STORYMIRROR

PRAVIN MAKWANA

Abstract Drama Tragedy

2  

PRAVIN MAKWANA

Abstract Drama Tragedy

દુઃખ અને મુક્તિ

દુઃખ અને મુક્તિ

2 mins
41

એક વાર એક રાજા માટે ધર્મસંકટ જેવી સ્થિતિ ઊભી થઈ ગઈ. તે રાજાના પ્રધાન સામે કોઈ આરોપ મુકાયો. અને એ આરોપ સાચો સાબિત થયો. તે પ્રધાનના રાજા ઉપર ઘણા બધા ઉપકાર હતા, પરંતુ પ્રધાને અપરાધ કર્યો એટલે નાછૂટકે ન્યાયપ્રિય રાજાએ તેને સજા કરવાની ફરજ પડી.

બીજો કોઈ અપરાધી હોત તો રાજાએ તેને કારાવાસમાં ધકેલી દીધો હોત કે શૂળીએ ચડાવી દીધો હોત, પરંતુ પોતાના પર ઘણા બધા ઉપકાર કરનાર પ્રધાનને કારાવાસમાં ધકેલવાના વિચારથી રાજાને તકલીફ થઈ.

તેણે પ્રધાનને કહ્યું “તમે મારા વિશ્વાસુ અને વફાદાર રહ્યા છો, પરંતુ અત્યારે તમારી સામે આરોપ મુકાયો છે તમે ભૂલ કરી છે એ માટે મારે તમને સજા તો આપવી જ પડશે. જોકે તમારા મારા પર અનેક ઉપકાર છે એટલે હું તમને કારાવાસમાં પૂરવાનો આદેશ નહીં આપું. હું તમને એક વિશાળ મહેલમાં રાખીશ. એ મહેલના હજાર દરવાજા છે એમાંથી નવસો નવ્વાણું દરવાજા હું બંધ કરાવી દઈશ. માત્ર એક દરવાજો ખુલ્લો રાખીશ. તમારી આંખે ચોવીસ કલાક પાટા બાંધેલા રહેશે અને તમારા પર સૈનિકો નજર રાખશે. તમને એ મહેલમાં તમામ સુખ-સગવડ મળશે અને તમારે છૂટવું હોય તો એ માટે હું એક દરવાજો ખુલ્લો રાખીશ. તમારે એ વિશાળ મહેલની દીવાલોને ચકાસતા ચકાસતા એમાંથી દરવાજા શોધવાના રહેશે અને એક હજાર દરવાજાઓ વચ્ચે એક દરવાજો ખુલ્લો હશે એ દરવાજા સુધી તમે પહોંચી જાઓ તો તમે બહાર નીકળી શકશો. પછી તમે મુક્ત હશો, પણ ત્યાં સુધી તમે તમારી આંખ પરના પાટા નહીં ખૂલે. તમે ખુલ્લો દરવાજો શોધીને એમાંથી બહાર નીકળી ગયા તો સૈનિકો તમારી આંખના પાટા ખોલી નાખશે અને હું તમને મુક્ત કરી દઈશ.

પોતાના માનીતા પ્રધાનને બચાવવા માટે રાજાએ આ રસ્તો વિચાર્યો. પ્રધાનને એક હજાર દરવાજાવાળા વિશાળ મહેલમાં પૂરી દેવાયો. એ મહેલના નવસો નવ્વાણું દરવાજા બંધ કરી દેવાયા અને એક દરવાજો ખુલ્લો રખાયો.

એ મહેલમાં પ્રધાનને તમામ સુખ-સગવડની ઉપલબ્ધિ કરાવાઈ, પરંતુ પ્રધાનને એ સુખ-સગવડ ભોગવવા કરતા મુક્તિની ઝંખના હતી. એ રોજ સવારે ઊઠે ત્યારથી રાત પડે ત્યાં સુધી બહાવરો બનીને દીવાલો ફંફોસતો રહેતો અને એમાં એ દરમિયાન જે દરવાજો મળે એ દરવાજાને ધક્કો મારે, પરંતુ એ દરવાજો બંધ જ હોય.

આ રીતે તે નવસો નવ્વાણું બંધ દરવાજા ચકાસી ચૂક્યો. એ પછી એક વાર તે એક માત્ર ખુલ્લા દરવાજા પાસેથી પસાર થયો, પણ એ વખતે જ તેના ગાલ પર એક માખી બેઠી તે એને ઊડાડવાની લાહ્યમાં ખુલ્લો દરવાજો ચૂકી ગયો. તે ખુલ્લા દરવાજા પાસેથી પસાર થઈ ગયો અને ફરી હજાર દરવાજાઓમાંથી એક માત્ર દરવાજો શોધવાનો તેનો સંઘર્ષ શરૂ થયો !

સાર એ છે કે ઘણી વખત માણસ સામે આવેલી તક ગુમાવી દેતો હોય છે અને એને કારણે તેને દુ:ખી થવું પડતું હોય છે.


Rate this content
Log in

Similar gujarati story from Abstract