દિલકા હાલ સુને દિલ વાલા.
દિલકા હાલ સુને દિલ વાલા.
દિલકા હાલ સુને દિલ વાલા.
"શીર્ષક સ્ફૂરણા~
શ્રી શૈલેન્દ્ર જી ફિલ્મ શ્રી 420 રાજ કપૂર નરગીસ જી."
કચ્છના ભચાઉ તાલુકામાં આવેલું નાનકડું ગામ—અમરસર. ભૂકંપની થપાટ પછી ધૂળમાંથી ફરી ઊભું થયેલું ખમીરવંત ગામ. ગામના ધૂળિયા રસ્તાઓ, પવનમાં ખારાશ… પણ લોકોના દિલમાં મીઠાશ અને ચહેરા પર સાદગી.
એ જ ગામમાં રહેતા હતા રવિલાલ માસ્તર,ગામની એક માત્ર પ્રાથમિક શાળાના શિક્ષક.
એ અને એમનો એકલો દીકરો
સુજય રહે. થોડી ખેતી અને સ્કૂલ ની નોકરી, સંતોષ થી જીવતા જીવ.
સુજયનું સાતમું ધોરણ પૂરું થતાં જ રવિલાલ માસ્તરે એક મોટો નિર્ણય લીધો.
“મારો દીકરો અહીં નહીં અટકે…આખી દુનિયા જોશે.”
કલેજે પથ્થર રાખીને, જમીન વેચીને…સુજય માટે રસ્તો તૈયાર કર્યો.
આમ, નાનકડા અમરસરથી સુજયની સફર શરૂ થઈ,મુંબઈ શહેર તરફ.
સમય વીત્યો…
એક-બે નહીં… પૂરા વીસ વર્ષના વ્હાના વાયા .બાપુના નિધનના સમાચાર મળતાં જ, સુજય અમરસર ગામ પરત આવ્યો.
હવે તે માત્ર રવિલાલ માસ્તરનો દીકરો નહોતો.
એક સફળ હૃદયરોગ વિશેષજ્ઞ બની ગયો હતો.
પરંતુ ગામમાં પગ મુકતા જ,આજ સુધી બીજાના દિલની નબળાઈ ઠીક કરનાર સુજયનું પોતાનું હૃદય કાંપીને રહી ગયું.
તેને સમજાઈ ગયું,સમય કોઈની રાહ જોતો નથી.ના રહ્યા હવે તેના બાપુ રવિલાલ માસ્તર…ના રહી સુનયના—એની સહપાઠી.
રહી હતી તો ફક્ત—
એ જ જૂની સ્કૂલ…
અને કમ્પાઉન્ડમાં ઊભેલું બોરસલ્લીનું ઝાડ.
સાંજના સમયે સુજય એ ઝાડ નીચે ગયો.એક ઊંડો શ્વાસ લીધો.
બોરસલ્લીના ફૂલની સુગંધ સાથે યાદો ફરી તરોતાઝા થઈ જીવંત થઈ ગઈ.
સ્કૂલના દિવસો…
નટખટ સુનયનાનું મૌન…
અને એની રોજની સ્કૂલમાં અચૂક હાજરી.
તેને યાદ આવ્યું.
સુનયના ઘણીવાર ઝાડની બખોલમાં કંઈક મૂકી જતી…હતી.
પણ એ દિવસોમાં તેણે ક્યારેય ધ્યાન આપ્યું નહોતું.
આજે, જાણે સમય પોતે જ તેને બોલાવી રહ્યો હોય એમ,
સુજયે એ જ જૂની ડાળી પર હાથ ફેરવ્યો…તેની બખોલ માં સ્પર્શ થતાં ડાળીએ ઉગેલા ફૂલો સાથે—
એક ચિઠ્ઠી તેના પગ પાસે પડી.
સુજય તે ચિઠ્ઠી ખોલે છે…
પેન્સિલ થી લખેલી ચિઠ્ઠી આજેય સુડોળ હતી....
