Varsha Vora

Abstract Inspirational

4  

Varsha Vora

Abstract Inspirational

દોસ્તી

દોસ્તી

8 mins
253


અમિત અને શ્રેયા નાનપણથી પાડોશમાં સાથેસાથે ઉછરેલા. બાળપણની દોસ્તી તો નિર્દોષ હોય. બે- ત્રણ વર્ષ નાની શ્રેયાનો હાથ પકડીને અમિત સ્કૂલે લઈ જાય એવો એમના માતપિતાનો આગ્રહ. શ્રેયાનો ભાઈ એનાથી સાત વર્ષ નાનો, એટલે સ્વાભાવિક છે કે એની મમ્મીનું ધ્યાન એનામાં જ હોય. અમિતથી ત્રણ વર્ષ મોટી એની બેન રંજન પણ એ જ સ્કૂલમાં. એનીય બે-ત્રણ ફ્રેંડ્સ સાથે હોય. પણ અમિત, રંજન અને શ્રેયાની ત્રિપુટી ભારે નટખટ એટલે સૌની નજર એમના તોફાન પર વધારે હોય.

સમય જતા સૌ મોટા થયા. શ્રેયાના પપ્પા ધંધામાં ખુબ આગળ આવ્યા. એમણે ઘર બદલ્યું, એ બીજે રહેવા ગયા. શ્રેયા પણ ભણીગણીને ખુબ આગળ આવી ગઈ. બી.એ., એમ . એ, બીએડ. કર્યા પછી પણ જોબની સાથે સાથે આગળ વધતી જતી હતી. એક ઇન્ટરનેશનલ સ્કૂલમાં જોબ મળી ગઈ પછી શ્રેયા ખુબ બીઝી થઈ ગઈ, પણ એનું અને અમિતનું મળવાનું તો ચાલુ જ હતું. શ્રેયાના ભાઈએ પણ એના પપ્પાનો બિઝનેસ જોઈન કરી લીધો.

આ બાજુ અમિતની બેન રંજનના મેરેજ એક એન.આર .આઈ. એન્જીનીયર સાથે નક્કી થયા. ગૌતમ, એચ -૧ વિઝા પર હોવાથી એક અઠવાડિયામાં જ લગ્ન કરીને રંજનને સાથે લઈને અમેરિકા પહોંચી ગયો.

રંજનના લગ્નમાં અમિત અને શ્રેયાની મસ્તી અને આકર્ષણ શ્રેયાની મમ્મીની અનુભવી આંખોથી છુપાઈ ના શક્યા. બંનેની દોસ્તી આગળ વધતી હતી અને બંને જણ એક અદમ્ય આકર્ષણમાં બંધાતા હતા. પણ હજુ એની જાણ એ બંનેને અને શ્રેયાની મમ્મી સિવાય કોઈને થઈ નહોતી. હા બંનેએ પોતાની મર્યાદા ઓળંગી નહોતી. એ બંનેને ખાતરી હતી કે એમના સંબંધ બેય પક્ષ સ્વીકારી લેશે.

એટલે સમય જતા અમિત થોડો સેટલ થાય અને પપ્પાને વાત કરે. એમ બે જણે નક્કી કર્યું. શ્રેયાએ એની મમ્મીને આછો અંદાજ આપી દીધો હતો અને એની મમ્મીની પણ સંમતિ હતી. બસ યોગ્ય સમયની રાહ જોવાની હતી.

પણ કહે છે ને કે બધું જ માણસની ઈચ્છા મુજબ ના થાય. હજુ તો શ્રેયા કે અમિત કંઈ સમજે એ પહેલાં જ અચાનક અમિતના જીજાજી ગૌતમે અમિત માટે એની કઝીન હેન્નાનું માંગુ અમિત માટે મોક્લ્યું અને અમિતના માતાપિતાએ એ સહર્ષ સ્વીકારી લીધું.

