Varsha Vora

Tragedy Inspirational

4.7  

Varsha Vora

Tragedy Inspirational

હાથના કર્યા હૈયે વાગ્યા

હાથના કર્યા હૈયે વાગ્યા

9 mins
334


હિરેન એક ખુબ સુખી ઘરનો છેલબટાઉ યુવાન. સાવ બગડેલો નહિ પણ સહેજ વંઠેલો તો કહેવાય જ. ચાંદીની ચમચી સાથે લઈને જન્મેલા વર્ગમાં આ ભાઈનો નંબર ઘણો આગળ આવે.

બાપા - સોરી પપ્પાજી, નાના હતા ત્યારે એમના બાપાજી જોડે ગામડેથી અહીં મુંબઈ સ્થાયી થયેલા. એ જમાનામા, અત્યારે જેવું વિદેશ જવાનું અને સેટલ થવાનું ચલણ છે એમ મુંબઈ આવવાનું ચલણ હતું. અને મોહમયી મુંબઈ નગરી જાણે પુચ્છ વિનાની મગરી કહેવાતી, પણ સૌને પોતાનામાં સમાવવા હમેંશા આતુર રહેતી. હા શર્ત એટલી કે કોઈ પણ કામમાં પાછીપાની નહિ કરવાની અને દાનત સારી રાખવાની નહિ તો અહીંયા લપસવાના ઘણા ચાન્સ છે. ખેર એ જમાનામાં લોકો સમાજ અને ભગવાન બંનેથી ડરતા અને મહેનત અને પોતાના કર્મમાં વિશ્વાસ રાખીને આગળ ચાલતા. ધ્યેય, મહેનત અને નિષ્ઠા જેની પાસે છે એને આગળ વધતા કોઈ રોકી શકતું નથી. હિરેનના પપ્પા જયેશભાઈને આ બધા ગુણો એમના બાપાજી બાબુલાલભાઈ પાસેથી વારસામાં મળ્યા હતા. એમની પાસે પણ જીવનમાં આગળ વધવાનું અને બાપાજીએ જે વસાવ્યું છે એમાં ઉમેરો કરવાનું ધ્યેય હતું એટલે તેઓ ખંતથી, ધીમે પણ મક્કમ પગલે એમના જીવનમાં આગળ વધી રહ્યા હતા.

પણ આજની પેઢી, બધું જ વારસામાં તૈયાર મળ્યું હોય ત્યાં ધ્યેય કે લક્ષ્ય શું હોય. અને ખંત ક્યાંથી આવે ? હા, અપવાદરૂપ સંતાનો હોય છે પણ માત્ર સાચવવાનું હોય ને, તો એમાંય ઘણી નિષ્ઠા જોઈએ પછી એ ધંધો હોય કે સંબંધો.

સમાજમાં જાણીતા અને જાહોજલાલીવાળા પરિવારમાં જન્મ થયો'તો એટલે યુવાન થતાંજ આપણા હિરેનભાઈને માંગા આવવાની શરૂઆત થઈ ગઈ. દીકરીઓના માતા-પિતાને તો આવું ઘર અને આવો વર એવી ખેવના હમેંશા રહેતી હોય એ સ્વાભાવિક છે. અને એમાં કશું અજુગતું પણ નથી. કયા માં- બાપ પોતાની દીકરી સુખી થાય અને એશો આરામમાં જિંદગી વિતાવે એવું ન ઈચ્છતા હોય ?