“સુજય,
તું ક્યારેય મારી ભાવના કેમ સમજ્યો નહીં…?"
હું કેમ રોજ અહીં આવું છું…?
છોકરી ની જાત ને જન્મ જાત એક મર્યાદા હોય છે.
"હું તારી સામે કંઈ કહી શકતી નથી…એટલે લાગણી ને આલખું છું…”
સુજયની ધડકન વધી, તેના હાથ પણ કંપી ઉઠ્યા.
પરંતુ તે અટક્યો નહીં.
એક પછી એક…
તે હવે આખા ઝાડ ખંગાળવા લાગ્યો…
અને એક પછી એક એમ બીજી ચિઠ્ઠીઓ મળવા લાગી.
દરેક ચિઠ્ઠીમાં એક દિવસની રાહ ની આહ … એક અધૂરી લાગણી.
“આજે તું આવ્યો નહીં… પણ હું આવી હતી…”
“મને લાગે છે તું બધું સમજતો હશે… પણ બોલતો નથી…"
“મારા ઘરે વાત મારા સગપણ ની ચાલી રહી છે… જો તું એક વાર બોલાવી લે… તો હું રોકાઈ જઈશ…”
સુજયની ગમગીન બનેલી આંખોમાંથી આંસુ ટપકવા લાગ્યા.
હવે છેલ્લી ચિઠ્ઠી હાથમાં હતી…
“કાલે હું જઈ રહી છું…
સવારે છેલ્લી વાર બોરસલ્લી નીચે ઊભી રહીશ…
જો તું આવશે… તો હું રહી જઈશ…
નહીં આવે… તો મારો પ્રેમ આ ચિઠ્ઠીઓ થકી મારો પ્રેમ વાર્તા બની જીવંત રહેશે…
— સુનયના”
સુજય જમીન પર બેસી ગયો.
વાદળ વિહોણા આકાશ તરફ જોયું…
અને મનમાં એક જ મૂંગી ચીસ.
“હું કેમ એક વાર પણ પાછો આવ્યો નહીં…”
સાંજ ઢળી ચુકી હતી…
પણ બોરસલ્લી ના ફૂલ વરસતા રહ્યા.
આજે પહેલી વાર સુજયે સજળ નયને સુનયનાની વેદના સમજેલી…અને એ જ પળોને ફરી જીવવા ઈચ્છતો રહ્યો.
બીજા દિવસે તેણે ગામમાં તપાસ કરી—
પણ સુનયના અને તેનું કુટુંબ તો વર્ષો પહેલા હિજરત કરી ચૂક્યું હતું.
થોડા દિવસ પછી, સુજયે એક નિર્ણય લીધો.સ્કૂલની બાજુમાં, બોરસલ્લીના ઝાડની છાયામાં આવેલી જૂની ઇમારત ખરીદી…
અને ત્યાં તેણે એક દવાખાનું શરૂ કર્યું.
“સુનયના હાર્ટ કેર”
હવે અમરસર ગામ ભચાઉની ઓળખ બની ગયું.લોકો પોતાના દરદ લઈને અહીં આવતા.
કોઈ છાતીના દુખાવાથી…
કોઈ ડરના ધબકારાથી…
સુજય સૌને સમજાવતો… દવા આપતો…
ડગેલા દિલોને ફરીથી ધબકતા શીખવતો.
પણ પોતાના દિલનું દરદ.
એ કોણે કહે?
દિવસ પૂરો થાય…
દવાખાનું શાંત થઈ જાય…
અને એ શાંતિમાં,
એક જૂનું દુઃખ ફરી જીવંત થઈ ઊઠે છે.
સુજય ધીમે દરાજ ખોલે છે…
સુનયનાની વીસ વર્ષ જૂની આખરી ચિઠ્ઠી બહાર કાઢે છે.
તેને છાતીએ દબાવી લે છે.
જાણે હૃદયની ધબકારા સાથે એના શબ્દો ફરી સાંભળવા માંગતો હોય.
