Varsha Vora

Drama Romance Tragedy

4  

Varsha Vora

Drama Romance Tragedy

વીંધાયેલું મન

વીંધાયેલું મન

4 mins
731


બે સખીઓ દરિયા કિનારે બેઠી બેઠી રેતીનો કિલ્લો બનાવવાની નિષ્ફળ કોશિશ કરી રહી હતી. અલ્પાએ સંધ્યાને પૂછ્યું કે જેમ આ રેતીનો કિલ્લો સાચવી સાચવીને બાંધ્યા પછીએ ઘડીઘડી તૂટી જાય છે એમ આપણા જીવનનો એકાદ ખરાબ પ્રસંગ, કે ખરાબ અનુભવ કેમ આપણું મન ભાંગી નાખે છે.

અલ્પાની નિરાશાથી અવગત સંધ્યાએ વાતનો દોર પોતાના હાથમાં લઈ લીધો અને નક્કી કર્યું કે હવે અને ઉદાહરણ આપીને જ સમજાવવી પડશે. જો અલ્પા, તને મારી એક સહેલી સાથે બનેલી ઘટના કહું. નામ નહિ કહું કારણકે વાત ખૂબ જ ખાનગી છે. પણ જો એનાથી તારા મનનું સમાધાન થતું હોય તો. હા તારે ગાડી આડે પાટે નહિ લઈ જવાની. કબૂલ ?

અલ્પાને હવે તાલાવેલી જાગી. કસમથી સંધ્યા કઈ નહિ પૂછું બસ. અને સંધ્યાએ વાત ચાલુ કરી.

મારો એક મિત્ર, શાળામાં અમે એક જ વર્ગમાં હતા. જેને આપણે અનુજ કહીશું. આપણે બધા સામાન્ય કુટુંબમાં જન્મેલા અને સંસ્કારો અને મર્યાદા કુટીકુટીને આપણા દિમાગમાં એટલા ઠોકી દીધા છે ને કે કોઈના માટે કોઈ વિચાર પણ ન કરાય. કોઈ છોકરા માટે મિત્ર શબ્દ પણ બોલવાની છૂટ નહિ. પહેલેથી જ બધા ભારતીયો મારા ભાઈબહેન છે ની વાત હોય, સિવાય એક એવું તો મનમાં બોલવું પડે. સંધ્યાએ વાતાવરણ થોડું હળવું કરવાની કોશિશ કરી. અમારી બંને વચ્ચે એક અદમ્ય આકર્ષણ હતું પણ એ ખયાલને સ્વપ્નમાં પણ હવા આપવાની હિંમત મારામાં નહોતી. સમય થતા આપણને બધાને આપણા માતા-પિતાએ યોગ્ય પાત્રો સાથે બાંધી દીધા. હા, એમને યોગ્ય લાગ્યા એ. અને આપણે એ પવિત્ર બંધનમાં બંધાયા પછી એને નિભાવતા ગયા. પણ કહે છે ને કે અમુક ઝંખના ક્યારેક તો ડંખ મારતી રહે છે. વારેતહેવારે અમુક યાદો ડોકિયાં મારીને માણસને હેરાન પરેશાન કરી મૂકે છે. આપણી આસ્થાને કસોટીની એરણે એવી તો ચઢાવી દે છે ને કે............આપણે પામર શું કરી શકવાના. કે' તો ?

અલ્પા, અરે અલ્પા --- સાંભળે છે ? ક્યાં ખોવાઈ ગઈ ?

હા હા, બોલ સંધ્યા, તેં તો મને ભૂતકાળમાં ડોકિયું કરાવી દીધું. પછી શું થયું બોલ ?

સંધ્યા કહે, તો ધ્યાન દઈને સંભાળ હવે. અનુજની વાઈફ મીરાં, ગામડાની પણ ખૂબ જ સુંદર અને સંસ્કારી. અને કહ્યાગરી તો એવી ને કે અનુજને ફરિયાદનું કોઈ કારણ જ ન આપે. પણ અનુજને એક વાત હંમેશા ખટકતી. મીરાંમાં કોઈ કશિષ નથી, રોમાંચ નથી. એ સંબંધ બહુ સરસ નિભાવી જાણે છે પણ મને આકર્ષવાની એનામાં કોઈ આવડત નથી. એક રીતે સારું છે, કોઈ બીજાની ખરાબ નજર એના પર બગડે તોયે એને ખબર જ ન પડે. પણ મને કોઈ કોઈ વાર અરસિક ફીલ થાય છે. મીરાં પણ ખુબ સમજતી હતી. એ આ શહેરી ઉછેર અને ગામડાના ઉછેરનો ફર્ક સમજતી હતી પણ અસહાય હતી. એવામાં અનુજને સિંગાપોરમાં છ મહિનાના પ્રોજેક્ટ માટે એની કંપનીએ સારી ઓફર આપી.ઓફર ખુબ આકર્ષક હતી. ના પડાય એમ નહોતી. માત્ર મીરાંની અનુમતિ લેવાની હતી. એ પોતાના માઁ - બાપ તથા બાળકોની સાંભળ એટલા લાંબા સમય માટે એકલી રાખી શકશે કે કેમ ?

