ફોન વગર નો ડોન.
ફોન વગર નો ડોન.
ફોન વગર નો ડોન.
– એક વ્યંગ વાર્તા.
સવારે આઠ વાગે એલાર્મ વાગ્યું નહીં.
એટલે, એમં ન સમજો કે હું વધારે ઊંઘી ગયો હતો…
એલાર્મ તો ફોનમાં સેટ કરેલું જ હતું—
પણ મેં મારો ફોન “સંકલ્પ” લઈને બંધ કરી દીધો હતો.
ગઈ કાલે રાત્રે મેં, ડેટા પ્લાનની એમ બી, જીબીની બબાલને હણી નાખવા ડોન બની, હિંમત કરીને એક નિર્ણય લીધો—
બસ એક જ કામ કરવું—
અને દુનિયાની અજાયબીમાં વધારો નોંધાવવો!!!!.
“આવતીકાલે આખો દિવસ ફોન વગર જીવવું!”
હવે ચિંતા વચ્ચે સવારના આઠ વાગે આંખ ખુલી.
મારી મા બેડ સામે ઊભી હતી—
“બેટા, તને તાવ આવ્યો છે શું?
તું આજે હજુ સુધી ઊઠ્યો કેમ નથી?”
મેં કહ્યું—
“ના મા… આજે તો મારો ‘ડિજિટલ એકાદશીનો નક્કોરડો ઉપવાસ’ છે!”
મા થોડી વાર મારી સામે જોઈને બોલી—
“ઓહો, ઉપવાસ છે તો ઠીક…
પણ આ મારી લોઢી ગરમ થઈ ગઈ છે, તું કહે તો ઢેબરૂ શેકુ , ચાલ ઉઠ હવે ફરાળ કરી લે!”
હું બબડ્યો —
“તારી લોઢી ગરમ છે તો શું હું એમાં આળોટી મારી ઠંડી ઉડાડું ?”
પણ આખરે… કટ કટ નો ડખો નિવારવા, હું ચુપચાપ ચા પીવા બેસી ગયો.આદત પ્રમાણે હાથ આપમેળે ખિસ્સા તરફ ગયો,ફોન શોધવા…પછી યાદ આવ્યું—આજે તો ફોન નો હંગામી “મોક્ષ દિવસ” છે!
ચા સામે જ હતી, પણ આંખોમાં અજબ ખાલીપો હતો.
સામાન્ય રીતે હું ચાની ચુસ્કી સાથે “વોટ્સએપ સ્ટેટસ” માં મેસેજના કચરાની રોજ સફાઈ કરતો રહેતો.
આજે ચા પણ ફીકી લાગી, એની સાથે કોઈ “કન્ટેન્ટ” જ નહતું !
હું બહાર નીકળ્યો.
રસ્તા પર લોકો,
બધા માથું નીચે કરીને ચાલતા… ફોનમાં ઘૂસી ગયેલા!
મને લાગ્યું—
હું જ એકલો “જીવંત” માણસ છું,
બાકી બધાંની ડોકી “ડાઉનલોડિંગ મોડ”માં છે!
એક મિત્ર મળ્યો.
મેં પૂછ્યું“કેમ છે?”
એ બોલ્યો“એક મિનિટ…”
અને ફરી ફોનમાં ગૂમ!
હું ત્યાં ફાલતુ ઊભો રહ્યો,
જાણે કોઈ “બફરિંગ” સ્ક્રીન!
બપોરે ખાવા બેઠો.
ફોન વગર ખાવું એટલે,
જાણે સિનેમા વગર પોપકોર્ન ખાવા જેવું!
થાળી સામે હતી… અને આજે પૂરું ધ્યાન ખોરાક પર!
પહેલીવાર સમજાયું કે દાળમાં મીઠું થોડું ઓછું છે…અને રોટલીના લોટને શીતળાની રસીની તાત્કાલિક જરૂરિયાત છે !
કારણ કે આજે.
હું કોઈ પોસ્ટને “લાઈક” નહીં,
પણ લંચ પ્લેટને “ટેસ્ટ” કરી રહ્યો હતો!
સાંજ પડતા ખાલીપો વધ્યો…
ફોન વગરની મિનિટોમાં અપચો થવાથી,સેકન્ડ પણ મોટી લાગતી હતી.
જાણે ઘડિયાળ પણ “સ્લો મોશન”માં ચાલી રહી હોય!
રાતે ફૂલ જમ્યા પછી, ઊંઘે ઘેરાતી આંખે,મેં ઘણા વરસ પછી ભગવદ ગીતા ઉઠાવી…
બે પાના વાંચ્યા… અને થાકી ગયો!
મનમાં વિચાર આવ્યો—
“આ ગીતા ના પાના સ્ક્રોલ કેમ નથી થતા?”
આખરે વીતે દિવસે..
ડિજિટલ એકાદશીનું જાગરણ કરવા માટે રાત્રે છત પર ગયો.
આકાશ તરફ જોયું…
તારાઓ દેખાયા.
હું ચોંકી ગયો—
“આ બધા સ્ટાર તો રિયલ છે!
સોજ્જા… કોઈ ફિલ્ટર પણ વગર!!”
હવામાંથી એક ઠંડો ઝોકો આવ્યો…
પહેલીવાર લાગ્યું—
“નેચર” એ, પ્લે સ્ટોર પર મળતું એપ નથી…એ તો “લાઈવ સ્ટ્રીમ” છે!
ડિજિટલ ઘડિયાળે 11:59:59 બતાવ્યું…
અને આગળની સેકન્ડ સાથે—
મારો ઉપવાસ પૂર્ણ!
હું શાંત હતો…
પણ અંદરથી ગર્વ હતો—
કે આજે હું “ઓફલાઈન” રહીને પણ “ઓન લાઈફ લાઈન” રહ્યો.
પરંતુ…
બીજી જ ક્ષણે દોડ્યો—
પૂજા રૂમમાંથી ફોન લીધો… ચાલુ કર્યો…
સૌથી પહેલા શું ખોલ્યું?
વોટ્સએપ!
અને સ્ટેટસ મૂક્યું—
મૈં હું ડોન,
“Proud Moment 😎 – એક દિવસ ફોન વગર!”
વગર મરચાએ તીખારો 😄
હું ફોન વગર જીવી શક્યો છું…
પણ ઉપવાસના પારણા પર,ફોન વગર જીવ્યાની દાંડી પીટી દુનિયાને જણાવવા,
આખરે તો પાછો ફોન જ ઉપાડ્યો! 😆
એક હતો ડોન....
~~~~~~
આજના પ્રૉબનું ચિંતન..
“ફોન વગરનો ડોન”
– એક વ્યંગ વાર્તા, જે આજના ડિજિટલ યુગની લત પર હળવી મજાક કરે છે. એક દિવસ ફોન વગર જીવવાનો સંકલ્પ, ચાની ચુસ્કીથી લઈને WhatsApp સ્ટેટસ સુધીની ખાલીપો, અને અંતે irony કે “ફોન વગર જીવ્યો” એ જ વાત દુનિયાને જણાવવા પાછો ફોન જ ઉપાડવો! હાસ્ય, વ્યંગ અને સચ્ચાઈનું મિશ્રણ—
આ વાર્તા આપણને યાદ અપાવે છે કે “ઓફલાઈન” રહીને જ સાચું “ઓન લાઈફ” અનુભવાય છે.