ભવિષ્યમાં પોતે હોય કે ના હોય, ભાઈ બેન એકબીજાની સાથે રહે એવું દરેક માબાપ ઈચ્છતા હોય. અને આમે ય હવે તો કુટુંબો ઘણા નાના થઈ ગયા છે. પોતાના સમાજની, ઓળખીતાની અને એ પણ પરદેશમાં તો એના જેવું રૂડું શું ? લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે એને વધાવી જ લેવાય, એટલું શાણપણ તો અમિતના મમ્મી ધરાવતા હતા.

અમિત.. અમિત તો થોડો અવાચક જ થઈ ગયો, એ પોતાના જીજાજીને ના ન પાડી શક્યો, પણ એને એક ખટકો જરૂર રહી ગયો, કે કાશ મેં મારી બહેન રંજનને મારા અને શ્રેયાની વાત જણાવી દીધી હોત તો કેટલું સારું થાત.'

ન બોલ્યામાં નવગુણ હોય એવું કોણે કહ્યું, એ દરેક વખતે ના ચાલે, આજના ફાસ્ટ જમાનામાં તો બોલે એના બોર વેચાય છે ભાઈ. આ તો માર્કેટિંગનો જમાનો છે. ચૂપ બેસે એ ચાલે નહીં. 

નહીં તો પછી કે. એલ. સાયગલના જમાનાના ગીત ગાવા પડે. જબ દિલ હી ટૂટ.......

અહીં અમિતના મમ્મી, શ્રેયાના મમ્મીને અમિતના સગપણના સમાચાર આપવા આવ્યા અને એ જ સમયે શ્રેયાનું ઘરમાં દાખલ થવું. એને તો એમ જ કે આંટી એની વાત કરવા જ આવ્યા હશે. શ્રેયાના મમ્મીને તો આ સંબંધની જાણ હતી જ, અમિત જરાક ઈશારો કરે પછી પોતે જ શ્રેયાનું માંગુ લઈને અમિતના ઘરે જવાના હતા. અને અમિતના મમ્મી તો, અમિતની સગાઈ હેન્ના સાથે કરી એ કહેવા આવ્યા હતા.

શ્રેયાના મમ્મી તો ડઘાઈ જ ગયા. પણ એમણે પોતાની જાતને સંભાળી લીધી. શ્રેયા તો કાપો તો લોહી ના નીકળે એવી થઈ ગઈ હતી. સુનમુન. શું કહેવું અને શું બોલવું એ સમજી ના શકી. કૉંગ્રટસ આંટી. અમિતને પણ કહેજો. એમ કહીને એ અંદર રૂમમાં જતી રહી, તમે અને મમ્મી વાતો કરો, હું ફ્રેશ થઈને આવું છું. શ્રેયાની એક આંખમાં આવેલું આંસુ જે ટપકવાની હિંમત ના કરી શક્યું એ એની મમ્મીથી છાનું ના રહ્યું. આવો, આવજો, ચા પાણી અને ખુબ આનંદ થયો વગેરે ઔપચારિકતા પુરી થઈ.

અમિતના મમ્મી ગયા પછી એ સીધા જ શ્રેયાના રૂમમાં ગયા અને પોતાની દીકરીને છાતીસરસી ચાંપીને કહ્યું, મારી દીકરી………, રડાય એટલું રડી લે, જેટલું દુઃખ તારા અંતરમાં ભર્યું હોય એને આજે છલકાઈ જવા દે. આ સમાજ દર વખતે કસોટી કરે છે અને કોને ખબર એ કસોટી કેમ સ્ત્રીઓની જ થતી હશે ?

