Varsha Vora

Drama Inspirational

4  

Varsha Vora

Drama Inspirational

ઝરૂખો

ઝરૂખો

6 mins
312


ઝરૂખો શબ્દ સાંભળતા જ યાદ આવે આપણે સૈફ પાલનપુરીની અદ્ભૂત રચના,

શાંત ઝરૂખે, 

વાટ નીરખતી રૂપની રાણી જોઈ હતી, 

મેં એક શહજાદી જોઈ હતી. 

ઝરૂખો, કેવું સુંદર મધુર નામ. તમે સૌને આરપાર જોઈ શકો પણ તમે કોઈને ના દેખાવ એવું પણ બને. 

ઝરૂખો એટલે એનું સ્થાન ઉપર હોય, ક્યાંક વળી એમ પણ કહેવાય કે આભને ઝરૂખેથી. એની બાંધણી, કોતરણી અને રંગરોગાન પરથી એના માલિકની રહેણીકરણીનો અંદાઝ આવી જાય. 

સુલભા દવે, આઝાદી ના થોડા વર્ષો પહેલા જન્મેલા એક સન્નારી. આપણો દેશ ત્યારે ઘણા રિવાજો - કુરિવાજોથી પીડાતો. પણ પરિવર્તનની લહેરખી જનમાનસમાં ધીરે ધીરે પ્રવેશ કરવા માંડી હતી.

સુલભા, ખુબ રૂપાળી પણ જન્મતાની સાથે જ એની માતાનું મૃત્યુ થયુ એટલે એના કપાળે એક નાલેશીભરી ટીલી લાગી ગઈ --- બૂંદિયાળ.

પતી ગયું, હવે એના પિતાની ઈચ્છા હોય તોયે એમના માઁ આગળ એમનું કશું ચાલે નહિ. દાદીએ પોટલું- એમના વેવાણ, એટલે કે સુલભાની નાનીને આપતા કીધું કે લો તમે એની સારી સંભાળ રાખી શકશો. દીકરી ની દીકરી -- નાની કઈ થોડા પોતાના કાળજાના ટુકડાના ટુકડાને દૂધ પીતી કરે ? બાથમા લઈને ભારે હૈયે ઘરે આવ્યા, સંયુક્ત કુટુંબમાં એમના નાનાની બીકે એનો ઉછેર સારો થવા મંડ્યો પણ એક તો એનું રૂપ અને બીજું એના માથેની કાળી ટીલી, ' બૂંદિયાળ' એનાથી સૌ બીતાં.

કોઈ કુંવારાની માતા તો એનો સ્વીકાર કરે એમ નહોતી પણ એક મોટી ઉંમરના નિઃસંતાન વિધુર સાથે એનું સગપણ નક્કી થઈ ગયું. ૧૭મે વર્ષે એને પરણાવી દેવાઈ. જાણે કે સાપનો ભારો ઓછો કર્યો. 

એ જમાનામા સ્ત્રીઓને પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ તો હતું જ નહિ. પાંખો તો હોય પણ એ માત્ર ફફડવા માટે જ. ઊડવાં માટે થોડી ખુલી શકે ?

થોડો સમય જતા સુલભા એક દીકરીની માતા બની. નામ રાખ્યું, મીનળ. પતી મોટી વયના હતા એટલે મીનળ સાત વર્ષની થતાંજ પરલોક સિધાવી ગયા. 

સુલભા પર તો આભ તૂટી પડ્યું. ‘બૂંદિયાળનું’ ટીલું તો હતુ જ પણ હવે એને પોતાની અને પોતાની દીકરીને ઉછેરવાની જવાબદારી આવી ગઈ. વારસામાં એક ત્રણ માળનું સુખી કહેવાય એવું ઘર અને એમાં એક નકશીદાર પચરંગી ઝરૂખો. થોડીઘણી બચત હશે. પણ એ કંઈ આખો જન્મારો તો ન જ ચાલે અને એમાં ઉપરથી આ વેરી રૂપ. એ જમાનામાં ભણતર જેવું કઈ ખાસ હતું નહિ. અને હવે કોઈ સથવારો ન હોવાથી એનું સૌંદર્ય જ એનું દુશ્મન બનતું જતું હતું. શું કરે ? કંઈ જ સૂઝતું ન હતું.

એના પતિના મિત્રે પોતાની નાટકની કંપનીમાં એક નાનકડો રોલ આપ્યો અને એમ એના નવા જીવનની શરૂઆત થઈ. સમય અને સંજોગોએ એને ઘડવા માંડી. સાથે સાથે એક જ ધ્યેય, મીનળનો ઉછેર. મને જીવનમાં જે પણ કંઈ તકલીફ પડી એ મારી માઁ ન હોવાથી. હું મીનળને કોઈ તકલીફ પાડવા નહિ દઉં. મારા જીવનમાં જે પણ કંઈ કમીઓ અને ખામીઓ હતી એનો પડછાયો પણ હું મીનળ પર નહિ પડવા દઉં. 

