ફ્લેટમાં ઘર
ફ્લેટમાં ઘર
ફ્લેટમાં પોતાનું ઘર રાખવા આકાશે ઘરના બધા ખૂણે નજર ફેરવીને ઘર દેખી લીધું. સગવડભર્યા ઘરની બધી વ્યવસ્થાઓ જોઈને તેને ઘર ગમી ગયું. એ ઘરના મકાન માલિક, રજનીશભાઈ, બિલકુલ બાજુના જ મકાનમાં રહેતા હતા. આકાશે તેમના ઘરે જઈને ઘર ગમી ગયું એ વિશે તેમને જણાવ્યું.
“આકાશભાઈ, તમે ઘર ખરીદો એ પહેલા એક ચોખવટ કરી લેવા ઈચ્છું છું.” તેમણે ચાની ચૂસ્કી લેતા કહ્યુ.
“જી...”
“અહીં ભાડે રહેતા પરિવારમાં એક સ્ત્રીએ પંખે લટકીને આત્મહત્યા કરેલી હતી. એ ઘટના બાદ તેમનું પરિવાર અહીંથી બીજે રહેવા જતું રહ્યું, એ પછી આ ઘર છેક મહિનાથી બંધ પડ્યું રહ્યું છે.”
“રજનીશભાઈ, દરેકના ઘરમાં કોઈને કોઈ મરતું જ હોય છે. એમાં બિચારા આ ઘરનો શું વાંક ? અને આટલું સરસ ઘર આ એરિયામાં મળવું ઘણું મુશ્કેલ છે. મારો તો આ ઘર લેવાનો નિર્ણય ફાઇનલ છે.”
“બસ... તો તો કોઈ જ વાંધો નથી. આતો શું છે કે તમને પહેલેથી જાણ કરી દેવી સારી.”
“જી બિલકુલ, પણ રજનીશભાઈ, હું તો એ બધી અલૌકિક વાતોમાં બિલકુલ માનતો નથી.”
“તો પણ મારી ફરજમાં આવે તમને જાણ કરવાની. અમે તો લગભગ એમના ગયા પછી ઘર જ નથી ખોલ્યું.”
આકાશે હસીને માથું હકાર
માં હલાવ્યું. પછી કહ્યું, “તો કાલે સામાન ગોઠવવાનું શરૂ કરી દઈએ...ઓકે ?”
“જી હા, બિલકુલ, તમને જ્યારે યોગ્ય લાગે ત્યારે. હવે તો ઘર તમારું જ છે...” હસીને કહ્યું.
આકાશ હસતાં મુખે ઘર બહાર નીકળ્યો. ફ્લેટના લિફ્ટની સ્વિચ દબાવતા કહ્યું, “બાય ધ વે રજનીશભાઈ, ઘરની સાફસફાઇ કરવા અગાઉથી કામવાળી બાઈને બોલાવી દીધી એ બદલ ધન્યવાદ!”
લિફ્ટમાં જતાં આકાશની વાત સાંભળીને રજનીશભાઈના ચહેરા પરથી સ્મિત ઊડી ગયું. તેમના ચહેરા પર ગંભીરભાવ ચડી બેઠા.
“એ કામવાળી બાઈને હવે રેગ્યુલર ઘરના કામકાજ માટે કહી દેજો.”
“કઈ બાઈની વાત કરો છો તમે ?” બે ડગલાં ઘરની બહાર નીકળીને તેમણે ગંભીરભાવે પૂછ્યું.
“હમણાં હું ઘરના દરેક રૂમ જોવા અંદર ફરતો હતો ત્યારે એ બાઈ બેડરૂમનો પંખો લૂછતી હતી ને !”
“મેં તો કોઈ કામવાળી બાઈને બોલાવી જ નથી...” તેમણે સુન્ન પડી ગયેલા ચહેરે કહ્યું.
“તો એ...! એ સફેદ સાડીમાં પંખો લૂછતું હતું એ કોણ હતું ?” આકાશે ભયભીત ભાવે પૂછ્યું.
બંને એકબીજા સામે આછો ડર ઘૂંટાતી નજરે જોઈને રહ્યા; અને અચાનક મનમાં પેલી વાત ઝબકી ઉઠી! - એ સ્ત્રીએ પંખે લટકીને આત્મહત્યા કરેલી હતી.