Parth Toroneel

Others

0.0  

Parth Toroneel

Others

અનુકરણ

અનુકરણ

2 mins
796


આખું પરિવાર બેઠકખંડમાં ટીવી ન્યુઝ જોઈ રહ્યું હતું.

“ભાઈ, મારે તમારા લેપટોપમાં કાર રેસિંગવાળી ગેમ રમવી છે. પ્લીઝ પ્લીઝ મને રમવા આપો ને !” સાત વર્ષની પ્રેયલે આજીજી કરી.

“ના ! તારી આંખો માટે ગેમ્સ સારી નહીં. જાડા ચશ્માં આવી જશે. ખબર પડે છે કાંઈ ?” રોહિતે ડર બતાવી ના પાડી દીધી.

“ના, મારે તો ગેમ રમવી જ છે ! મમ્મી, ભાઈને કે’ને.” ભેંકડો તાણી તે મગરમચ્છના આંસુ સારવા લાગી.

“ઓ.કે ઓ.કે...! રડવાનું બંધ કર !” તેના નાટક સામે રોહિતે ઘૂંટણિયા ટેકવવા જ પડ્યા.


તરત જ પ્રેયલના હોઠ પર આછું સ્મિત ફરકી ઉઠ્યું.

રોહિતે ચોખવટ કરી લેતા કહ્યું, “જ્યારે હું લેપટોપ પાછું માંગુ ત્યારે આપી દેવાનું, શું કહ્યું ? પછી તારું ખોટું ખોટું રડવાનું મારી સામે નહીં ચાલે. પ્રોમિસ ?”

“હા, પ્રોમિસ...” તે ખુશખુશાલ થઈ ગઈ.

લેપટોપમાં ગેમ રમતા ગાડી પુરપાટ ઝડપે દીવાલે અથડાઇ ગઈ. અને એક શબ્દ તેના નાનકડા મોંમાંથી નીકળી ગયો : “ઓહ ફક...!!” ને બધાની ડોક એક ઝાટકે તેની તરફ ફરી.


મોમ અને ડેડ બંનેનું મોં આશ્ચર્યથી પહોળું થઈ ગયું.

ડેડે તરત જ ડોળા કાઢીને તેને પૂછ્યું, “પ્રેયલ, એ શબ્દ ક્યાંથી શીખી તું ? કોણે તને એવું બોલતા શીખવાડ્યુ ? સાચું બોલ...!!”

તેણે પૂરી નિર્દોષતાથી રોહિત તરફ આંગળી ચીંધી, ને પૂરી નિખલસતાથી કહ્યું, “ડેડી, ગેમમાં ભાઈની કાર કોઈકની સાથે અથડાઇ જાય ત્યારે એ એવું જ બોલે છે, એટ્લે હું પણ એવું બોલું છું.”


પ્રેયલના નિખાલસ શબ્દો સાંભળીને રોહિતના ચહેરા પરથી લોહી ઊડી ગયું !


અંગારાની જેમ ભભૂકતી ડેડની આંખો રોહિત તરફ ફરી. એમના તગતગી ઉઠેલા મુખભાવ જોઈને રોહિતના હાથે-પગે ઠંડોગાર પરસેવો બાઝી ગયો.


Rate this content
Log in