ઋણ ચુકવણી
ઋણ ચુકવણી
પર - સેવા - એજ પ્રભુ સેવા. સેવા શબ્દ બોલતાંજ સૌ પ્રથમ યાદ આવે પ્રભુ સેવા, પછી માતાપિતાની સેવા પછી આવે વડીલો અને ગુરુજનોની સેવા.
આ લોહીના લાગણીભર્યા સંબંધોમાં કરાતી સેવા એ ક્યાંક ક્યાંક તો માત્ર ફરજરૂપે થતી હોય છે. પણ ખરી સેવા તો એજ કહેવાય જ્યાં કોઈ સંબંધ ના હોય પણ પરિસ્થિતિને અનુરૂપ અનુકંપા થાય અને એમાંથી સેવા કરવાની ભાવના જાગે.
નિઃસ્વાર્થ સેવા, કોઈ પાંગળાનાં પગ બનવા, એ સેવા. કોઈકના લકવા મરેલા હાથને સહારો આપીને રસ્તો ક્રોસ કરાવવો, એ સેવા. જેનું આ દુનિયામાં કોઈ નથી એની સાથે પંદર મિનિટ ગાળીને એના હૃદિયાની વાત સાંભળીને એના હૈયાનો ભાર હળવો કરવો, એ સેવા. સૌ પરવશ થઇ ગયેલા વૃદ્ધ વડીલોને મદદ કરવી અથવા મદદ પહોંચાડવી એ પણ એક પ્રકારની સેવા જ છે.
અ હો હો, સેવાનાંય કેટલા પ્રકાર છે. પણ ઉત્કૃષ્ટ સેવા તો પર - સેવા જ છે. સૌ અજાણ્યા લોકો માટે કોઈ પણ ઉદ્દેશ વિના પોતાનો પરસેવો વહાવીને કરતી સેવા. ઈશ્વરે આ શ્રુષ્ટિ ખરેખર જ સુંદર બનાવી છે દરેક જીવને એક રાહ આપી છે, એક લક્ષ્ય આપ્યું છે. પણ, પણ ઘણા જીવ, કદાચ પૂર્વ જન્મના કોઈ અનુચિત કર્મને કારણે અમુક ક્ષતિઓ સાથે જન્મતા હોય છે. આવા બાળકોની સંખ્યા પણ ક્યાં નાનીસૂની છે ?
માનવ - ઈશ્વરનું શ્રેષ્ઠ સર્જન એમાં અમુક ખામીઓ અને ક્ષતિઓ સાથે જન્મતા બાળકો સાથે એવું તો શું થયું હશે ? એ જીવ તો પોતાની શારીરિક અને માનસિક ખામીઓથી સાવ જ અજાણ હોય છે. શું એના માતા-પિતા કે વડીલોના પુણ્ય ઓછા પડ્યા હશે ? એમને એમના આ જન્મ કે પૂર્વ જન્મમાં કોની સેવા કરવાનું ચુકી ગયા હશે કે આ જન્મે એમને ક્ષતિરૂપ બાળક આપીને, આ જીવની સેવા અને પાલનપોષણ કરવાનો એક અવસર આપીને પ્રાયશ્ચિત કરવાનો ઈશ્વરે મોકો આપ્યો હશે ?
એક ના સમજાયેલી પહેલી છે આ. કંઈક કર્મોનો હિસાબ હશે જે આપણી સમજથી પરે છે. આવા બાળકો સમાજથી તરછોડાઈ જાય છે પોતાના કુટુંબીઓની હોવા છતાં પણ એમની અવહેલના થાય છે. પણ સામે એમની સેવા કરવાની ભાવના ધરાવતા વિરલાઓએ કંઈ ઓછા નથી. ઘણા સમાજસેવી વડીલો આવી સંસ્થાઓ ચલાવતા હોય છે. અને આવા બાળકોની આવડતને સમજીને એમને એવી કેળવણી આપે છે જેનો ઉપયોગ કરીને આ બાળકો સ્વમાનભેર જીવન જીવી શકે અને આ સમાજમાં પોતાનું નાનું તો નાનું યોગદાન આપી શકે. ખરેખર તો આવા સમાજસેવી વડીલોની સંસ્થાઓ અને એમાં કામ કરતા લોકો ખરેખર પ્રશંસાને પાત્ર છે.
