એક નંબરની ચ્હા
એક નંબરની ચ્હા
બપોરે આંખો ઘેરાતા આકાશ આડો પડ્યો. પંદરેક મિનિટ બાદ તેના સાદા મોબાઈલની રિંગ રણકી. તેણે તેના પપ્પાનો કોલ રિસીવ કર્યો. એકાદ મિનીટ સુધી બંનેનું 'હેલ્લો હેલ્લો ' ચાલ્યું. એ પછી આકાશને તેના પપ્પાએ સ્કૂટી સંગ પોઈન્ટ પર આવીને; લોટ લઈ જવા જણાવ્યું.
આકાશે જ્યારે કેટલો લોટ છે એવા મતલબનો સવાલ પૂછ્યો ત્યારે તેના પપ્પાએ એકઝેટ વજન કહ્યું નહી. આકાશની એવી ઈચ્છા હતી કે જો ઓછો લોટ હોય તો તેના પપ્પા જાતે જ સાંજે ઘેર આવે ત્યારે લેતા આવે !
ખેર, એ પછી આકાશે નળમાં પાણી આવતું હોઈ ચાલુ પાણીએ મો ધોઈ નાખ્યું. એ પછી પોતાની સ્કૂટી સંગ વલ્લભ વિદ્યાનગર પહોંચ્યો. જેવા છાંટા પડવાના શરૂ થયા કે તેણે પોતાની સ્કૂટી કોઈ એક બિલ્ડીંગ તળે ઊભી રાખી. એ પછી તેણે પોતાના બંને મોબાઈલ પ્લાસ્ટિકની કોથળીમાં મૂકી દીધા. એ પછી વરસાદ ધીમો પડતાં તે પપ્પાના પોઈન્ટ તરફ જવા લાગ્યો. પપ્પાએ લોટની કોથળી તૈયાર જ રાખી હતી. આકાશે જોયું કે કોથળીમાં બહુ વજન નહોતું. પપ્પા પોતે પણ સાંજે ઊચકી લાવી શકે તેમ હતા. તેણે કોથળી લીધી અને એ પછી તેને સ્કૂટીની સીટ નીચે મૂકી દીધી.
એ જ વેળા સોસાયટીના પહેલા બંગલામાં રહેતા એક સાહેબ બહાર આવ્યા. આકાશે જોયું કે એમના હાથમાં કાગળનો એક કપ હતો. અને એમાં ગરમાગરમ ચ્હા હતી. તેઓ આકાશના પપ્પાને ચ્હા આપવા જઈ રહ્યા હતા. આકાશને જોતાં સાહેબના ધર્મપત્ની તેના માટે પણ વધુ એક ચાનો કપ લઈ આવ્યા. એ પછી પેલા સાહેબ અને એમના ધર્મપત્ની; ઘરમાં ચાલ્યા ગયા...ચ્હા પીવા માટે.
આકાશે અનુભવ કર્યો કે ચ્હા એક નંબરની હતી. અત્યાર સુધી તેણે એવું સાંભળ્યું હતું કે દાને દાને પે લિખા હૈ ખાનેવાલે કા નામ પણ હવે તેને એવું કહેવાનું મન થયું કે ચાય કે હર એક કપ પે લિખા હૈ પીનેવાલે કા નામ.