રૂપા, એક જાણીતા વેપારીની સુખી ઘરની દીકરી. માતા પણ સુશીલ અને ઠરેલાં. એટલે એમનું કુટુંબ સંસ્કારી અને ખાનદાન ગણાય. હા માતા નયનાબેન અને પિતા નરેશભાઈએ ભણતરની સાથે સાથે આધુનિક કેળવણી, જેમ કે દરેક બાળકોને પોતાની ઈચ્છા મુજબ પોતાની હોબી અને એક્સટ્રા એક્ટિવિટી પણ કરવા દીધી હતી. એટલે નરેશભાઈના ત્રણે સંતાન રૂપા, વિજય અને કૃપા પોતપોતાના વિષયમાં પારંગત. ટુંકમાં ભર્યું ભાદર્યું કુટુંબ દાદા દાદીનો સ્નેહ અને મમતાથી સંયુક્ત કુટુંબમાં ઉછરેલા રૂપાબેનને, જયેશભાઈએ પોતાના દીકરા હિરેન માટે પાસ કરી અને હિરેનનું માંગુ નાખ્યું. બંને કુટુંબમાં વાતચીતોનો દોર શરુ થયો મુલાકાત ગોઠવાઈ. રૂપાને જોઈને હિરેનને તો જાણે બગાસું ખાતા પતાસું મળ્યું હોય એવું લાગ્યું. અને એણે તો તરત જ પોતાની હામી ભરી દીધી. હંમેશા, ભાઈબંધ, દોસ્તારોમાં અટવાયેલો હિરેન હવે પરણવાનો. દોસ્તોય ખુશ થઈ ગયા. રંગે ચંગે લગ્ન પાર પડ્યા અને રૂપાબહેન એમના સાસરે આવી ગયા. મોટું કુટુંબ એટલે આશરે દર શનિ રવિ પાર્ટીયોનો દોર ચાલુ હતો. બધેથી લગભગ એકજ સૂર ઉઠતો, હિરેન તું તો ખાટી ગયો યાર, રૂપાભાભી તો ખરેખર રૂપરૂપના અંબાર છે. આવડત અને હોશિયારીમાં પણ કોઈ ન પહોંચે. એ વખતે આ વાત સાંભળીને પોરસાતો હિરેન, રૂપા માટે ખુબ ગર્વ લેતો પણ અનાયાસે એના મનમાં ઈર્ષાનું એક અંકુર જન્મ લેવા માંડ્યું હતું. જેનાથી એ અત્યારે તો છેક જ અજાણ હતો.

હિરેન,નરેન અને નાની બેન સીમા ત્રણે ભાઈ બહેનની ત્રિપુટી કાયમ આનંદમાં રહેતી અને હવે રૂપા પણ એમાં જોડાઈ ગઈ હતી. લગ્ન પછી હિરેન થોડો ઠાવકો થવા મંડ્યો હતો, ધંધામાં એણે પોતાનું ચિત્ત પરોવવા માંડ્યું. એના પપ્પા અને બાપાજી ખુબ ખુશ થયા. આ બધું રૂપાને પગલે થયું એવું એ લોકો કાયમ ઘરમાં બોલતા રહેતા. રૂપા પણ ફેશન ડીઝાઈનર હતી અને એનું નાનું બુટિક હતું. કાયમી કલાએન્ટ્સ હતા અને કોક કોક વાર એક્સહિબીશનમાં પણ સ્ટોલ રાખતી. ટૂંકમાં દરેકને પોતાનો અવકાશ અને નહિવત જવાબદારીઓ એટલે એમનો સંસાર સુખરૂપ ચાલતો હતો. બે વર્ષે રૂપાએ પોતાની પહેલી દીકરી નિરાલીને જન્મ આપ્યો. દીકરી એટલે પરી એમ અમસ્તા જ નહિ કહેવાતું હોય. નિરાલી ઘણા અર્થમાં નિરાળી હતી. બા- બાપાજીને તો ચોથી પેઢી જોવાનું સદ્ ભાગ્ય સાંપડ્યું એટલે એ સાતમા આસમાનમાં વિહરવા લાગ્યા. તાજાતાજા દાદાદાદી બનેલા જયેશભાઈ અને જાગૃતિબેનના હૈયામાં પણ હરખ માતો ન હતો. ચાચુ નરેન અને ફીયા સીમા પણ ખુશ ખુશ. સૌથી વધુ આશ્ચર્ય તો હિરેન અનુભવતો હતો. પોતાની લિટલ એન્જલને જોઈને. અને નિરાલી, મોટા કુટુંબમાં બધાને હાથે ઘડાતી ગઈ. નાના-નાની નો પણ બહુ સાથ. બધું સુખરૂપ ચાલતું હતું. રૂપા પણ ઉત્તરોઉત્તર પ્રગતિ કરતી હતી. એના સાસરી અને પિયરમાં એક પછી એક બધા સેટલ થવા માંડ્યા હતા. બરાબર દસ વર્ષે રૂપાએ બીજી પુત્રીને જન્મ આપ્યો. ખુશી એનું નામ પડ્યું. ખુશીના આગમનથી સૌ ખુશ થયા કારણકે નિરાલી એન્જિન ડ્રાઈવર હતી તો ખુશી ગાર્ડ. બાકીના ભાઈ બહેનો વચ્ચે આવી જતા હતા. એટલે બા- બાપાજીની છુક છુક ગાડી ચાલી પડી હતી.

