાની બનતી કોશિશ કરતી, પણ બબલુને બાની થાળીમાંથી ખાધા વગર જાણે પેટ જ નહતું ભરાતું .... સુમિત્રા એને આખો દિવસ શીખવાડતી, બબલુ એંઠું ન લેવાય, એંઠું ન ખવાય....... પણ..વ્યર્થ !

                 પાંચ વર્ષના બબલુની હાલત એક અઠવાડિયાથી ખૂબ કથળી હતી. આમ પણ સ્વભાવે શંકાશીલ સુમિત્રા ક્યાંક બા નો કોઈ રોગ તો નથી લાગ્યો ને, તે વિચારે રડ્યા જ કરતી હતી ......બધા ટેસ્ટ બાદ ડૉક્ટરો એ નિદાન આપ્યું કે, બબલુની બેય કિડની કામ નથી કરતી, તાત્કાલિક કિડનીની જરૂર પડશે.

            એક જ મહિના પછી બબલુ બાની એંઠી કિડની સાથે ફરીથી પગલીઓ ભરવા તૈયાર હતો અને બા બબલુ ને જમાડવા.


Rate this content
Log in

Similar gujarati story from Abstract