Varsha Vora

Comedy

4.5  

Varsha Vora

Comedy

રામાની રામાયણ

રામાની રામાયણ

3 mins
284


કામવાળો- એક પુરુષ, જેના વગર ગુજરાતી ઘરની એકેય શેઠાણીને ચાલે નહિ. આજથી ૪૦-૫૦ વર્ષ પહેલા આ કોમની કોઈ સ્ત્રીઓ લોકોના ઘરકામ ન કરતી. એમને બહાર કામ કરવા જવાની છૂટ ન હતી. એટલે કામવાળા બધા પુરુષ જ હતા. જુવોને ટીવીની સિરિયલોમાં ય રઘુકાકા અને રામુકાકા જ બતાડ્યા છે ને.

સારો કામવાળો મળે એ સ્ત્રી મનથી ખુબ શ્રીમંત ગણાતી. કદાચ કુંડળીમાં પણ એકાદ ખાનું આ રાજયોગ માટે હશે જ.

રવિવારની બપોર -- શુષ્ક.

આખું બિલ્ડીંગ આરામ કરતું હતું અને કદાચ રસ્તો પણ ઝંપી ગયો હતો. અને હું બારીમાં ઊભી ઊભી રાહ જોતી હતી. મારા વરજીને રવિવારે હાફ ડે હોય એટલે ભર બપોરે ઘરે આવે.... 

લે તમે પણ થાપ ખાઈ ગ્યા’ને ? હું રાહ તો મારા વરજીની જ જોતી હતી. એ તો ચોક્કસ બે અઢી વાગે આવે જ. પણ આજે તો હું બેબાકળી બનીને રાહ જોતી હતી મંગેશની..

મંગેશ-- મારો કામવાળો, રામો. હંમેશા મંગળ ગ્રહની જેમ લાલ રંગનું શર્ટ જ પહેરે. 

એટલામાં વરજીની બાઈક આવી..... બારીમાં બબલી-- એટલે કે મને જોઈને એમનું હૈયું હરખાયું. રવિવારની ભર બપોરે જમવા માટે પતિની રાહ જોતી પત્ની ખરેખર સંસ્કારી કહેવાય. મનોમન વિચારતા હશે કે, ' હું ખુબ ભાગ્યશાળી છું'. ઉપર આવ્યા, મેં બારણું ખોલ્યું. માં બાપ જમીને આડે પડખે થયેલા.' ભઈ આઈ ગયો ?' બાપા ઉવાચઃ ...હા કહ્યું એટલે બાપા પાછા પડખું ફર્યા.

અંદર બેડરૂમમાં બાળકો જમીને સૂઈ ગયા હતા. અને પત્ની જમવાની બાકી હતી એટલે પતિને પોતાનું જીવન ધન્ય ધન્ય થતું લાગ્યું. મનમાં વિચારે કે સોળ સોમવારનું વ્રત તો મારી પત્નીએ કરેલું અને ફળ મને મળતું હોય એમ લાગે છે. અલપ ઝલપની વાતચીતમાં જમણવાર પૂરો થયો. પોતે પણ બાળકો જોડે સૂવા ગયા. 

મારા માટે તો એવી ધારણા બાંધી દીધી હતી ને કે આવી ગુણિયલ પત્ની બધાને ન મળે. નક્કી મારા બધા દોસ્તારો કરતા હું લકી છું. લાગણીઓ શબ્દોમાં વ્યક્ત ન કરી, પણ બંદા -- એટલે કે હું, મનોમન હિમાલયના શિખરો એક પછી એક ચઢવા લાગી. એમની સિગરેટના એક એક કશે આપણે તો શરીરમાં ઓક્સિજન ભરતા ગયા. વચ્ચે વચ્ચે ફાલતુ સવાલોના જવાબોની આપલે થઈ. બાપા બરાબર જમ્યા ? બાએ આજે કઈ કીધું નથીને ? છોકરાઓ તોફાન કરતા હતા ? 

પણ... પતિ જેનું નામ, ગમ્મે એટલું સારું વાતાવરણ હોય ને તોય એના મનમાં કોઈ શંકાનું બીજ આકાર લેતું જ હોય.

તું કેમ સૂતી નથી? મેં કહ્યું, મંગેશ આવ્યો નથી.

અને પત્યું.

હેં ? મંગેશ આવ્યો નથી ..... એટલે ? એટલે બારીમાં તું મંગેશ માટે ઊભી હતી ? 

અને હું સમજ્યો કે તું મારે માટે ............ પોતાના ભોળપણ પર એમને ગુસ્સો આવ્યો. (કઈ શંકર ભગવાન જેવું ભોળપણ તો નથી જ, કોઈ દિવસ કહ્યું નથી માંગ માંગ, માંગે તે આપું. અને પછી તથાસ્તુઃ ) પણ ક્રોધ તો ભોળાનાથ જેવો જ...

મને થયું, કે આટલી બપોરે આ જાગે છે કેમ ? અને હું તો ખુશ ખુશ થઈ ગયો. પણ મને શું ખબર કે તું મંગેશ માટે બારીમાં ઊભી છે.

આવી બન્યું મારુ તો. 

કેટલુંય સમજાવ્યા કે રાહ તો તમારી જ જોતી હતી પણ સાથે સાથે લાલ શર્ટવાળા મંગેશની સાયકલમાં પણ ધ્યાન હતું. 

અને પછી તો શરુ થઈ એમની નારાજી.

ઘડીક પહેલા ચઢેલા હિમાલયના એક એક શિખરો જમીનદોસ્ત થતા ગયા. એક જ ક્ષણમાં આપણે તો જમીન ઉપર પટકાયા. કઈ કેટલાય હાડકા ભાંગ્યા હશે. મનમાં જ તો બધા સંજોગો એના એ જ હતા . બા-- બાપા --- બાળકો -- બપોર 

પણ આ રામાની રામાયણે તો ભારે કરી. 

તોબા તોબા

કેટલું ય સમજાવ્યા, વિંનંતીઓ કરી, પણ બધું પથ્થર ઉપર પાણી !

રામાની રાહ જોવી એ ગુનો છે ? બાનું સાંભળો, બાપાનું કહ્યું માનો, બાળકોની જિદ પૂરી કરો, વરજીની મરજી પર ચાલો. આખા ઘરમાં એક રામો જ તો છે જે આપણું કહ્યું માને છે. તો એની ય રાહ નહીં જોવાની ?

કોણ કહે છે કે સ્ત્રી જ સ્ત્રીની દુશ્મન છે ?


Rate this content
Log in

Similar gujarati story from Comedy