કાંટાળો થોર
કાંટાળો થોર
વિમલ એક સંયુક્ત કુટુંબમાં સૌથી નાનો છોકરો.
દાદા - દાદી, બે કાકા અને એમનો પરિવાર. એક વિધવા ફોઈ એમની દીકરીને લઈને પિયર પાછા આવેલા. બધા ભેગા થઈને ચૌદ ભાઈ બહેનો.
દાદાની કરડાકી છોકરાઓ ઉપર હોય એટલે 'નિશાળેથી નીકળી જવું પાધરા ઘેર ' એમ સૌ એકની પાછળ એક મોટા થતા હોય.
દાદીને પણ ક્યાં નવરાશ. ત્રણ ત્રણ વહુઓને સાચવવી અને પાછી નાની ઉંમરે વિધવા થયેલી દીકરી સાથે એક નાની બાળકી. રસોડું જોતા જોતા દિવસ પસાર થાય અને ઘડીક નવરાશ મળે ત્યારે ઈશ્વરનું નામ લે. સગા સંબંધીઓને સાચવવાના એ જુદી વ્યથા.
પણ તોયે એ જમાનામાં અગવડ સગવડનો વિચાર ન કરતા. ચાલીમાં એકબીજાને સાચવી લેવાની અજબ કળા હતી.
પણ એમાં ઘણા ભવિષ્ય અંધારે લખાતા. આખો દિવસ કામકાજથી થાકેલી મા, જરા એમનો બાળક બોલાવે તો ધીબેડી નાખે.
ચૌદ બાળકોમાં સૌથી વધુ ધીબાયેલો વિમલ. એને ઘણી વાર સમજ પણ ન પડતી કે આ માર શેને માટે પડ્યો ?
ખેર, એક સરખા દિવસો તો કોઈના ય જાય નહીં. દાદા - દાદી ઠાવકા હતા એટલે એક પછી એક એમના બધા છોકરાઓને જુદું ઘર લઈ આપ્યું.
વિમલના પિતા નાના એટલે દાદા, દાદી, ફોઈ અને એની દીકરી બધા એમની સાથે જ રહ્યા. ટૂંકમાં વિમલની મમ્મી વસ્તારી જ રહી.
સમય જતાં વડીલોએ વિદાય લીધી. વિમલના પપ્પા નામું લખીને કમાતા. ધીમે ધીમે એમના કામ ઓછા થતાં ગયા. છોકરાઓ જોકે ભણી ગણીને ઠેકાણે પડ્યા.
વિમલનું ભવિષ્ય ખરડાયું.
ભણવામાં બહુ ધ્યાન નહોતું અને ધંધાની કોઈ દૂરંદેશી પણ નહીં. જ્યાં થોડા પૈસા દેખાય એવા ધંધા કરે. રોકડિયા ધંધા જેવું. કો'ક વાર નસીબ સાથ આપી પણ જાય.
લગ્નની વય આવી એટલે એના પિતાએ એના માટે સુંદર, સુશીલ, ગુણિયલ છોકરીની શોધ આદરી. એ જમાનામાં મા બાપ પોતાની દીકરીનો ઉછેર એવી રીતે જ કરતા. સૌંદર્ય ઈશ્વર આધીન છે. જેની પાસે હોય એ નસીબદાર. ન હોય એણે ઘણું જતું કરવું પડે પણ, છોકરી સુશીલ અને ગુણિયલ તો હોય જ. બધેથી અવગણાયેલો વિમલ અહીંયા નસીબનો બળિયો નીકળ્યો. તૃપ્તિ, બધી વ્યાખ્યામાં ફીટ બેઠી હતી. વિમલ પણ
દેખાવમાં પહેલી નજરે ગમી જાય એવો હતો એટલે ઘડિયા લગ્ન લેવાઈ ગયા.
મા બાપે એને પહેલા જુદું આપ્યું. ખબર નહિ કેમ ?
અને અત્યાર સુધી દબાઈને રહેલો વિમલ અચાનક જ પોતાની જાતને શેઠ માનતો થઈ ગયો. સ્વતંત્રતા મળવી સહેલી છે પણ પચાવવી અઘરી.
ગરીબ ઘરમાં ઉછરેલી તૃપ્તિ બાંધેલા હાથે ઘર ચલાવવા માંડી. પાંચ વર્ષમાં બે સંતાનોની માતા બની. દીકરી સીમા અને દીકરો અજય.
