એક સવાલ
એક સવાલ


મા.. વાર્તા કહે ને? ચંપાને હચમચાવતા નાની સોનુ બોલી.આખા દિવસની મજૂરી પછી થાકેલા શરીર ને ઉંઘરેટી આંખો ને પરાણે જાગતા રાખી એણે વાર્તા માંડી...એક હતો ચકો...."એ નહીં, એ ખૂબ જૂની વાત છે" સોનુ એ વિરોધ નોંધાવ્યો..બેટા, આ તો બીજા નવા ચકા-ચકી છે તું સાંભળ તો ખરી----સોનુ માં ના પડખામાં વધારે ભરાતાં ચૂપ રહી એટલે ચંપા એ વાત ચાલુ રાખી.
હાં, તો એક હતો નવો ચકો ને એક હતી નવી ચકી. બંને જંગલમાં રહે-બધા ઝાડ પર ઉડાઉડ કરે-મસ્ત મઝાનાં ગીતો ગાય ને આનંદ કરે. એવામાં એકદિવસ જંગલમાં તો આંધી ને તોફાન શરુ થઇ ગયું . જોરદાર ઠંડી હવા ને વરસાદ. ચારેબાજુ પાણી પાણી થઇ ગયું. બિચારાં ચકા-ચકી પાસે ઘર તો હતું નહીં એટલે એક ઝાડની બખોલમાં ભરાણાં...વરસાદ ના પાણીથી તો બચી ગયાં પણ ઠંડી તો ખૂબ લાગે. આમ ને આમ બીજો દિવસ પણ થઇ ગયો ને વરસાદ ને ઠંડી તો વધતા જ ગયાં. ચકી તો માંદી પડી. ઠંડીથી તો થરથર ધ્રુજે.......ચકા ને થયું આમ તો ન રહેવાય, મને કોઈ ઘર શોધવા દે. બિચારો ચકો આવા તોફાનમાં ઘર શોધવા નીકળ્યો -એ તો આમ ઉડે ને તેમ ઉડે ક્યાંય ઘર ન મળ્યું!! ચકા-ચકી દુ:ખી થઈ ચીં.....ચીં...કરવા માંડ્યા. આ જોઈ આકાશમાં રહેલાં ભગવાનને દયા આવી. એણે તો એક સરસ મજાનું લાકડાનું બોક્સ લીધું ને ચકા-ચકી પાસે ફેંક્યું. બંને તો ખુશ ખુશ થયા કે આ તો આપણને ઘર મળી ગયું બંને જલદી જલદી અંદર પૂરાઇ ઢાંકણ બંધ કરી બેસી ગયાં. હવા- ઠંડી -તોફાન તો બહાર જ રહી ગયાં. બસ પછી તો બંને એ બોકસના ઘરમાં રહેવા લાગ્યા. તોફાન બંધ થાય એટલે બંને ઘરનું ઢાંકણ ખોલી બહાર નીકળે ને ખુશખુશાલ ગીતો ગાય.....
ફૂટપાથ પર એક ગંધાતી ગોદડીમાં માં ની બાજુમાં સૂતેલી સોનુએ ઠંડીથી બચવા વધારે ટુંટીયું વાળ્યું ને બોલી "તે, હેં મા ! ચકા-ચકી નાં ને આપણા ભગવાન જુદા જુદા હોય? એ લોકોના ભગવાન વધારે દયાળુ હોય?