વસુધા, આવી જ એક સંસ્થામાં કામ કરતી એક શિક્ષિકા છે. પગાર બહુ ના મળે પણ નોકરી કાયમી.અને સાથે સાથે પોતાનો પરગજુ સ્વભાવ પણ સંતોષાતો. એની સેવાભાવી વૃત્તિને કારણે એને એના ઘરના ખુબ મહેણાં ટોણાં સાંભળવા પડતા. એને સાસરિયા અને પતિ કહેતા કે એટલાજ કલાક કોઈ બીજી મ્યુનિસિપલ શાળામાં આપો તો પગાર પણ વધારે મળે અને રજાઓ પણ વધારે. અને પાછી જવાબદારીઓ પણ કેટલી ઓછી. અહીંયા તો દરેક વિધાર્થીની સેવા કરવી પડે. સેવા શું ? લગભગ માવજત જ કરવી પડે ?
પણ વસુધા જેનું નામ. એના જીવનનો એક જ મંત્ર સેવા પરમો ધર્મ એનો પરગજુ સ્વભાવ એને આવા ઘોંચ- પરોણાથી ક્યાંય આગળ લઇ જતો. એ ભલી ન એનું કામ ભલું હા, એ પોતાની કૌટુંબિક જવાબદારીઓમાં ક્યાંય પાછી પાની ન કરતી પોતાના ઘરનું અને પર-સેવાનું સંતુલન જાળવતા એને સંપૂર્ણપણે આવડી ગયું હતું. અને બીજા લોકો જે જાણતા ન હતા એ, એ વસુધા, આ બધાની સાથે રહીને સમજતી થઇ ગઈ હતી. એ કહેતી કે ખુદ ઈશ્વર પણ કર્મોને આધીન હોય છે પણ એ છતાંયે એના ઉપકાર ઓછા નથી હોતા. એમના આશીર્વાદથી આવા બાળકોની એક બારી બંધ થતા બીજી ઘણી બધી બારીઓ ખુલી જતી હોય છે. પણ આપણે આપણી દ્રષ્ટિ બદલવાની જરૂર છે. એમની આવડત ઓળખવાની જરૂર છે. એ મનોમન વિચારતી કે હું આખા સમાજને તો બદલી ન શકું પણ મારી નજર ઉપર તો મારો જ હુકમ ચાલે ને ? છોને લોકો બોલતા. સાજા સારાને તો સૌ કોઈ સાચવે પણ આવા તરછોડાયેલા બાળકોને સાચવવા એ એક પડકારરૂપ કાર્ય છે અને પાછી આ બાળકોની જે અવસ્થા છે એ એમને પોતાની મરજી કે ઈચ્છાથી નથી મળી. અને એમનેજ કેમ, કોઈને પણ પોતાની ઈચ્છાથી જન્મ ન મળી શકે. જે મળ્યું છે એમાંથી શ્રેષ્ઠ તારવવાનું હોય. એ પણ એક હુન્નર છે. કળા છે. અને એ બધામાં તો ન જ હોયને.
મુંબઈમાં ઘણી સંસ્થાઓ આવા બાળકો માટે વાર્ષિક સ્પોર્ટ્સ પ્રવૃત્તિ ચલાવતા હોય છે. અને એના માટે આ બાળકોનો જોમ અને ઉમંગ જોવા જેવો હોય છે. સ્પર્ધાની તૈયારીઓમાં એવા લાગી પડેને કે જાણે ઓલિમ્પિક માં ભાગ લેવાનો હોય. કેમ નહિ ? એમના માટે તો આ ઓલિમ્પિક જ કહેવાયને. અમને પણ સ્પર્ધા અને અને નિયમોની એક મહિના પહેલા માહિતી મળી ગઈ હોય એટલે અમે એવી રીતે બાળકોને પ્રોત્સાહિત કરીએ.