પુરુષ એટલે, એટલે જાણે એની કોઈ જીમ્મેદારી જ નહીં ? કેમ એણે એના માબાપને ના કહ્યું ? ....... એક પ્રેમભર્યું હૃદય તૂટી જાય, ત્યાં સુધી એક પુરુષને કેમ કોઈ વેદના નહીં થતી હોય ? પ્રેમ કરો છો, તો એને જાહેર કરવાની, નિભાવવાની તૈયારી તો રાખો. એના માબાપને એ પહેલા કેમ જણાવી ના શક્યો ? આ તો બચપનનો પ્રેમ હતો, અમે ક્યાં તમારી આવક જોઈને પ્રેમ કર્યો 'તો ? જેમ રાખો એમ રહેવાની તૈયારી હતી, સ્ટેટ્સ તો તમારે બનાવવું હતું. શ્રેયાની મમ્મીને જાણે આઘાતથી સનેપાત થયો હતો. અને શ્રેયા એની મમ્મીના ખભે માથું મૂકીને ધ્રુસકેધ્રુસકે રડી પડી. એક માનો પાલવ, દીકરીના આંસુ લૂછતાંલૂછતાં અને સાથે સાથે દીકરીની વેદનાને વાચા આપતા પોતાના આંસુ ના રોકી શક્યા એટલે એક્દમ ભીનો થઈ ગયો. જાણે વેદનાની બે વાદળીઓ એક સાથે વરસી રહી હતી.

અહીંયા અમિતની હાલત પણ ક્યાં સારી હતી ? એ ખુદ પણ અવાચક જ થઈ ગયો’તો. બેન અને જીજાજીના મધુર સંબંધોને એ જાણતો હતો અને ગુનેગાર તો પોતે હતો. જો થોડીક પણ વાત એણે એની બેન કે મા ને કરી હોત તો આ પરિસ્થિતિ ના ઊભી થાત. પણ હવે કરવું શું ? હેન્ના તો આ બધાનો એક હિસ્સો માત્ર હતી. એને તો ન અમિતના ભૂતકાળની કોઈ જાણ હતી કે ન કઈ લેવાદેવા હતી. એ તો એના આવનારા ભવિષ્યના સોનેરી સ્વપ્નમાં રાચતી હતી. અમિત એને નારાજ કરી શકવા અસમર્થ હતો.

શરમાળ પ્રકૃતિના અમિત અને શ્રેયા વચ્ચે થોડા દિવસ કોલ મિસકોલ --- કોણ ફોન ઉપાડે અને ઉપાડે તો કોણ વાત શરુ કરે એ સંતાકૂકડી ચાલતી હતી. બંને બાજુ એક અકળ મૌન અને એક આહ જાણે નીકળતી. અચાનક બદલાયેલા સંજોગોથી બધા લાચાર બની ગયા હતા. એક વમળના કિનારે ઊભા રહીને બધા ગોળગોળ ફરી રહ્યા હતા. કોઈ દિશા કે દશા સૂઝતી ન’તી. આખરે, શ્રેયાની, એક સ્ત્રીની હિંમત તૂટી પડી. એણે અમિતને ફોન કરીને કહ્યું, અમિત હવે તો કૈંક બોલ. ....... અને એ રડી પડી – બીજું તો શું કરી શકે ? પ્રેમ કરનારા તો ગુસ્સો પણ ના કરી શકે. બસ એ આશ લગાવી શકે. અને બરાબર દોઢ મિનિટ પછી અમિત બોલ્યો.... શ્રેયા, મને માફ કરી દે, હું તારો ગુનેગાર છું. શ્રેયાને ખ્યાલ આવી ગયો કે અમિત પાણીમાં બેસી ગયો છે. એણે પૂછ્યું, એટલે ? ..... એટલે... શું ? તું શું કહેવા માંગે છે ? અને સામેથી ફોન કટ થઈ ગયો.

સમજદાર કો ઈશારા કાફી હૈ, એ મનોમન બોલી. હાય, અમિત... તું બોલીબોલીને એટલું જ બોલ્યો ? અને તું ક્યારે તારા માબાપને આપણા સંબંધની જાણ કરીશ એ રાહમાં મે ચાર વર્ષ કાઢી નાખ્યા. ઓહ ગોડ, --- હું શું કરું ? ન કહેવાય ન સહેવાય એવી સ્થિતિમાં એક માત્ર સહારો હતી, શ્રેયાની મમ્મી. 

