Varsha Vora

Abstract Inspirational Others

4  

Varsha Vora

Abstract Inspirational Others

બદલાવ

બદલાવ

4 mins
413


માલતી બેન અને જયેન્દ્રભાઈ. ગાંધી યુગમાં જન્મ. સંપૂર્ણપણે આઝાદીના રંગે રંગાયેલા. ખાદી જ પહેરતા. અને સંસ્કારો અને આચરણ પણ પૂર્ણ પણે દેશી. પણ આધુનિક વિચારોને માન આપનારા. કન્યા કેળવણીના હિમાયતી. સંતાનમાં એક દીકરી અને એક દીકરો. દીકરી ગીતા મોટી અને દીકરો ભુપેશ નાનો. દીકરીને શિક્ષિકા બનાવી અને દીકરાને ડોક્ટર. બંને આધુનિક કેળવણી છતાં સંસ્કારોને માનનારા.

ગીતાને એક સહેલી રેખા સાથે બહુ બનતું. બંને એકબીજાને સમજી શકતા. રેખા જમાનાની સાથે ચાલનારી પણ ગીતા સાથે લાગણીનો મનમેળ ખરો. ગીતાની સહેલી રેખા પરણીને અમેરિકા જતી રહી.

બધુ સરળ અને સરસ ચાલતુ હતું. સમય જતાં માલતીબેન અને જયેન્દ્રભાઈએ ડોક્ટર દીકરા ભુપેશને ઘરરખ્ખુ પણ આધુનિક વિચારોવાળી છોકરી નિશા સાથે પરણાવ્યો. દીકરી ગીતાને જયેશ સાથે પરણાવી. પોતાની જ્ઞાતિના સમકક્ષ કુટુંબનો છોકરો. એન્જિનિયર થયેલો. પણ ઘણો આધુનિક એટલે ભણેલી છોકરીનો આગ્રહ રાખેલો. બંનેના મેળ મળ્યા એટલે લગ્ન લેવાયાં. સુખરૂપ સંસાર ચાલતો હતો અને એમને બે બાળકો થયા. દીકરો હાર્દિક - અને દીકરી નીરજા.

ઘણીવાર સંતાનો માં - બાપ ને જોડે, ઘણીવાર છુટા પાડે. એમના ઉછેરમાં ગીતા અને જયેશના વિચારોનો ટકરાવ થતો.

જયેશ સંપૂર્ણ આધુનિક વિચારો ધરાવે અને ગીતા આધુનિક ખરી પણ એના માતાના પ્રભાવમાં ખુબ એથી નવુ તરત જ અપનાવી ન શકતી. આ બાજુ જયેશ અકળાય કે જેમ જમાનો બદલાય એમ વ્યક્તિએ બદલાવું જોઈએ. થોડો પહેરવેશ અને વાણી વર્તન બદલવાથી કંઈ સંસ્કાર થોડા બદલાઈ જાય. એ તો મૂળભૂત કહેવાય. પણ ગીતા એકની બે ના થતી. સ્કૂલમાં બધાને ભણાવતાં ભણાવતાં ક્યારે ઘરમાં ટીચર થઈ ગઈ એ એને પોતાને જ ખબર ના પડી.

બે વાસણ છે. ખખડે પણ ખરા. પણ રોજ રોજ ખખડે તો સંસાર બગડે. અને એવું જ થયું. આજે પાડોશીઓને સંભળાતો અવાજ ધીમે ધીમે ગીતાને પિયરે પહોંચ્યો. વડીલો ભેગા થયા. પ્રશ્નનું નિરાકરણ કરવાની કોશિષ કરી થોડા સમય બધું સમુસુતરું ચાલ્યું. પણ પાછો અહંકાર ડોકિયાં દેવા માંડ્યો.

એ વખતે ગીતાની સહેલી રેખા ઇન્ડિયા આવેલી. એણે પણ ગીતાને સમજાવવાની ખુબ કોશિષ કરી. કે હું પણ વિદેશમાં રહીને ઘણી બદલાઈ છું પણ મન અને હૃદયની લાગણીઓ હજુયે ભારતીય જ છે. જીવનમાં થોડો બદલાવ તો સ્વીકારવો જ પડે. સમયની સાથે ચાલવું એ તો આજની જરૂરિયાત છે. પણ ગીતા ન માની.

આખરે જુદા પડવાનું નક્કી થયું. જયેન્દ્રભાઈ આ આઘાત જીરવી ન શક્યા અને પ્રભુને વહાલા થઈ ગયા. ગીતા પાસે બે છોકરાઓ આપીને જયેશ જુદો રહેવા ગયો. પોતાની ફરજ બજાવતો. પણ ગીતા સાથે ફરી મન મળી શક્યું નહિ. થોડા સમય પછી એની ઓફિસની એક કુલિગ કવિતા સાથે પરણી ગયો.                                                    

કવિતા, એકની એક પુત્રી હતી અને મા - બાપની સેવા કરવા માટે અપરિણીત રહી હતી. મોટી ઉંમરે જયેશ જેવો સાથી મળ્યો એટલે એણે એનો ભૂતકાળ અણદેખો કર્યો.