બહાર બોરસલ્લીનું ઝાડ પવનમાં ડોલે છે…થોડા ફૂલ ખરે છે…
અને દવાખાનાની અંદર.
એક મૂંગો વિલાપ અવિરત છે .
સુજય આંખો બંધ કરે છે…
અને દરરોજ પોતાના ઘા પર એ વિલાપનો લેપ લગાવે છે.
કોઈને દર્દ દેખાતું નથી.
પણ દરરોજ,
એક ડોક્ટર
પોતે જ દર્દી બનીને
પોતાને જ સાજા કરવાની દવા શોધે છે.
અને બોરસલ્લીનું ઝાડ.
હજુ પણ ઊભું છે…
એક એવા પ્રેમની સાક્ષી બનીને,
જે "મોડો" ભલે પડ્યો…હતો
પણ તે ક્યારેય "મોળો" તો નહોતો જ પડ્યો . ✨
પકીર્ણ ~
કથા બીજ ચિંતન ~
બોરસલ્લીનું ઝાડ માત્ર એક ઝાડ નહોતું… તે સમયનું જીવંત સ્મારક હતું. તેની જૂની, પહોળી ડાળીઓ જાણે વર્ષોથી અનેક લાગણીઓનું ભાર વહન કરતી હોય એમ શાંત ઊભી રહેતી. વસંત આવે ત્યારે તેની સફેદ ફૂલોથી આખું કમ્પાઉન્ડ ઢંકાઈ જાય—જાણે કોઈએ યાદોની ચાદર પાથરી હોય. એ ફૂલોમાં એક અજાણી સુગંધ હતી, જે સીધી હૃદય સુધી પહોંચતી અને ભૂલાઈ ગયેલી પળોને ફરી જીવંત કરી દેતી. ઝાડની બખોલમાં છુપાયેલી ચિઠ્ઠીઓ, તેની છાયામાં પસાર થયેલી બપોરો અને મૌન રહેલા પ્રેમના અક્ષરો—આ બધું એ ઝાડે વર્ષોથી પોતાની અંદર સંભાળી રાખ્યું હતું. પવન આવે ત્યારે એની પાંદડીઓ ખડખડાય… જાણે કોઈ અધૂરી વાર્તા ફરીથી સંભળાવા માગતી હોય. બોરસલ્લીનું ઝાડ ત્યાં આજે પણ ઊભું છે—સમયની સાક્ષી બનીને, અને એક એવા પ્રેમને જતાવીને, જે ક્યારેય શબ્દોમાં પૂરો નહોતો ઉતરી શક્યો.
વાંચન વિશેષ
બોરસલ્લીનું ઝાડ ~એક સુગંધિત અને શાંત સ્વભાવ ધરાવતું વૃક્ષ છે, જે ખાસ કરીને ગામડાંઓ અને શાળાના પરિસરોમાં જોવા મળે છે. તેની ડાળીઓ પહોળી અને છાંયો આપતી હોય છે, જેથી ઉનાળામાં તે ઠંડકનો સહારો બને છે. બોરસલ્લીના નાનકડા સફેદ ફૂલ તેની સૌથી મોટી ઓળખ છે—આ ફૂલોમાંથી આવતી મધુર સુગંધ વાતાવરણને મહેકાવી દે છે. ફૂલ ખરે ત્યારે જમીન પર સફેદ ચાદર પથરાઈ જાય છે, જે દૃશ્યને ખૂબ આકર્ષક અને શાંત બનાવે છે. આ ઝાડ માત્ર પ્રકૃતિનો હિસ્સો નથી, પરંતુ ઘણી વખત લોકોની યાદો, લાગણીઓ અને સંસ્મરણો સાથે પણ જોડાઈ જાય છે. તેની છાંયામાં પસાર કરેલી પળો અને એની સુગંધ, માણસના મનમાં લાંબા સમય સુધી વસેલી રહે છે.

