Varsha Vora

Children Stories Comedy Drama

4.3  

Varsha Vora

Children Stories Comedy Drama

બાળપણના સંસ્મરણો

બાળપણના સંસ્મરણો

4 mins
220


બાળપણ કેટલો નિર્દોષ શબ્દ છે.

નહિ કોઈ ફિકર કે ચિંતા

એઈને ફરો મસ્ત અને બેફિકર.

બાળપણના સંભારણાંનો એક પ્રસંગ યાદ આવે છે. જયારે જયારે યાદ આવેને ત્યારે આજેય હોઠ મલકી જાય છે.

નાના હતા ને, ત્યારે દિવાળી વૅકેશનમાં સ્કૂલમાંથી પુનરાવર્તનનું ઘર કામ આપે. માઁ- બાપનો કડક નિયમ કે ઘરકામ થઈ જાય પછી જ રમવાનું અને જમવાનું. એટલે સવારના દૂધ નાસ્તો પતે ને અમે બધા નહિ ધોઈને, ડાહ્યા-ડમરાં થઈને ઘરકામ કરવા બેસી જઈએ. જેવું પતે એટલે બધા ઘોડા છુટ્ટા. એક પછી એક બધા ચાલીમાં જમા થવા માંડે. ફ્લેટ સિસ્ટમમાં યે ચાલી જેવી જ મજા હતી હોં, એટલે અમારો અડ્ડો જામવાનું ચાલુ થાય. 

એકએક ઘરમાંથી બે થી ત્રણ ટાબરિયાઓ રમવા બહાર નીકળે. કો'ક કો'ક ઘરમાંથી બે કાચા અને એક પાકું લીંબુ અને કો'ક ઘરમાંથી એક કાચું લીંબુ અને બે પાકાં લીંબુ બહાર નીકળે. ઘણા ઘરમાંથી નાનાનાના ચીંગુ મિંગુ નીકળે એમને ચાલીનો બીજો ખૂણો પકડાવી દઈએ. એટલે એ લોકો વચ્ચે વચ્ચે આવે નહિ ને એમને વાગે નહિ.

મજા મોટાઓને આવે. કાચા લીંબુઓ રમવા બહાર આવે ને ત્યારે એમના મોઢા ચઢેલા હોય. અરે ભાઈ, પાકાં થવાની રાહ તો જોવીજ જોઈને ને. પણ એમને ડર એમના મોટા ભાઈબેનોનો લાગે. કારણકે જો એ લોકો પર દાવ આવેને તો એમના મોટા ભાઈબેનોએ દાવ આપવો પડે, એવો વણલખ્યો નિયમ પણ સૌ કોઈ ઈમાનદારીથી નિભાવે. એટલે મોટા ભાઈબહેનો કાચા લીંબુનો દાવ આપવા જાયને તો એમને એકાદ ટપલી તો પડે જ. પણ આ તો ટાબરિયાંઓ, કંઈ ઓછા ન હોય. રમત પતે પછી ઘરે રોતાં રોતાં જાય એટલે એમના મોટા ભાઈ કે બહેન જેણે એમનો દાવ આપ્યો હોય 

એને એના બાપા કે માઁ ની ટપલી અવશ્ય પડે. એક ટપલી બહાર પડે અને એક ઘરમાં. હિસાબ બરાબર. પણ એટલું ઓછું થોડી હોય. બહાર એ મોટાઓના દોસ્તો એકબીજાને તાલી આપે કે એએએએએ ..... પડી જો પેલા મયંકને, અને બધા હસે.

કશું જ પર્સનલ નહિ. કોઈની પાસે પોતાના મોબાઈલ, ટેબ્લેટ, વાઈફાઈ, લેપટોપ કશું જ નહિ. કે ન પોતાનો રૂમ, એટલે કામ પતે એટલે બધાજ બહાર રમવા માટે નીકળે.        

સવારે બાઝ્યા હોય તો બપોરે ભેગા. કિટ્ટા, બુચ્ચા તો ચાલતી જ હોય. બધાનું ઈંમ્યુનિટી લેવલ એટલું સરસ હોયને કે બીમારી તો દૂર જ રહે.

કુસુમમાસી, અમારા બાજુવાળા માસી, ઝઘડાળુ અને માથાભારે અને એમને કહ્યાગરા કંથ મળેલા એટલે બધા પર એમનો રુઆબ ચલાવે. એમનો મોટો દીકરો દુકાન સંભાળે અને દીકરી ટીનુ. એમના દીકરા પછી સોળ વર્ષે આવેલી એટલે ખુબ માથેચડાવેલી. એ ચિબાવલીને એના બાના રુઆબની ખબર એટલે જરાક એને રમાડવાની ના પાડીએ ને, એટલે એની બાને, બા ને માથે મીંડું મુકીને બાં આ આ.... કરીને એવી રાડ પાડેને કે પેલા રણચંડી કુસુમબેન ચાલીમાં દોડે.

