"Komal" Deriya

Abstract Romance Tragedy

4  

"Komal" Deriya

Abstract Romance Tragedy

એકાંત મુબારક

એકાંત મુબારક

3 mins
241


"આકાશ, કેમ કંઈ બોલતો નથી ? હું ક્યારની આમ બેઠી છું. કંઈક તો બોલ ! " નીરજા ગુસ્સામાં બોલી. પણ આકાશ હજુય એકદમ ચૂપ જ છે. 

નીરજા : "તું હવે કંઈ બોલ, નહી તો હું અહીં થી જાઉ છું હવે હું કંટાળી ગઈ છું, આપણે છેલ્લાં ત્રણ કલાકથી આમ જ બેઠા છીએ. આજુબાજુના લોકો પણ હવે તો આપણી સામે વિચિત્ર નજરે જોઈ રહ્યાં છે. તું કંઈક તો બોલ ! "

નીરજાની અકળામણ જોઈ આકાશ માત્ર એટલું જ બોલ્યો, "તને આ ત્રણ કલાક આટલા અકળાવી ગયા ? જરીક વિચાર તો કર, મારી આખી જિંદગી આવી ચૂપચાપ છે, મૌન છે."

નીરજાથી રહેવાયું નહીં અને એને કહ્યું, "આકાશ, જો તારી જિંદગી તે જાતે જ ખરાબ કરી છે એટલે પહેલા તો મને દોષ આપવાનું બંધ કર અને આજે પણ હું તારી વાત સાંભળવા માટે બધા જ કામકાજ મૂકી છેલ્લાં ત્રણ કલાકથી તારી સામે બેઠી છું ને. પણ તારી તો આદત જ છે કરવું કંઈ નથી અને બસ બધું જ અનાયાસે મેળવી લેવું છે. આજથી ચાર વર્ષ પહેલાં પણ તારે કંઈક કરવાની જરૂર હતી પરંતુ સાહેબ તો ચૂપ રહ્યાં. ઉપરથી તને આજે યાદ આવ્યું કે તું મને પ્રેમ કરે છે. વાહ ! મારા લગ્નના ચાર વર્ષ પછી પણ હું તારી સાથે બેઠી છું, તને સાંભળવા આવી છું, પણ તું ક્યારેય મને સમજી શક્યો નથી અને હવે તો તને સમજાવવાનો કોઈ ફાયદો નથી. અને હા, સાંભળ આજે હું સાંભળવા જ આવી હતી તને. મને થયું મને દુઃખ થાય છે તો તને ય થતું હશે ! જેમ મને તારી યાદ આવે છે એમ તને ય આવતી હશે ! મને એમ કે જેમ હું દરેક વખતે તને યાદ કરુ એમ તું પણ યાદ કરતો હશે ! હું જેમ તને છુપાવીને મારા હૃદયમાં રાખું છું એમ તે પણ મને સાચવી હશે ! મને થયું કે હું તો મારી મિત્રો આગળ પણ વાત કરી શકું અને મારા પતિ પણ જાણે જ છે આ બધું એટલે હું તો ઘૂંટાઈને નથી જીવી રહી પણ તું તો મારા સિવાય કોઈને કહીશ જ નહીં ને ! બસ એટલે હું આવી ગઈ તારા મનમાં મારા માટે ભરેલી નફરત સાંભળવા, તિરસ્કારના શબ્દો સાંભળવા. તારા વિચારોને શબ્દ બનાવવા, તારા હ્દયનો વિલાપ સાંભળવા."

આકાશ : "નીરજા, તું મારા વગર જીવી શકે છે, હસી શકે છે, આરામથી ઊંઘી શકે છે પણ હું આવું કંઈ કરી શકતો નથી. તને યાદ છે જેમ મને પહેલાં પ્રેમ થયો હતો તારી આંખોથી, તારા હાસ્યથી, તારી વાતોથી, તારી ઝાંઝરીના અવાજથી, તારા ગુસ્સાથી, તારાથી બસ એમ જ મને ફરી પ્રેમ થયો છે એક કલમથી, કોરા કાગળથી, વિખેરાયેલી લાગણીઓથી, તારી યાદોથી, આપણી જુની મુલાકાતોથી, મારી અંદર ગુંજી રહેલા મૌનથી, ભીડને ચિરતા આ એકાંતથી. બસ હવે કોઈ ફરિયાદ કરવી જ નથી. "

નિરજા : " હવે, મને ખબર પડી મારા માટેનો પ્રેમ તો મરી પરવાર્યો છે પણ મારો તો પ્રેમ હજુય જીવે છે અને કદાચ હું જીવું છું ત્યાં સુધી તો જીવતો જ રહેશે. મારા લગ્ન થયા એ પહેલાં મેં જ કહ્યું હતું કે આકાશ હું તને પ્રેમ કરું છું, જો મારા લગ્ન થયા તો મારુ જીવન નિરાકાશ થઈ જશે પણ મારી દુનિયા હંમેશા આકાશમાં જ રહેશે. 

મેં લગ્ન કર્યા બીજા સાથે એટલે મારો પ્રેમ ખોટો અને તું મને ભૂલાવી આ એકાંતથી પ્રેમ કરે તો ય તારો પ્રેમ સાચો ? મેં મારા પ્રેમને જીવતો રાખ્યો મારા હાસ્યમાં એટલે ખોટો અને તે એને મારી દીધો તારા મૌનથી તો ય સાચો ? શું ફક્ત સાથે રહેવું, લગ્ન કરવા, મળતા રહેવું અને રોજ રોજ વ્યકત કરવું એ જ પ્રેમ ? અને મે જેને હ્દયમાં સ્થાન આપ્યું, પ્રાર્થનામાં જેની સલામતી માંગી, હાસ્યમાં જીવંત રાખ્યો, સવારે ઉઠતાવેંત જેને યાદ કર્યો એ પ્રેમ નથી ? હું રોજ વ્યકત કરવા અસમર્થ છું, સમાજના રીતરિવાજોમાં બંધાયેલી છું એટલે મારો પ્રેમ પ્રેમ નથી ? આકાશ, સાચે જ તું પણ બીજા પાગલ આશિકો જેવો નિકળ્યો જેને મારા પ્રેમને શબ્દો અને સાથનો મોહતાજ સમજી લીધો. મારા અંતરની લાગણીઓ સમજી જ ના શક્યો તું. મારા અંદર રહેલાં આકાશ માટેના પ્રેમને તે પંપાળીને મોટું કરેલું એકાંત ભરખી ગયું ! હવે તને તારું મૌન મુબારક, તને મારા માટેની નફરત મુબારક અને તને તારુ ગમતું એકાંત મુબારક. હું હજુય મારા પ્રેમ માટે હસતાં હસતાં જ જીવીશ !"


Rate this content
Log in

Similar gujarati story from Abstract