જાણે "બળબળતા રણમાં એક મીઠી વીરડી."

હવે આગળ શું ?

જ્યાંજ્યાં નજર પડે છે ત્યાં માત્ર સૂકું રણ જ દેખાય છે. હે ઈશ્વર, મારી દીકરીનો તું હાથ પકડ અને એને કોઈ રસ્તો દેખાડ. એવી પ્રાર્થના શ્રેયાના મમ્મી રોજ સવારે ભગવાનને દીવો કરતી વખતે કરતા.

શ્રેયા એક આધુનિક યુવતી હતી. એ જાણતી હતી કે દુઃખનું ઓસડ દહાડા છે. દરેક જખમનો ઈલાજ સમય જ છે. પોતાની જાતને મનોમન આશ્વાસન આપતી, અ ડાર્ક ફેઝ ઓફ માય લાઈફ, લેટ ઈટ પાસ  -- પોતાની જોબ અને ફ્રેંડ્સમાં એ થોડુંથોડું પોતાનું દુઃખ ભૂલતી ગઈ. એના મમ્મી કહેતા બેટા, જિંદગી ઘણી મોટી છે, -- એકલા નહિ જીવાય, અને તું જેને માટે ભોગ આપી રહી છે એ તારા ત્યાગને લાયક પણ નથી. તું હોશિયાર છે, સમજદાર છે, આગળ ઉપર તારી મરજી મારી દીકરી. પણ હું તને હસતીરમતી અને સુખી જોવા ઈચ્છું છું. અને તારા પપ્પાની પણ આજ મરજી છે. શ્રેયાને પણ એના મમ્મીની વાત સાચી લાગી. કે જેના માટે હું રડું છું એને તો મારી પડી પણ નથી. તો મારે એકલા શા માટે દુઃખી થવું ?

અમેરિકા ગયા પછી પણ અમિતનું મન ઠરતું ન હતું. એ પોતાની જાતને ગુનેગાર માનતો. શ્રેયાનું દુઃખ સમજતો હતો પણ એ પોતાના સગાઓને નારાજ કરવા માંગતો નહોતો. એને એમ કે હું શ્રેયા માટે એક સારું પાત્ર શોધી આપું તો મારા દિલનો ભાર હળવો થઈ જાય અને એની નજરમાં હંમેશા કોઈ સારા પાત્રની શોધ રહેતી. જયારે જયારે એ હેન્ના સાથે બહાર જાય ત્યારે પણ ખોવાયેલો જ રહે. હેન્ના એને કાયમ પૂછે, અમિત એનીથિંગ રોન્ગ ? તને મારી સાથે નથી ગમતું ? બી ફેર .............. ટેલ મી, પણ અમિત તો પહેલાય કંઈ ન બોલ્યો તો હવે શું બોલવાનો ? એ સમજતો હતો કે મારું મૌન પહેલા પણ મારી જિંદગીમાં ઘણી ઉથલપાથલ કરી ચૂક્યું છે. અને હવે તો બોલવાનો સમય પણ રહ્યો નથી. તો પછી જેમ ચાલે છે એમ ચાલવા દઉં, બોલીશ તો સત્ય જ બોલીશ અને કેટલા બધાને નારાજ કરી દઈશ. 