પોતાને બાળકો થવાની શક્યતા ન હતી એટલે શનિ - રવિ આવતા જયેશના બાળકોને પોતાના સમજી સાચવતી.

ગીતા શનિ રવિ પોતાના માતા તથા ભાઈને ત્યાં જઈ આવતી. એકલતા કોને ગમે ? શિક્ષિકા તરીકે આવક હતી એટલે કોઈને બોજારૂપ ન હતી. ભાઈ ભાભી પણ માનથી સાચવતા.

બધું બરાબર ગોઠવાઈ ગયુ હતું. જિંદગીની ઘટમાળ સારી ચાલતી હતી. પણ જેમ જેમ હાર્દિક અને નીરજા મોટા થવા માંડ્યા એમ એમ એમના ખર્ચા વધવા માંડ્યા. એમની જરૂરિયાતો પુરી કરવા માટે ગીતાનો પગાર ઓછો પડતો. અને આજની પેઢીને અભાવમાં બાંધી રાખવી લગભગ અશક્ય હોય છે. દેખાદેખી અને અનુકરણ એ આજના આધુનિક સમાજની અજાણી અને અણગમતી ઉપજ છે.

જે અભાવ માતા પુરી ન કરી શકતી એ પિતા અને નવી માતા ખુશી ખુશી પુરી કરતા.

જાણતાં અજાણતાં જયેશ અને કવિતા એમના બાળકોને એની સગી માથી દૂર કરી રહ્યા હતા. બાળકો પણ સોમથી શુક્ર એક ઘર અને શનિ રવિ બીજુ ઘર એ યોજનાથી થાકી ગયા હતા. એમને સુખ સગવડની ટેવ પડી ગઈ હતી. આખરે છોકરાઓએ પોતાના પપ્પા સાથે કાયમ રહેવાની એમની ઈચ્છા વ્યક્ત કરી. મોટા થઈ ગયા હોવાથી એમના નિર્ણયનો વિરોધ કરાય એમ નહોતું.                  અને જયેશે પણ ગીતાને કોઈ એવું કારણ આપ્યું ન હતું. બસ મનમેળને કારણે છુટ્ટા પડ્યા હતા.

ગીતા અને ભુપેશ મામા આ બદલાવના સાક્ષી હતા. પણ લાચાર હતા. આ બાજુ ભુપેશભાઈના છોકરાઓ પણ મોટા થઈ રહ્યા હતા અને માતાએ પણ કાયમી વિદાય લઈ લીધી હતી. એટલે ભાઈએ મોટીબેનને પોતાની નજીક ઘર અપાવી દીધું. જેથી એમને એકલું ના લાગે.

ગીતા બધી નવી સગવડને સ્વીકારવાની કોશિષ કરી રહી હતી. પણ એના જીવનમાં આવેલા આ અવકાશને એ સ્વીકારી શકતી ન હતી.

કંઈ કેટલાયે છોકરાઓને ભણાવ્યા, પણ થોડું પોતાને ભણાવી ન શકી. જે પરિસ્થિતિનો અત્યારે સામનો કરવો પડે છે એ સંજોગોનો એણે જરા સરખો વિચાર પણ નહોતો કર્યો. ક્યાં ભૂલ થઈ ? મારી કેળવણીમાં શું કચાશ રહી ગઈ ? આ બધા પ્રશ્નો આ તબક્કે નિરુત્તર હતા. અને નિરર્થક પણ.

ગીતાએ એની પ્રાણપ્રિય સખી રેખાને ફોન કર્યો. વિગત જણાવી. રેખાએ ગીતાને સમજાવી. ગીતા જે બદલાવ તું સહજતાથી ન સ્વીકારી શકી એ તારે પરાણે સ્વીકારવો પડશે. આપણા જીવનના કર્તાહર્તા આપણે જ છીએ. માત્ર સમયને ઓળખવાનું અને માન આપવાનું ચુકાઈ જાય ત્યારે આપણે બેધારી તલવાર પર ચાલવું પડે. સમય તો સમુદ્રના કિનારાની રેતી જેવો છે. અગાધ સમુદ્રનું એક ટીપું પાણી પણ એને બાંધી નથી શકતું તો આપણે કેવી રીતે બાંધી શકીએ ? બોલ તો. સમય તો રેતીની જેમ આપણી મુઠ્ઠીમાંથી સરી જાય. તારા છોકરાઓ સારા છે તને સાવ રેઢી નહી મુકે એનો મને વિશ્વાસ છે. પણ હવે તો તારા જીવનના નવા બદલાવને સ્વીકારી લે. અને નિવૃત્તિમાં કોઈ સારી પ્રવૃત્તિ શોધી લે.

ગીતા, સુનમુન થઈ ગઈ. મનોમન બબડવા માંડી. હા, હવે તો બદલાવું જ પડશે ને....... નહીં તો મોડું થઈ જશે.


Rate this content
Log in

Similar gujarati story from Abstract