સમય જતા અને સંસારમાં સભ્યો વધતા બધાએ મને ક-મને છુટા પડવું પડે છે. બધાનો પ્રેમ અને સંપ રહે માટે જયેશભાઈ અને જાગૃતિબહેને ધંધામાં અને ઘરમાં નોખા થવાનો પ્રસ્તાવ મુક્યો. હિરેન અને રૂપાએ હવે બીજે રહેવા જવાનું હતું. નરેનનો આગ્રહ હતો કે એ માતાપિતા સાથે જ રહેશે. હા વારે - તહેવારે સૌએ ભેગા થવાનું અને હિરેને એના મમ્મી પપ્પાને પોતાને ઘરે પણ રહેવા આવવું પડશે એવું વચન માંગ્યું. જે સ્વીકારાયું. સૌ સુખરૂપ છુટા થયા.

માં-બાપનો સહેવાસ અને સંયુક્ત કુટુંબની હૂંફમાં ઘણા અવગુણો દટાઈ જતા હોય છે અથવા જન્મજ નથી લેતા હોતા. પણ એકાએક જવાબદારીઓ આવી જવાથી ઘણા અસંતોષ સામે આવે છે. અને એ જ અસંતોષ આપણા સુષુપ્ત મનમાં પડેલા ઈર્ષાના અંકુરને પોષવાનું કામ કરે છે. નિરાલી અને ખુશી પોતાના ભણતર અને ઈત્તર પ્રવૃતિઓમાં બીઝી થઈ ગઈ હતી અને રૂપા એના કામમાં ગળાડૂબ રહેતી. બધા ઘડિયાળના કાંટાને અનુસરતા. આ મહાનગરની આ જ ખાસિયત છે. એ પૈસા ખુબ કમાવી આપે પણ તમારા સમયનો ભોગ લઈ લે છે. હવે હિરેનને એકલતા સાલવા મંડી હતી. મમ્મી-પપ્પા સાથે વાતો કરવા ટેવાયેલો હિતેન એકલો પડવા માંડ્યો. પાછી શનિ રવિની પાર્ટીઓનો દોર ચાલુ થયો. બે - ત્રણ અલગ અલગ ગ્રુપ્સ એટલૅ ક્યાં પોતાને ઘરે પાર્ટી હોય, ક્યાં બીજાને ઘરે અને ક્યાં બહાર જવાનું થાય. કશું અજુગતું નથી બધાને પોતાના રૂટિનમાં થોડો ફેર તો જોઈએ જ. રૂપા પણ યથાયોગ્ય સાથ આપતી રહેતી. પણ ગમે ત્યાં જાઓ રૂપાની ડ્રેસિંગ સેન્સના વખાણ તો હંમેશા થાય સાથે સાથે એના એટીટ્યુડ પણ વખણાય. જે સ્ત્રીઓની ઈર્ષાનું પણ કારણ બનતી. એમાંયે કોક પેટનો બળેલો, બીજે દિવસે હિરેનની કાનભંભેરણી કરે. હિરેન, રૂપાને તું દાબમાં રાખજે નહી તો હાથમાંથી છૂટી જશે. અને હિરેનના મનમાં રોપાયેલ ઈર્ષાના બીજને ખાતર મળવાનું ચાલુ થયું. એણે એક બે વાર રૂપાને એનો બિઝનેસ બંધ કરવાની રિક્વેસ્ટ કરી જોઈ. રૂપાનું કહેવું હતું કે એટલો જમાવેલો બિઝનેસ છે અને હવે તો નિરાલી પણ એજ દિશામાં આગળ વધી રહી છે તો બે ચાર વર્ષ મહેનત કરી લઉ ? રૂપાની વાત તો એકદમ વ્યાજબી હતી વળી રૂપાએ આજ સુધી એવું કોઈ કારણ ન આપ્યું હતું કે એના પર જોર કરાય. માનવું હોય તો ખુબ સારી જિંદગી હતી હિરેન પાસે, પણ પુરુષનો ઈગો અને ઈર્ષા અને પુરુષ જ શું કામ? કોઈ પણ વ્યક્તિ જો પોતાના ઈગો અને ઈર્ષાને પોષે રાખે ને તો પરિણામ તો નકારાત્મક જ આવે. કોઈ કોઈ વાર એકલતા સતાવે તો પોતાના માટે કોઈ નવી પ્રવૃત્તિ ક્યાં નથી શોધી લેવાતી ? એણે પણ કૈક એવું કરવું જોઈતું હતું.

