દુનિયાનો સૌથી મોટો ઠગ કોણ?
દુનિયાનો સૌથી મોટો ઠગ કોણ?
એકવાર એક જીજ્ઞાસુ શિષ્યે ગુરુજીને પ્રશ્ન પૂછ્યો, ‘ગુરુજી, દુનિયાનો સૌથી મોટો ઠગ કોણ?’
ગુરુજીએ શિષ્યનો પ્રશ્ન સાંભળી થોડીકવાર મૌન સેવ્યું. પછી વિચારીને જવાબ આપ્યો. ‘સાધુ, સંત, મહાત્મા આ બધા દુનિયાના સૌથી મોટા ઠગ છે.’
ગુરુજીનો જવાબ સાંભળતા જ શિષ્યના ચહેરા પર મૂંઝવણના ભાવ ખેંચાયા. એણે મનમાં વિચાર્યું : ગુરુએ મારા પ્રશ્નને મજાકમાં લીધો હશે એટલે જ કદાચ એમણે આવો જવાબ મજાકમાં આપી દીધો હશે.
પણ ગુરુજીના ચહેરા પર કોઈ મજાકના ભાવ દેખાતા નહતા. એમના ચહેરા પર શાંત–સ્થિર ભાવ હતા. એટલે શિષ્યને જવાબમાં રહેલું ગૂઢસત્ય જાણવા સ્વભાવગત જિજ્ઞાસા જાગી.
‘સાધુ, સંત, મહાત્મા… આ બધાને ઠગ કેવી રીતે કહેવાય ગુરુજી? આપનો જવાબ મને કંઈ સમજાયો નહીં. જરા સમજવશો!’ શિષ્યે નમ્રતાથી જુકીને કહ્યું.
ગુરુએ જવાબ આપ્યો, ‘આખી દુનિયાને ઠગનારી આ મોહ–માયાને જેણે ઠગી લીધી હોય એનાથી મોટો ઠગ બીજો કોણ હોઇ શકે?’
* * *