ચાલીમાં રહેલા વિમલને એક ફ્લેટ લેવાની ખુબ ઈચ્છા, પણ ભાઈ કંઈ ભણ્યા નહીં અને બાંધી આવક નહીં એટલે ખુબ મૂંઝાયા કરે. તૃપ્તિ પણ બને એટલો સહકાર આપતી પણ ખર્ચા ઉપર કંઈ એનો કંટ્રોલ ના હોય ને. આખરે મેળ પડ્યો અને ફ્લેટ લેવાઈ ગયો. બધા ભાઈઓની હારોહાર થયો એનો એને આનંદ. આવક વધી પણ તૃપ્તિનું પ્રમોશન ના થયું. વિમલ એટલો સ્વાર્થી થઈ ગયો કે, તૃપ્તિ પૈસા માગે એટલે અભિમાનથી કહે,
હું આપુ એટલામાં ઘર ચલાવવું પડશે. તૃપ્તિ ગરીબ પિયરથી આવેલી એટલે બીજો કોઈ આશરો ય નહીં. એક ફ્રેન્ડની મદદથી એણે ઘરમાં ટ્યુશન ચાલુ કર્યા અને ટ્યુશન ક્લાસના બાળકોના પેપર ચેક કરવા ઘરે લાવતી. બે પૈસાની આવકથી પોતાના છોકરાઓના અને પોતાના થોડા ખર્ચ નીકળતા.
વિમલભાઈને તો લહેર પડી ગઈ. એ વધારે છાકટો થઈ ગયો. ભાઈબંધ દોસ્તારોમાં રોફ મારતો થઈ ગયો. કે જો ઘર આમ ચલાવાય. છોકરાઓ એમની મમ્મી પર થતો અન્યાય જોતા. પણ લાચાર હતા. માને સધિયારો આપતા. અમે મોટા થઈશું ને એટલે મમ્મી,
ને તૃપ્તિ એમના મોઢા પર હાથ મૂકી દેતી. તમને મોટા કરવા તો હું આ બધું સહન કરી રહી છું.
વિમલને ખબર નહોતી પડતી કે છોકરાઓને પણ સમજ હોય છે. દીકરી સીમા ભણીને નોકરીએ લાગી. દીકરા અજયે છેલ્લું વર્ષ પાસ કરતા કરતા ફોરેન ભણવા જવાની પરીક્ષાઓ આપી દીધી. ત્રણ ફ્રેન્ડ્સ સાથે હતા. સ્કોલરશિપ પણ લીધી અને સમાજમાંથી લોન લીધી.
પપ્પા પાસે હાથ ન લંબાવ્યો કે ન જણાવ્યું.
દીકરી સીમાએ ઓફિસમાં સાથે કામ કરતો અન્ય ધર્મી છોકરો પાસ કરી લીધો.
વિમલ ધુઆપુઆં થઈ ગયો. એ કહે, સીમા તેં આ શું કર્યું ? જરા મારા નામનો વિચાર તો કરવો હતો.
સીમાએ રોકડું પરખાવ્યું. પપ્પા તમને જોયા પછી તમારી જ્ઞાતિના છોકરા જોવાની મારામાં તાકાત નથી. અને તમે મમ્મીને જેમ ટટળાવો છો એમ મારે જીવવું નથી. તમે હા નહીં પાડો તો હું જાતે પરણી જઈશ. અને હા, મારા લગ્નના ખર્ચાની તમે ચિંતા કરતા નહીં. મારે તમારી એક દમડી પણ નથી જોઈતી.
જો તમારે આપવા હોય તો મારો ભાગ મમ્મીને આપજો.
વિમલ તો અવાચક જ થઈ ગયો. મને - કમને દીકરી પરણાવી.
દીકરા અજયને એક વાર પાસે બોલાવી પૂછયું, ભાઈ તારે આગળ શું કરવું છે ?
અજય કહે, પપ્પા, હું અમિત અને મનન ત્રણે જણા આવતા મહિને ન્યુઝિલેન્ડ જઈએ છે. આગળ ભણવા માટે.
અને વિમલ તાડુક્યો, પૈસા કોણ તારો બાપ આપશે ?
જુવાન લોહી, ઉકળતા વાર લાગે ?
તરત જ રોકડું પરખાવ્યું. મારો બાપ મારી માને પૈસા નથી આપતો એ મને શું આપવાનો. મેં મારી સગવડ કરી લીધી છે. મારી ચિંતા કરશો નહીં. અને હા, મને થોડો વખત આપો. તમારે મમ્મીને પણ પૈસા આપવાની જરૂર નહીં પડે.
વિમલને ખુબ આઘાત લાગ્યો. પોતાનો બનાવેલા નાના શા મહેલને પત્તાના મહેલની જેમ તૂટી પડતો જોતા એ ઝંખવાઈ ગયો.
એણે તૃપ્તિને પૂછ્યુ, કે કેમ આમ થયું ?
તૃપ્તિ કહે, તમારી કાંટાળા થોરને પાણી પાવાની વૃત્તિએ તમને એકલા કર્યા. જ્યારે હોય ત્યારે ભાઈ બહેન, ભાઈબંધ - દોસ્તાર, સમાજ. બસ, એક હું અને મારા બે છોકરાઓ જ તમને ભારે પડતા હતા.
તમારા જીવનના બાગમાં મેં બે ફૂલ તમને આપ્યા અને જીવનભરનો સથવારો હતો પણ તમને બાગ - બગીચા ગમતા નથી. તમે જંગલના માણસ છો.
અને વિમલને લાગ્યું કે એની પત્ની એને જંગલી તો નથી માનતી ને ?
અને એના માથામાં જંગલી જંગલી ના પડઘા પાડવા માંડ્યા !