મીરાંને વાત કરી. મીરાં પણ એટલી ભોળીને કે એણે અનુજને એમ પણ ના પૂછ્યું કે એટલા લાંબા સમય માટે હોય તો પત્નીને સાથે લઈ જવાય કે નહિ. અને ના પાડવાનો તો કોઈ સવાલ જ ન હતો. અનુજભાઈ સર્વ સંમતિ સાથે સિંગાપોર ઉપડ્યા. પ્લેનમાં બાજુમાં બેઠેલી એક ફેશનેબલ યુવતી સાથે ઓળખાણ થઈ. બંનેની મંઝિલ એક જ હતી. રૂપા એનું નામ. નામ શું ? કામ અને રૂપનું સંયોજન જાણે. એ બીજી કંપનીને રેપ્રેઝન્ટ કરવાની હતી. અનુજને વાતવાતમાં જાણવા મળ્યું કે કેરિઅર બનાવવાની લાહ્યમા એ બેન અપરિણીત રહી ગયા હતા. અનુજને તો ભાવતું'તું ને વૈદે કહ્યું જેવો ઘાટ થયો.

સંધ્યાએ અલ્પાને પૂછ્યું કે કઈ સમજાયું ?

અલ્પા કહે, હા હા સંધ્યા હવે કૈક સ્પષ્ટ ચિત્ર ઉપજી રહ્યું છે. બોલતા બોલતા અલ્પાએ આંખો પરથી આંસુનું તોરણ દૂર કર્યું. સંધ્યાએ વાતનો દોર હાથમાં લઈ લીધો. બોલ આગળ તો તું સમજી ગઈ છે.

ના ના સંધ્યા આગળ મને કહે ને કે શું થયું ?

જો અલ્પા, અનુજને તો બેય હાથમાં લાડુ છે. અને રૂપાને પણ આ પરિસ્થિતિ માફક આવી ગઈ છે. આમેય એ આઝાદ પંછીની જેમ જીવવા ટેવાયેલી છે. એને કોઈ બંધનમાં બંધાવું નથી અને છતાંયે એક પુરુષની હૂંફ એને મળી રહી છે. પણ અહીંયા સવાલ મીરાંનો છે. એક અજાણ્યા પુરુષને પોતાનું સર્વસ્વ સોંપી દીધા પછી પણ એના ભાગમાં શું આવ્યું ? જવાબદારીઓ ? અવગણના ? અવહેલના ? ભલે એ ગામડાની છે પણ એક સંપૂર્ણ સ્ત્રી તો છે જ ને. ગામડાની સ્ત્રી અને શહેરની સ્ત્રીની સંવેદનામાં ઈશ્વરે કોઈ ફરક નથી રાખ્યો.

અનુજ - એનો પતિ જયારે એને સ્પર્શે છે ને ત્યારે એ સ્પર્શ હવે એને અજાણ્યો લાગે છે. કૈક અજુગતું એને વર્તાય છે પણ એ પૂછવાની હિંમત નથી કરી શકતી. કારણકે અનુજ એવું કોઈ પણ વર્તન નથી કરતો જેનાથી એને કોઈ શંકાનું બીજ મળે. જબરો ખંધો માણસ છે એનો પતિ. સંધ્યા પોતે જ પોતાના ભૂતકાળમાં ખોવાઈ ગઈ. એણે અનુજમા પોતાનો ભાવિ પતિ જોયો હતો અને કેવો નીકળ્યો. પુરુષને કેમ દેખાડવાના જુદા અને ચાવવાના જુદા હોતા હશે ? હેં.. એને ખોવાલેયી જોઈને અલ્પાએ પૂછ્યું, આગળ શું થયું બોલને સંધ્યા ?

સંધ્યા કહે,

મીરાંનો રેતીનો મહેલ તૂટતો નથી કારણકે એ લગ્નના બંધનથી બંધાયેલો છે. રૂપાનો મહેલ બંધાતો નથી કારણકે આ સમાજ એના સંબંધોનો સ્વીકાર કરી શકે એમ નથી. એટલે પરિસ્તિથી એવી આવીને ઊભી છે ને કે, મીરાં, અનુજ અને રૂપા એક એવા ત્રિકોણના ત્રણ ખૂણા છે જે કદી એકબીજાને મળવાના નથી છતાંયે એક બીજાથી સતત જોડાયેલા રહેશે. પણ આ બધામાં સૌથી દુભાયેલું વ્યક્તિત્વ છે મીરાંનું, એનું મન વીંધાયેલું છે પણ એ એના મનને પોતાની બંધ મુઠ્ઠીમાં સાચવીને પોતાનો સંસાર નિભાવે જાય છે.

અલ્પાની આંખમાંથી એક આંસુ સરીને, સમુદ્ર તટની સૂકી રેતીમાં ભળી ગયું. જોકે સંધ્યાથી એ છાનું ન રહ્યું. સંધ્યાએ પૂછ્યું શું થયું અલ્પા ?

અલ્પા એક નિઃસાસો નાખીને કહે કે, મન ખાલી મીરાંનું જ નથી વિંધાયું. ઘણી મીરાંઓ શ્યામના નિઃસ્વાર્થ પ્રેમની અપેક્ષાએ પોતાના જીવન નિભાવે જાય છે.

કહેનારે ખરેખર સાચુજ કહ્યું છે કે

મન, મોતી ને કાચ એકવાર વિંધાયા પછી સંધાય નહિ.


Rate this content
Log in

Similar gujarati story from Drama