એ છેલ્લી સાંજે
એ છેલ્લી સાંજે
એ છેલ્લી સાંજે જ્યારે મેં એને ફોન કર્યો, મારા મનમાં ઘણુંબધું અજુગતું ચાલી રહ્યું હતું, જાણે મને પહેલાં થી ખબર જ હતી કે એ ફોન નથી ઉપાડવાની એમ વિચારીને જ મેં ફોન કર્યો હતો. ઘણા પ્રશ્નો જવાબવિહોણા મનમાં ઘોળાયા કરતાં હતા પણ પૂછવાની હિંમત જ ન હતી, હાથ ધ્રૂજી રહ્યા હતાં અને એમ પણ વિચાર આવતો હતો કે કદાચ ફોન ઉપાડ્યો તો શું વાત કરીશ ? જાણે અસ્વસ્થ મન અને ગભરાટ છવાયેલું હૃદય તર્કવિતર્ક કરી રહ્યા હતા, ગળે ડૂમો ભરાઈ આવ્યો હતો અને આંખો તો જાણે હમણાં જ બંધ તૂટશે ને તારાજી સર્જાઈ જાશે એવી ભરાઈ આવી હતી, આ થોડીક જ ક્ષણો જાણે મને સંપૂર્ણ તોડવામાં સફળ થઈ હતી અને છેલ્લે જાણે મને ગમતું થયું એમ હું શાંત થઈ ગયો, આજે પણ એ ફોન નો કોઈ જવાબ નથી આપતું એવું સાંભળીને અશ્રુબિંદુ ધારા બની કિનારો ઓળંગી ગયા. આ કદાચ મારો છેલ્લો અસફળ અને નિરર્થક પ્રયાસ હતો. આ પછી જાણે મારા જીવનની ઢબ જ બદલાઈ ગઈ. મારા જીવવાનું ધ્યેય જાતે જ શોધવા લાગી ગયો પણ ક્યાંક મનમાં હજુય પેલો પ્રેમ જીવતો જ રાખ્યો છે મેં.