કામ હતું, પૈસા પણ હતા અને .................... શોષણ પણ હતું. શું કરે ? મજબૂરી હતી. પણ મીનળને એ આ કાદવથી દૂર રાખવામાં એ સફળ થઈ હતી. 

અને મીનળ......'એ પોતાની માઁ ની પ્રગતિ, એનો સાજ- શણગાર મોડી રાત સુધીની પાર્ટીઓ વગેરે જોઈને રોમાંચિત થઈ જતી પણ એને એ ન સમજાતું કે માઁ એને કેમ આ બધાથી દૂર રાખતી ?

એણે ઘણીવાર સુલભાને, પોતાના ઘરના ઝરૂખે મોડી સાંજ સુધી, એક ગ્લાસમાં કૈક પીતાં પીતાં, કોરી આંખે આકાશને એકીટશે નિહાળતી જોઈ હતી. એને ઘણીવાર થતું કે માને પૂછું કે, માઁ તને કંઈ દુઃખ છે ? પણ એ હિંમત ન કરી શકતી. મીનળને એણે જિંદગીમાં કંઈ ખોટ આવવા દીધી નહોતી એટલે મીનળ પણ પૂછવા અસમર્થ હતી.

મીનળને ગ્રેજ્યુએટ બનાવ્યા પછી એક બેન્કમાં નોકરી અપાવી દીધી. જેથી એને એ પગભર રહે અને જીવનભર કમાણીની ચિંતા ન રહે. સમય જતા મીનળને એની બેન્કમાં કામ કરતા સોહમ સાથે પ્રેમ થઈ ગયો. સોહમના માતા-પિતા ગામડે રહેતા.બહુ સાલસ હતા. બંનેના પ્રેમનો સ્વીકાર થયો અને ઘડિયા લગ્ન લેવાયા. મીનળ સાસરે ગઈ.

સુલભા ----- ફરી પછી એકાંતમાં સરી પડી. બધું જ યંત્રવત લાગતું. પણ એના જીવનનુ આધાર - એનો ઝરૂખો અને એની અનિમેષ યાત્રા. સાંજથી મોડી રાત્રી સુધીના બદલાતા સંધ્યાના રંગને એકીટશે નિહાળવા અને એનાથી પોતાને જીવનમાં સામ્ય જોવું. હવે તો નિત્ય ક્રમ થઈ ગયો હતો. 

થોડો સમય જતા પાછા સુલભાના જીવનમાં એક નાનકડી વાદળી વરસી. મીનળે એક પરીને જન્મ આપ્યો .નામ રાખ્યું મેઘલ. અને સુલભા રોમાંચિત થઈ ગઈ. એના સૂના જીવનમાં જાણે કે એક મેઘધનુએ પ્રવેશ કર્યો. એનું રોમ રોમ પુલકિત થઈ ગયું. એ નાની બની ગઈ અને એને એના નાની યાદ આવી ગયા. કેવો સમન્વય અને કેવું જીવન. એક-એક કડીથી જોડાયેલું. એ વિચારતી.

મીનળ અને સોહમ બંને બેંકમાં નોકરી કરતા એટલે મેઘલને ઉછેરવાની અને સાચવવાની જવાબદારી લઈ શકે એમ નહોતા. સોહમના માતા પિતાને ગામડેજ ગમતું. ઘણીવાર આવ-જા કરે પણ એમને શહેરની રહેણી કરણી ફાવતી નહિ, વળી ગામડે ખેતી પણ સારી અને ઘરો પણ મોટા તો એ લોકો અહીં કાયમ રહી શકે એમ ન'તા. હા એમણે મેઘલને ગામડે લઈ જવાની તૈયારી બતાવી પણ સોહમને એ મંજૂર ન હતું.

સુલભાબેન સમજી ગયા કે મેઘલની જવાબદારી એમણે લેવાની છે. અને આમ પણ એમના જીવનની સંધ્યાએ, એક પરીમાં એમને પોતાનું બાળપણ જોવા મળે તો એવો સુંદર મોકો એ શા માટે છોડે ? અને કમળામાસી-- એના સદાના સંગાથી જે વર્ષોથી એમના ખાવા- પીવાથી માંડીને દરેક જરૂરિયાતનું ધ્યાન રાખતા એમનો સાથ પણ ખરોને. સોમથી- શુક્ર મેઘલ નાની પાસે રહે ને શનિ-રવિ મમ્મી પપ્પા સાથે. એટલે એનો ઉછેર સારો થાય અને એણે જીવનમાં કોઈની ખોટ ન સાલે. આ ગોઠવણ બધાને ફાવી ગઈ.

