દસની નોટ
દસની નોટ
એક સામાન્ય મધ્યમ વર્ગ ના બાળકો માટે એ દિવસો માં દસ ની નોટ એ મોટી રકમ ગણાતી.લગભગ આજ ના પ્રમાણે ૨૦૦૦ તો ગણાય જ..
આવા જ એક ઉનાળાની બપોરે હું દહીં લેવા ઘરની બહાર પરાણે નીકળ્યો હતો. પગમાં સાદા રબ્બર ના સ્લીપર પહેર્યા હતા.અને તોય પગ તો બળતા જ હતા..વાહનવ્યવહાર નહિવત હતો, આમે અમારું શહેર સાવ નાનું જ હતું..રસ્તા પણ ધૂળ ભર્યા હોય,અને ખાડા ટેકરા તો સામાન્ય રીતે હોયજ..
હું મનમાં સહેજ ગુસ્સે ભરાયેલ હતો,ત્યાં મારી નજર એક બંધ દુકાન ના ઓટલા નીચે પડી,ત્યાં મે એક દસની નોટ પડેલી જોઈ.. મારી પાસે તો એક રૂપિયાનો સિક્કો હતો..ખિસ્સા માં,મે આજુ બાજુ માં નજર કરી,કોઈ નહોતું..
વળી મારે જે દુકાને જવાનું હતું તે પણ બંધ હતી..રોવા જેવા મોઢે હું ઘેર દોડતો દોડતો પાછો આવ્યો...ઘેર આવીને માંને કીધું " માં મે કાનજી ની દુકાન ના ઓટલા નીચે દસની નોટ જોઈ!...
માં એ મારા સામે જોયું પણ નહિ,બોલી..." દહી લાવ્યો ?
ના..માં..પણ મે ...
ફરી એકવાર બોલ્યો ..કાનજી...
માં એ કહ્યુ ..કેવી વાત કરે છે ?
આજ ના જમાના માં કોઈ દસની નોટ આમ રાખે ?..
જા..જા..આજે દહીં વગર જ જમી લે..
મને થોડું અપમાન લાગ્યું..' તો શું હું ખોટાબોલો છું ?...
તો માં કહે.,જા લઈ આવ..
એમ હોય જ નહિ !.…
હું તરત દોડતો દોડતો પાછો રસ્તા પર આવીને કાનજીની બંધ દુકાનના ઓટલા નીચે જોવા નીચો નમ્યો.,તો...
હતી, દસની નોટ જ હતી... મેં કોઈ વિચાર કર્યા વગર એ ઉપાડી લીધી...અને ઉતાવળા પગલે ઘેર પાછો ગયો..
"લે.. જો..આ..નોટ !"
માં એ મારી સામે જોઈને
એ નોટ લઈને પાકીટમાં મૂકી દીધી..
અને હસીને મને જમવાનું પીરસવા લાગી.
ને મારા પેટમાં ભૂખ તો લાગી હતી પણ મનમાં વંટોળ ફૂંકાયો હતો...માં એ નોટ કેમ લઈ લીધી ?..
પણ કઈ જવાબ જડ્યો નહિ. માં પણ કાંઈ બોલી નહીં...
અને અમે બેઉ શેતરંજી પાથરીને સૂઈ ગયા....
સાંજ પડી .. પાછી રસ્તા પર અવર જવર થવા લાગી..
માં એ મને નિંદરમાંથી જગાડ્યો..
હાલ..મારા ભેગો..
હું પણ મૂંગે મોઢે તેની પાછળ ચાલવા લાગ્યો..
આ લે કાનજી..,
મારી માં બોલી..તારી દસની નોટ...
મારા દીકરા એ તારી દુકાનના ઓટલા નીચે બપોરે જોઈ.
એટલે એ તો ઘેર પાછો લઈ આવ્યો...
પણ એમ અમે કેમ લઈ જઈએ !
એ જમાના પ્રમાણે અમારું કાનજીની દુકાનમાં ઉધાર ખાતું હતું..લગભગ દર મહિને દસ રૂપિયા જ બિલ થાતું ..
પણ તોય એ દસની નોટ
મારી મા નું મન વિચલિત ન કરી શકી. આ હતો એ જમાનો.