એ લોકોને ધ્યેય એક જ - બસ જીતવું છે લક્ષ્ય પણ એક જ - કોઈ પણ ભોગે ઇનામ લેવું. પણ અમારી કેળવણી એવી કે આપણે જીતવા માટે જ રમવાનું છે પણ જે બીજા કોઈ જીતે એ પણ આપણા ભાઈ બહેન જ છે. અને બોલો, આ બાળકોમાં ઈર્ષાનો એક છાંટો જોવા ન મળે . હા એ લોકોને પણ દુઃખ થાય પણ પછી થોડીક વારમાં પાછા રમવા મંડી પડે. સ્પર્ધા પતી ગયા પછીના જમણવારમાં આ લોકોની શિસ્ત જોઈને તો સામાન્ય લોકો પણ અચંબામાં પડી જાય. દરેક બાળકો પોતાના વારાની રાહ જોવે. કોઈને ઘાઈ નહિ.
અને પછી આવે એવોર્ડ વિતરણ સમારંભ, એમાં આ લોકોની ઉત્કંઠા ખરેખર માણવાલાયક હોય છે. જે પણ જીતે બધા તાળીઓ પાડીને વધાવે. કોને ખબર આવી સમજણ આ લોકોને કોણે આપી હશે. પોતાની હાર અને બીજાની જીતને વધાવવાની આ ખેલદિલી એ આ બાળકોની આગવી લાક્ષણિકતા ન કહેવાય? સભ્ય સમાજમાં તો એવું જ્વ્વલ્લેજ જોવા મળે. અમે બધા શિક્ષકોએ એમને કોઈ બાત નહિ અગલે સાલ નો મંત્ર એમના જીવનમાં ઉતારી દેવડાવ્યો છે જેથી એમને જીવનમાં આગળ વધવાનું પ્રોત્સાહન સતત મળતું રહે.
હા બીજી એક આડવાત અમારે ત્યાં ધર્મ નું કોઈ લેબલ નથી. કારણકે આવા બાળકો બધા સમાજમાંથી આવતા હોય છે. પણ અમારી શાળામાં સર્વ ધર્મ સમભાવ ની જેમ સમાઈ જાય. દરેક ધર્મના મુખ્ય તહેવારોની ઉજવણી સાથે મળીને કરીએ એટલે બંધુત્વની ભાવના આપોઆપ કેળવાય. બીજી કોઈ લપ્પન છપ્પન જ નહિ.
હા, ક્યારેક અમુક બાળકોમાં અગણ્ય ક્ષતિ હોય અને એમના મા-બાપ અને ડોક્ટરો તથા આધુનિક વિજ્ઞાનની મદદથી આ બાળકોની ખામી દૂર થઈને એ નવજીવન પામે ત્યારે અમને બધાને ખુબ આનંદ થાય. એના કર્મનું બંધન દૂર થયું અને એ સામાન્ય જીવન જીવવા સજ્જ થાય ત્યારે મનોમન ઈશ્વરની કૃપાને વંદન થઇ જાય છે. મારી સહેલી અશ્વિની મને કાયમ પૂછે કે 'તું આવા બાળકોની સેવા કરે છે એનું પ્રેરણાબળ કયું છે ?' ત્યારે મેં એને કહ્યું કે 'જો અશ્વિની, હું અને મારો ભાઈ અમે જોડિયા જન્મ્યા હતા. અને એ ક્ષતિગ્રસ્ત હોવાથી ઝાઝું જીવી ન શક્યો અને મને છોડીને ચાલ્યો ગયો. અમે બંને એક જ ગર્ભમાં ઉછર્યા છીએ તો મારુ લાગણીનું બંધન તો ક્યારે છુટશે બોલ ? માટે એ ઋણ ચૂકવવા હું આ સેવા કરું છું.
અને આમેય પર- સેવા એજ તો સાચી પ્રભુ સેવા છે ને !'