એના સુખી સંસારમાં થોડીક અણસમજે એન્ટ્રી મારી દીધી હતી. રૂપા સમજતી હતી પણ જતું કરતી હતી. પણ નિરાલી -- નવા જમાનાનું આઝાદ પંખી, એ સ્ત્રીઓએ પુરુષનું આધિપત્ય સ્વીકારવું જોઈએ એવું માનતી નહોતી. નાના નાના આર્ગ્યુમેન્ટ્સ ધીમે અને મક્કમ પગલે ઝઘડાનું રૂપ ધારણ કરવા મંડ્યા હતા. વાત ઊડતી ઊડતી જયેશભાઈ અને જાગૃતિબેનને મળી હતી. એ બંન્ને થોડા દિવસ માટે હિરનના ઘરે રહેવા આવી ગયા. ઘરનું વાતાવરણ કૈક અલગ અંદેશો આપી રહ્યું હતું. પણ એ બંને એટલું સમજી ગયા હતા કે આ તબ્બકે હિરેનને સમજાવાનો પ્રયત્ન કરવાનો કોઈ અર્થ ન હતો. કદાચ કઈ કહેવા જઈશું તો પણ હિરેન છંછેડાઈ જશે. ખૂબ જ નાજુક પ્રશ્ન હતો અને બહુ સાવચેતીથી કામ લેવાની જરૂર હતી, એમણે રૂપાને કહ્યું કે તું એક મહિના માટે તારે પિયર જતી રહે. કઈ તબિયતનું બહાનું કરી લે. અમે અહીં રહીશુ અને હિરેન સાથે નિરાલી અને ખુશીનું પણ ધ્યાન રાખીશું. ઘણીવાર એક સામટો સહેવાસ પણ ઈર્ષાનું કારણ બની શકે. થોડો વખત દૂર રહીએ તો એકબીજાની મહત્તા સમજાય. ખુશી નાની હતી પણ નિરાલીએ દાદાદાદીની યોજનામાં સહમતી આપી. રૂપા મેનોપોઝ બહાનું કાઢીને પિયર રહેવા ચાલી ગઈ.

ઘરમાં બધું જેમ ચાલે છે એમ ચાલતું હતું. પણ યંત્રવત. પણ એકલો હિરેન પડ્યો હતો. એને રૂપાની ગેરહાજરી સાલવા માંડી. પણ બોલાય તો નહીંજ ને. મહિનાની વાત હતી. પછી એન મમ્મી પપ્પા બે મહિનાના ફોરેન ટુર પર જવાના હતા. હવે થાય શું ? પોતે જ પોતાના પગે કુહાડો માર્યો હતો. રૂપાના જવાથી ઝઘડાનું પણ કોઈ કારણ મળતું ન હતું. આઉટિંગ પણ લગભગ બંધ હતું. મહિના પછી રૂપા પાછી આવી. અને એક અઠવાડિયા પછી એના સાસુ સસરા પોતાને ઘરે પાછા ગયા. એમની ફોરેન ટુરની તૈયારી કરવા.

એના ભાઈ નરેન અને બહેન સીમાએ એના ભાઈભાભીના સંસારમાં પડેલી તિરાડને પુરવાનો પ્રયત્ન કરી જોયો. થાકીને નાનો ભાઈ નરેન બોલ્યો, ભાઈ તમારે દુનિયા સામે ભાભીને ખભે હાથ મુકીને સધિયારો આપવાનો હતો કે તું આગળ વધ હું તારી સાથે છું ને. તને કોઈ કઈ નહિ કહે. એણે બદલે તમે તો ઊંધું કરી નાખ્યું. આટલા આધુનિક જમાનામા ઉછરેલા તમે આટલા જુનવાણી કેમ નીકળ્યા ?

થોડા દિવસ બધું સુખરૂપ ચાલ્યું અને પછી એ જ રગશિયા ગાડાં જેવી જિંદગી ચાલુ થઈ ગઈ. હિરેન, રૂપાને બુટિક બંધ કરવા રોજ મહેણાં મારે. રૂપા અસમંજસમાં પડી જતી. કે હવે કરવું શું ? બુટિક તો બહાનું હતું. હિરેનને રૂપાને ગમ્મે એમ ઘરમાં બેસાડી રાખવી હતી. જેથી એનો પ્રોગ્રેસ રોકાય અને એ સામાન્ય ગૃહિણી બનીને રહી જાય. રૂપાએ ટાઈમ બદલ્યો. હિરેન જાય પછી જવાનું અને એ આવે એ પહેલા પાછા આવી જવાનું એટલે ક્લેશ ના થાય. રૂપાનું માનવું હતું કે આ નવી વ્યવસ્થાથી બધું સચવાઈ જશે.