રોજનું થઈ ગયેલું, એક તો ટીનુ, કાચુ લીંબુ અને એના માથે દાવ આવે તો એનો દાવ કોણ આપે ? ખરેખર, ટીનુ ચીટિંગ કરે અને એનો જેવો દાવ આવે કે બાં આ આ આ...... કરીને ઘર ભેગી થઈ જાય. સાલો આ અન્યાય સહન થાય નહિ એટલે કરવું શું ? પછી સભા મળી ચાલીમાં ---- અમારી જ તો, 

કોઈને કંઈ સૂઝ્યું નહિ એટલે એક જણો એના મોટાભાઈને બોલાવી લાવ્યો. મોટાભાઈ ડોક્ટરનું ભણતા એટલે ચાલીમાં એમનું માન બહુ. 

એમણે અમને બધાને એક ઉપાય સૂચવ્યો.

બીજે દિવસ નક્કી થયું કે સાતતાળી રમીએ. થપ્પો જો ખોટો પડે તો સાત દાવ. હવે ટીનુ પર દાવ આવે એની અમે સૌ રાહ જોવા લાગ્યા. અને જાણે ભગવાને મહેર કરી અને પહેલો દાવ ટીનુનો જ આવ્યો. મજા પડી ગઈ. બધા છુપાઈ ગયા, અને નક્કી કર્યા પ્રમાણે અમે બધાએ અવાજ બદલ્યા, શર્ટ બદલ્યા અને લાંબી બાંયવાળા હાથ બહાર ઝુલાવીએ એટલે ટીનુ થાપ ખાઈ જઈને બીજાનો થપ્પો કરે અને એનો દાવ ખોટો પડે. ઘણા ખેલ કર્યા પણ એનો થપ્પો ખોટો પાડીએ જ. 

ત્રણ દાવ તો ટીનુએ રખેદખે પુરા કર્યા. પણ કોઈ દિવસ દાવ આપેલો નહિ એટલે થાકી ગઈ અને એને અચાનક એની બાં આ આ આ ........ યાદ આવી ગઈ. અને બા તો તરત જ બહાર. અચાનક બાના આવવાથી બધા થોડા સડક થઈ ગયા પણ એક જણ જલ્દી જઈને પેલા ડૉક્ટર મોટાભાઈને બોલાવી આવ્યો.

જેવા બા ગર્જવા ગયાને તરત જ ડોક્ટરે શાંતિથી અને થોડા કડક થઈને કહ્યું કે, જુવો કુસુમમાસી, ટીનુએ રમવું હશે તો દાવ તો આપવો જ પડશે. 

એકદમ મક્કમપણે બોલાયેલા શબ્દોથી કુસુમબેનને આઘાતનું ઈન્જેકશન લાગ્યું અને એ લાગલા જ ઘરભેગા થઈ ગ્યા. ઘરમાંથી જ એમણે ટીનુ ને હાક મારી 

અને ટીનુ ઘરભેગી થઈ ગઈ. ધડામ......... એમનો દરવાજો પછડાવાનો અવાજ આવ્યો અને અમે બધા અવાચક જ થઈ ગયા. 

પણ કળ વળતા જ અમે બધા ખુશ થઈ ગયા કે ચાલો બલા ટળી.

આ બધા કોલાહલમાં એક આત્મા ખુબ તૃપ્ત થયો. બોલો કોણ ?

કિરીટકાકા......... ન ઓળખ્યાને ? કુસુમમાસીના વર, કોઈ દિવસ કિરીટકાકા, એમનો શબ્દ ઉથાપે નહીં એવા એમના શ્રીમતીજીનો વટ આજે ઝાંખો પડી ગયો હતો. 

પણ કાકાના હૈયે થોડીક ટાઢક થઈ હતી.

હવે સૌ રોજ નિરાંતે રમતા. હા, ટીનુ આવી ન શકે એનું દુ:ખ થાય પણ એની પાછળ પેલું બાઁ આ આ નું લેબલ પણ સાથે સાથે યાદ આવે. છેવટે એવું નક્કી કર્યું કે થપ્પો સિવાય બીજી કોઈ પણ રમત રમતા હોય તો એને બોલાવવી.

પણ, બીજી રમત રમતાએ જો એ હારી જાય ને તો અમારા મનમાં એક પડઘો હંમેશા પડઘાતો હોય છે.

બા આ આ આ.......!


Rate this content
Log in