મોટું પેટ
મોટું પેટ


"મમ્મી, પેલી આન્ટીને કેમ એટલું મોટું પેટ છે ?" પાંચ વર્ષના દીકરાની જિજ્ઞાસાવૃતિ સળવળી.
"કેમકે એ આન્ટીના પેટમાં નાનું બેબી જન્મી રહ્યું છે." દીકરાના ગાલને લાડથી પસવારતા કહ્યું.
"બેબી પેટમાંથી આવે ?" તેણે આશ્ચર્યથી તેની નાની આછી આઇબ્રો ઊંચકી, "હું પણ પેટમાંથી જ આવ્યો હતો, મમ્મી ?" તેના જિજ્ઞાસુ મને ફરી પ્રશ્ન પૂછ્યો.
"હા, બેટા." તેના કુમળા ગાલ પર પપ્પી ભરીને કહ્યું.
"હું તારા પેટમાંથી બહાર આવ્યો ત્યારે તને બહુ દુખ્યું હતું ?" તેની માસૂમ કાળી આંખો મમ્મીના મુખભાવ નીરખી રહી હતી. જેના લીધે તેનું નિર્દોષ મુખ વધુ સોહામણું બની ગયું.
મમ્મીએ સ્મિત કરીને માથું હકારમાં હલાવ્યું.
"આઈ એમ સોરી, મોમ..." કહી તેના ફૂલ-ગુલાબી હોઠના ખૂણા નીચે વંકાઈ રડમસ થવા લાગ્યા.
મોમે તેને નજદીક ખેંચી ખોળામાં બેસાડ્યો, તેની માસૂમ આંખોમાં જોઈને પ્રેમપૂર્વક કહ્યું, "તને ખબર છે, બેટા ! જ્યારે મેં તને મારા બંને હાથમાં લીધો એ ક્ષણમાં બધુ જ દર્દ મટી ગયું. તું એકદમ નાનો હતો, મારા માટે તો આખી દુનિયા મારા હાથમાં હતી. હૈયામાં આનંદ-હરખ ફૂલ્યે સમાતો નહતો. એ વખતે મેં પહેલીવાર તને પપ્પી કરી હતી."
"પણ મોમ, મને તો એ યાદ જ નથી ! ત્યારે હું જાગતો હતો ?" તેનું જિજ્ઞાસુ મન મૂંઝાઇ જતાં ફરી પ્રશ્નોની છડી વરસાવાં લાગ્યું.
"ના. ત્યારે તું મીઠી નીંદરમાં હતો, એટ્લે તને યાદ નથી." તેના બંને ગાલ ચૂમી લઈ, હૂંફાળા આલિંગનમાં એ ક્યૂટ ગલગોટા જેવા દીકરાને સમાવી લીધો.