પણ હિરેનનું શું માનવું હતું ? જે સમજે નહિ એ શું માનવાના. હવે તો નાની દીકરી ખુશી પણ સમજી ગઈ હતી કે એના ડેડ ગુડ ફોર નથીંગ છે. એ લોકો એમને ઈગ્નોર કરવા મંડ્યા. આ સંજોગોની વિપરીત અસર હિરેનના ધંધા પર પણ પાડવા મંડી. આમ જોઈએ તો જિંદગીમાં કશુંજ ખૂટતું ન હતું. માત્ર અને માત્ર સત્યનો સ્વીકાર જ કરવાનો હતો. પણ એ બહુ આકરું છે હોં.

પોતાની અવહેલનાએ એને એટલો નબળો બનાવી દીધો કે પોતાની આપસૂઝ પણ ખોઈ બેઠેલો. અને એમને એમ એમાં એક દિવસ પોતાને ઘરે પાર્ટીમાં બધાની વચ્ચે રૂપાને એક લાફો ઝીંકી દીધો. કેમ તો કહે કે રૂપાથી એક પ્લેટ તૂટી ગઈ. રૂપા અને બીજા બધા અવાચક બની ગયા. હવે વધારે અપમાન સહેવાની રૂપાની તાકાત રહી ન હતી. એ બંને દીકરીઓને લઈને ઘર છોડીને પિયર જતી રહી.

હવે તો ઓફિસીયલી જાહેર થઈ ગયું કે હિરેન અને રૂપા એક સાથે નથી રહેતા. તમાશાને તેડું ન હોય. લોકોમાં ઝીણીઝીણી ચણભણ શરુ થઈ ગઈ. જોકે રૂપા અને એની દીકરીઓ આ સંજોગોનો સામનો કરવા સક્ષમ થઈ ગઈ હતી. અને આતો નવો જમાનો છે. જેમાં વારા પછી વારો, તારા પછી મારો એ ચાલવાનું જ છે. લોકોમાં સ્વીકાર અને સહનશક્તિ ક્યાં છે. દીકરીઓને ગમે એટલું ભણાવો પણ આ પુરુષપ્રધાન સમાજમાં દીકરીઓને નાનપણથી જ સેકન્ડ સિટીઝન માનવામાં આવે છે. એટલે હજુ જૂની ઘરેડમાંથી બહાર આવતા સમય લાગશે. પણ દીકરી જયારે વહુ બને ત્યારે એની આવડતનો સંપૂર્ણ અનાદર તો ન જ કરાય ને ? 

હિરેનના એકલા પડતા જ જેમ મધપૂડામાંથી મધ ખાલી થયું હોય એમ એક પછી એક દોસ્તો, સંબંધો છૂટવા મંડ્યા. રોજબરોજની જરૂરિયાત કામવાળાથી અને પગારદાર માણસોથી સંતોષાતી હતી

પણ, મનની એકલતા, લાગણીની જરૂરિયાત એ કોણ પુરી કરે ? પોતેજ પોતાને પગે કુહાડી મારી હતી. હવે શું થાય ? હા, પસ્તાવાનું ઝરણું પુરા વેગથી એના મનમાં વહેવા માંડ્યું હતું પણ પેલી સજ્જડ માન્યતા અને ઈર્ષાના બીજને ઉખેડવાનું એમ સાવ સહેલું તો નહોતુંજ. આ બાજુ રૂપા પણ હવે જીવનમાં આગળ વધવા માંડી હતી. એની પાસે ધ્યેય હતું. પોતાની દીકરીઓને ઉછેરવાનું અને એ પોતાની ફરજ ખુબ સુંદર રીતે બજાવતી હતી. એને હવે પાછા વાળીને જોવું ન હતું.

એક નાનકડી ઈર્ષાના બીજે પોષણ પામીને એક સુંદર હરોભર્યો બાગ વિખેરી નાખ્યો. જેમ સત્યુગમાં રામાયણમાં પણ રામ, પુરુષોત્તમ હોવા છતાં એક શંકાએ સીતાનો ત્યાગ કરવા લાચાર થયા એમ જ આજના કળિયુગમાં હિરેન પોતાનું પ્રમાણભાન ભૂલીને એકલો પડ્યો. હવે શું થાય. એના જ હાથના કર્યા એને હૈયે વાગ્યા હતા.                                                                    


Rate this content
Log in

Similar gujarati story from Tragedy