બે-લગામ
બે-લગામ
રચિત- ફૂટડો યુવાન. ચુંબકીય વ્યક્તિત્વ કહેવાય એવું દેહ લાલિત્ય !
સુખી કુટુંબમાં જન્મ થયો હતો એટલે ઉછેર ખુબ વ્યવસ્થિત. દરેક માતા પિતાનો ધ્યેય પણ એક જ હોય. પોતાના બાળકોને ખુબ ભણીગણીને સેટલ કરાવવા. રચિતના માતા પિતા પણ એમ જ માનતા. શાળામાં તો બાળક પોતાના હાથમાં હોય એટલે રચિત સંકારી અને સુશીલ બન્યો.
પણ એકવાર શાળામાંથી બહાર નીકળે એટલે જાણે કે
માબાપના લાગણીભર્યા માળામાંથી પણ બહાર નીકળે.
બે-લગામ તોખાર જાણે. નિતનવા આયોજનો સર કરવા છે. વટ પાડવો છે. જલ્દી જલ્દી નેમ અને ફેમ જોઈએ છે. લગભગ નહિવત જવાબદારીઓ સાથે રચિતભાઈએ કોલેજની દુનિયામાં પગ મુક્યો. બનવું હતું એન્જીનયર પણ થોડુંક નિયતિએ અને થોડીક રચિતની દાનતે એનું આગળનું ભવિષ્ય હાલકડોલક થવા માંડ્યું.
મસ્ત યુવાન,
જીમમાં બનાવેલા મસલ્સ અને સિક્સ પેક્સ, આકર્ષક દેખાવ અને પોતાની જાતને શણગારવામાં કોઈ ચૂક ન થાય એવું કામ રચિતનું. માઁ-બાપ પણ ખુબ ખુશ થતા. માત્ર ભાવિ પોતાના મનમાં મરક મરક મલકાતું'તુ.
રચિતના ચુંબકીય વ્યક્તિત્વનો પ્રભાવ એટલો ને કે એની કોલેજના ઘણા યુવાનો પણ એને જોઈને ચકિત થઈ જતા. બધા કોલેજ-ડે નો હીરો કોણ ? રચિત રચિત. ભાઈ ફુલાતા જાય. ધીમે ધીમે મીડિયામાં રચિતની નોંધ લેવાવા માંડી એમાંથી એને એડ - વર્લ્ડમાં એન્ટ્રી મળી. ભણવાનું ચઢ્યું ટલ્લે. પણ હવે તો આ ફિલ્ડમાંયે પૈસો ને પ્રસિદ્ધિ બંને હતા. વળી પછી માઁ-બાપને પણ નામના પણ મળતી જ હતીને. એટલે એના માઁ-બાપે થોડું સારું નરસું હોય એને આંખ આડા કાનના ઓઠા હેઠળ જતું કર્યું. એટલે રચિતની હિંમત અને કિંમત બંને આકાશને આંબવા મંડ્યા.
સૂર્યનો ઉદય ઉપરની ગતિ કરે છે. મધ્યાહ્નન પછી એની ગતિ અસ્ત વખતે નીચેની તરફ થાય છે. આ એક કુદરતી ક્રમ છે. બસ એટલુંજ સત્ય સમજવાની જરૂર છે. એવું નથી કે અધવચ્ચે સફર છોડી દેવી પણ વળતી વખતે પડી ન જવાય કે ક્યાંક રસ્તો ભટકી ન જવાય એનું ધ્યાન રાખીએ તો જીવન મધુર થઈ જાય છે.