ધીરે ધીરે મેઘલ, મોટી થતી ગઈ. મેઘાવી તો હતી જ અને દરેક કલાઓમાં પારંગત થતી ગઈ. સુલભાનાનીના હાથ નીચે એનો સર્વાંગી વિકાસ થવા માંડ્યો. કો'ક શનિ રવિ મેઘલ એના મોમ-ડેડ ને ન મળવાની હોય ત્યારે નાની એને પોતાના ખોળામા બેસાડીને ઝરૂખે બેસે અને એને પંચતંત્રની વાર્તાઓ કહે. અને મેઘલ એક નવી કલ્પનાશીલ દુનિયામાં પ્રવેશ કરે. આ રીતે મેઘલ પણ ઝરૂખાને માણતી થઈ ગઈ. એ એટલું સમજી ગઈ કે ઝરૂખામાં બેસતાં જ બહારની દુનિયાના રંગો કેવા સ્પષ્ટ દેખાય છે.  

આમ ને આમ મેઘલ સોફ્ટવેર એન્જિનયર થઈ ગઈ. પછી બે વર્ષ એમબીએ કરવા પરદેશ ચાલી ગઈ. માતા -પિતા બંને બેન્કમાં એટલે લોનની વ્યવસ્થા થઈ ગઈ. બે વર્ષે પછી આવી ત્યારે એને પરદેશની ઘણી હવા લાગી ચુકી હતી. એ આજની પેઢીનું સંતાન હતી. છોકરા- છોકરીની સમાનતાના ગુણગાનમાં છોકરીઓ સ્વચ્છંદી થતી જાય છે. 

વાહય નોટ ? જો છોકરો ૧૨ વાગ્યા સુધી ઘરની બહાર રહી શકે તો છોકરી કેમ નહિ ? 

જેન્ડર ઈનઈક્વાલિટી બીજું શું ? 

બે પેઢીનું અંતર વધતું ચાલ્યું. આજના માતા-પિતાની આ બહુ મોટી વિડંબણા છે. બાળકોના મિત્ર બનવામાં એ લોકો રીતસર બાળકોની લાગણીઓના ગુલામ થઈ જાય છે. આપણે આપણા માઁ- બાપ સાથે દલીલો કરી ન શકતા. અને આ લોકોની દલીલ આગળ આપણું કંઈ ચાલતું નથી.

મેઘલને એક મલ્ટી-નેશનલ કંપનીમાં ઉચ્ચ હોદ્દા પર જોબ મળી ગઈ. પાંચ આંકડાનો પગાર.એક છોકરીને બીજું જોઈએ શું ? ઘરનું ઘર, કોઈ ચિંતા કે જવાબદારીઓ નથી. ઘરે માઁ-બાપ રાહ જોવે અને ઓફિસે એના કલીગ્સ. 

થોડો વખત થયો એટલે સોહમે, એના ડેડે એના લગ્નની વાત કાઢી. બેટા હવે જીવનમાં સેટલ થવાનો વિચાર કરો. તું હા પડે તો અમે તારે માટે સારો છોકરો શોધી કાઢીએ અને તને જો કોઈ પસંદ હોય તો તું અમને જણાવ. 

સોરી ડેડ હું લગ્ન કરવા માંગતી નથી. મને કોઈના અંડર રહેવું નહિ ગમે. મારી પાસે સક્સેસફુલ કૅરિયર છે. સોહમ ને તો આઘાત જ લાગ્યો. અને મીનળ પણ અવાચક થઈ ગઈ. 

કેમ બેટા ? મીનળે પૂછ્યું.

કેમ ? નાની એકલા નથી રહેતા ? અને મીનળને એક ધક્કો લાગ્યો. હેં ? આ શું બોલે છે તું ? નાની અને તારી જિંદગી અલગ છે. એ એમની ઈચ્છાથી અલગ નથી રહ્યા. સંજોગોએ એમને એકલા કર્યા હતા. 

પણ, મેઘલ પર કોઈના શબ્દોની કોઈ અસર ના થઈ. નાની પણ મૂંઝાયા કે મારી પરવરીશ આવી હતી ? 

સફળતાનો નશો ખુબ ધીમે પગલે આવે છે તમને બરબાદ કરવા પણ તમે એનાથી સાવ જ અજાણ હોવ છો. 

એક દસકામાં જ નાની, ડેડ અને મોમે સાથ છોડી દીધો. મિત્રો બદલાતા ગયા.

ન બદલાયા તો કમળામાસીની વહુ વનિતાબાઈ અને .... અને એનો ઝરૂખો. જીવનભર જેણે નાનીની એકલતાને પોષી એ હવે કદાચ મારી એકલતાને પણ ................. 

એવું વિચારીને મેઘલ હીબકે ચઢી.


Rate this content
Log in

Similar gujarati story from Drama