 રોજિંદી ઘટમાળ ચાલતી હતી અને એની ઓફિસેમાં એક નવો એન્જીનીયર આવ્યો. એ ઈન્ડિયાથી ટ્રાન્સફર થયેલો એટલે અમિતને એની સાથે બહુ ફાવી ગયું. વાતવાતમાં અમિતને ખબર પડી કે એનું નામ જીગર છે. અને એ અપરિણીત છે. અને એને ઇન્ડિયાની છોકરી સાથે જ લગ્ન કરવા છે. કારણકે એ ત્રણ વર્ષના પ્રોજેક્ટ માટે જ આવ્યો છે. પ્રોજેક્ટ એક્સટેન્ડ ના થાય તો ઇન્ડિયા પાછા જવું પડે. અમિતને બત્તી થઈ. એને વિચાર આવ્યો કે શ્રેયા સાથે વાત કરી જોઉં. એણે શ્રેયાના મમ્મીને ફોન લગાડ્યો કેમ કે બે ત્રણ વાર ફોન કરવા છતાં પણ શ્રેયા ફોન ઉપાડતી ન હતી. શ્રેયાના મમ્મીએ અમિત સાથે વાત કરીને એના વિચાર જાણ્યા. એમણે અમિતને કહ્યું કે હું શ્રેયાને કહીશ કે એ તારી સાથે વાત કરે. એમણે શ્રેયાને પણ સમજાવી કે જે થવાનું હતું એ થઈ ગયું, અમિત પણ હવે પસ્તાય છે અને એ તારું સારું જ ઈચ્છે છે. તને યોગ્ય લાગે તો તું એને ફોન કરજે.

શ્રેયાએ ડોકું ધુણાવ્યું અને એના રૂમમાં જતી રહી. પલંગમાં પડી અને એકીટશે છતને નિહાળતી રહી. એના મનમાં વિચારોનું તુમુલ યુદ્ધ ચાલતું હતું. એકબાજુ એનો જૂનો પ્રેમી એનો હાથ એક એવી વ્યક્તિના હાથમાં આપવા ઈચ્છતો હતો કે જેને એણે કોઈ દિવસ જોયો કે જાણ્યો નથી. ખુબ વિચારીને, ગળું ખોંખારીને એણે અમિતને ફોન કર્યો. અમિત...શ્રેયાએ કીધું, અમિત શ્રેયાનો ફોન આવવાથી ખુબ ખુશ થઈ ગયો. હા બોલ, શ્રેયા બોલ,..અમિત, મે તને પ્રેમ કર્યો છે એટલે હું તારી પ્રેમિકા કહેવાઉં, રાઈટ ? તેં મને તારી જવાબદારી ક્યારથી માની લીધી ? તારે મારી સાથે લગ્ન નથી કરવાને ? ફાઈન. પછી મારે કોને પરણવું એ હું અને મારા મા-બાપ નક્કી કરીશું. તું શું કરવા મારી ફિકર કરે છે ? તારા મનનો ડંખ દૂર કરવા માટે તું જ્યાં કહે ત્યાં મારે પરણવાનું ? હું ઈચ્છું છું કે તું જીવનભર બોલવાના સમયે ના બોલ્યો એનો ડંખ તારી પાસે રાખ અને એની સાથે જ જીવ. અને રહી વાત મારી...તો મારી જિંદગીના નિર્ણય કરવાનો હક્ક મેં તને આપ્યો નથી. એટલે એવા કોઈ વહેમમાં રહેતો નહીં કે તું મારું ભલું કરી રહ્યો છે. તારી જિંદગીનો ફેંસલો બીજા કરે એટલે તારે પણ એવું જ કરવાનું ? વ્હોટ અ જોક. પ્લીઝ, હવે પછી મને કોલ કરતો નહીં. નહીં કે મારી મમ્મીને, ઓકે. હું એકવીસમી સદીની આધુનિક છોકરી છું. મને લૈલામજનુ, હીરરાંઝાની વાર્તામાં કોઈ રસ નથી. મારી જિંદગીનો હવે પછીનો હમસફર કોણ હશે એ હું નક્કી કરીશ, ગુડબાય...અને શ્રેયાએ ફોન કટ કરી નાખ્યો.

અર્ધ ખુલ્લા દરવાજામાંથી શ્રેયાના મમ્મી એની વાત સાંભળીને મનોમન વિચારી રહ્યા કે ખરેખર, આજની દીકરીઓ આધુનિક અને સ્વતંત્ર છે. કાશ ... હું પણ હોત તો ?


Rate this content
Log in

Similar gujarati story from Abstract