રૂઠેલા પ્રેમી પંખીડા...!
રૂઠેલા પ્રેમી પંખીડા...!
બે પ્રેમી પંખીડા કોઈ વાતચીત બાબતે એકબીજાથી રૂઠેલા હતા. મૌનની ચાદર કલાકો સુધી પથરાયેલી રહી. અમિતે માફી માંગવા બધા જ હથિયાર અજમાવી જોયા, પણ અવનિની નારાજગી ન પીગળી ! એનું મૌન અને અવગણના અમિતથી સહેવાતું ન હતું. તેના મનમાં એક આઇડિયા ઝળહળ્યો ! એણે અવનિને મનાવવાનું છોડી દીધું. અને બેડરૂમમાં જઈ કબાટમાં, ડ્રોવર્સમાં કશુંક શોધવા લાગ્યો. જેને જોઈને અવનિનું ધ્યાન ત્યાં ખેંચાયું. ‘આમ અચાનક એ શું શોધવા લાગ્યા?’ એ વિચાર સાથે તેને ચિંતા થઈ. કલાક વિત્યો પણ તે કશું બોલી નહીં.
આખરે તેની ધીરજ ખૂટી પડતાં તે બેડરૂમમાં જઈ, અદબવાળી શિક્ષકીય ઢબે પૂછ્યું,
“શું ક્યારના ખાંખાખોળા કરે જાવ છો ?”
“મળી ગયું...! જે કલાકથી શોધતો હતો એ મળી ગયું...” હસતાં ચહેરે અમિતે કહ્યું.
“પણ શું મળી ગયું ?” તેણે બંને આઈબ્રો નારજગીથી સંકોચી.
“તારો કર્ણપ્રિય અવાજ...! એની શોધમાં ક્યારનો હતો, ડાર્લિંગ ! તારો અવાજ સાંભળવા ક્યારના મારા કાન
તરસતા હતા. આઈ એમ સોરી, અનુ...! કંઈક બોલ... પ્લીઝ...”
“આઈ એમ સોરી, ટુ...!” કહી બંધ હોઠમાં મુસ્કુરાઈ ગઈ.
અમિત તરત જ તેની નજીક સરકી બંને હાથ તેની કમર પર મૂકી, તેની આંખમાં પ્રેમભરી નજરે દેખીને કહ્યું, “થોડાક કલાકોની તારી ચુપ્પી અને નારજગીએ તો મને તડપાવી મૂક્યો...”
તેના પ્રેમભર્યા ઘાયલ શબ્દો સાંભળી અવનિ મલકાઈ ગઈ, “એટલો બધો પ્રેમ મને ના કર, પાગલ…! પછી મારા વિના તને જીવવું દુષ્કર લાગવા લાગશે. તારો આટલો બધો પ્રેમ અને હુંફ ક્યારેક મને ડરાવી મૂકે છે, અમિત.”
“આવું ના બોલ, અવનિ...”
અવનિએ મુસ્કુરાઇને અમિતના ગાલ પર અંગુઠો પસવારી તેના હોઠ પર પ્રગાઢ ચુંબન ભરી લીધું..
બે મહિના બાદ, આજે,
મુસ્કુરાતી અવનિનો ફોટો-ફ્રેમ બંને હાથમાં લઈ, એ સંવાદમાં તેણે કહેલાં છેલ્લા શબ્દો અમિતના વિક્ષુબ્ધ મનમાં ગુંજી રહ્યા હતા. તેની ફોટો-ફ્રેમ પર આંખોમાંથી ટપકતા આંસુઓ પડી રહ્યા હતા.