રચિતભાઈ પ્રશંસા અને પ્રસિદ્ધિમાં ભાન ભૂલ્યા. જુના જમાનના રાજાઓ જેવી જિંદગી. જીવનમાં ઠરીઠામ થવાની વેળા આવે ત્યાં સુધીમાં તો આ ભમરાએ ઘણી કળીઓને ચૂંટી લીધી હતી. માતાપિતાને પણ મોડે મોડે સત્ય સમજાયું. એમને રચિતને વાળવાનો પ્રયત્ન કર્યો કે ભાઈ હવે તો જીવનમાં ઠરીઠામ થઈ જાવ. પણ જે સફળતાની પાંખો પર સવાર હોય એને નીચે ઉતરતા વાર તો લાગેજ ને .સફળતાનાં આજ નશામાં રચિતને બાઈકિંગનો શોખ લાગ્યો. રોજ રાત્રે એની ટોળકી ખાલીખમ રસ્તા પર ફૂલ સ્પીડે બાઈકિંગ કરવા જાય. એવામાં એની નામના અને સફળતાથી જલતા એના ખાસ ફ્રેન્ડ નિલયે રચિતની બાઈકને ટક્કર મારી દીધી અને રચિતની બાઈક સ્કીડ કરી ગઈ.
જાન બચી ગઈ પણ પગમાં કાયમી ખોડ રહી ગઈ. નિલયે કરેલી ભૂલને ટક્કરમાં ખપાવી દેવામાં આવી. અને રચિત પોતે પણ એ માનવા તૈયાર ન હતો કે એનો ખાસ ફ્રેન્ડ નિલય આવુ કરે.
રચિતના જીવનની ગતિ લગભગ થંભી ગઈ. મીડિયા તો બત્રીસ લક્ષણાઓને જ પોંખે. અને એવા તો કેટલાયે યુવાનો રોજ આવતા હોય. એની કારકિર્દીનો સૂરજ મધ્યાન્હે અસ્ત થઈ ગયો.
હવે એને એક હમસફરની ખોટ વર્તાવા માંડી. પહેલાની બધી તીતલીઓ તો એનો સાથ છોડીને જતી રહી.
રચિતના માઁ - બાપે કમર કસી અને એક સાધારણ પણ સંસ્કારી કુટુંબની ભણેલી ગણેલી છોકરી સેજલના હાથનું માંગુ નાખ્યું. હા, રચિતની પરિસ્થિતિ કહી દીધી. સુમનભાઈ અને સુધાબેન સામાન્ય માણસો હતા. એમણે એમની દીકરી સેજલ પર નિર્ણય છોડ્યો.
સેજલે રચિત સાથે એકલામાં વાત કરવાની સંમતિ માંગી. સેજલે રચિતને કહ્યું કે તારો ભૂતકાળ નહિ ફંફોળું પણ એનો પડછાયો આપણા વર્તમાન કે ભવિષ્ય પર ન પાડવો જોઈ. ઓકે? રચિતે હા પડી. આમે એણે એના વીતેલા જીવનમાંથી બોધપાઠ તો લીધો જ હતો.
સૌ થાળે પડ્યા. ઘડિયા લગ્ન લેવાયા અને રચિત અને સેજલના સુખી દામ્પત્ય જીવનની શરૂઆત થઈ. થોડો સમય જતા સેજલ અને રચિતને ત્યાં બે કળીઓએ જન્મ લીધો. પ્રિયા અને રિયા બે જોડિયા બહેનો રિયામાં રચિતના ગુણ અને પ્રિયામાં સેજલના ગુણ.
બંનેનો ઉછેર સરખો જ હતો પણ ચુંબકના બે સરખા ભાગ સામસામે રાખીએ ને પ્રવાહ જેમ દૂર જાય એમ બંનેમાં વિરોધાભાસ છડે ચોક નજરે પડતો. રિયામાં રચિતનો અહંકાર છલકાતો અને પ્રિયામાં સેજલની સાલસતા.
કોલેજમાં ભણવાની વાત આવી ત્યારે પ્રિયાએ સાયકોલોજીને પ્રાધાન્ય આપ્યું અને રિયાએ ધડાકો કર્યો. ડેડ, હું પણ તમારી જેમ મીડિયામાં મારી કેરિયેર કરવા માંગુ છુ.
રચિત --
રચિતનું હૃદય એક ધબકાર ચૂકી ગયું.
કેમ કે એક ઑર ચુંબકીય વ્યક્તિત્વનો ઉદય થયો હતો.
