બ્લેક એન્ડ વાઈટ.
બ્લેક એન્ડ વાઈટ.
બ્લેક એન્ડ વાઈટ
ગલીના ખૂણે બેઠેલો “ટોમી” રોજ માણસોને જોતો રહેતો.
આજે નવરાશના સમયે વિચારમાં પડ્યો…
અને તેણે નક્કી કર્યું. લાવ જોઉં તો ખરો....
“આ માણસ જાત આખરે કરે છે શું?”
ત્યાં..
સવારે એક સાહેબ દોડતા આવ્યા.
હાથમાં મોબાઇલ, કાનમાં ઇયરબડ્સના પુમડા ખોસેલા!
ટોમી મનમાં બોલ્યો.
“અરે વાહ! આ તો મારી જેમ જ દોડે છે…
કદાચ મારા જેવા ખુશ પણ હશે!”
થોડો નજીક ગયો તો સમજાયું.
સાહેબ દોડે છે, પણ કોઈ ખુશી મા છે તે માટે નહીં,
પણ કાંડે બાંધેલી ઘડિયાળમાં ‘કેલરી બર્ન’ નો આંકડો વધારવા માટે!
ટોમી તેની વાંકી પૂંછડી હલાવી હસ્યો.
“અમે તો ખાઈએ છીએ જીવવા માટે,
આ માણસ જાત તો જીવે છે ખાવા માટે…
અને પછી દોડે છે એ ખાધું પચાવવા માટે!”
થોડા સમય પછી એક ભાઈ ધીમા ડગલે તેની પાસે આવ્યો.
તે ફાટેલા કપડાંમાં હતો , તેના હાથમાં સુકાઈ ગયેલી રોટલી હતી.
તેણે ટોમીને જોઈને સ્મિત કર્યુ…
અને અડધી રોટલી તેને આપી.
ટોમીની પૂંછડી ખુશીથી હલવા લાગ્યો.
“આ ‘ગરીબ’ પણ 'અજીબ' છે
ફકીર પણ દિલથી દિલેર !”
રોટી ખાઈ જોકે ચડ્યો.
થોડા જ સમયમાં એક મોટી કાર આવી ચૂઈ... ઈ કરી અને અટકી.
તેમાંથી સૂટ-બૂટવાળો માણસ ઉતર્યો.
ટોમી ખુશ થઈને તેની પાસે ગયો.
“આ તો ધનિક લાગે છે, ચોક્કસ કંઈ સારું ખાવા આપશે!”
પણ તેના કાને જવાબ આવ્યો.
ચલ “હટ! શેરીના કૂતરા!”
ટોમી થોડો દૂર ગયો…
અને વિચારમાં પડી ગયો.
“અહીં અમીરી કપડાંમાં નથી હોતી…
દિલમાં હોય છે।”
બપોરે ટોમી પાર્કમાં ગયો.
એક જુવાન દંપતિ સેલ્ફી લેતું હતું.
પાછળ કાંટાળું વૃક્ષ, આગળ મોટું સ્માઈલ.
ટોમી મનમાં બોલ્યો.
“વાહ… આખરે મારાં જેવા ખુશ લોકો મળ્યા ખરા !”
પણ તેટલામાં બંને વચ્ચે ઝગડો શરૂ થયો.
“તું મારી તરફ ધ્યાન જ નથી આપતો!”
“તું હંમેશા ફોનમાં ડૂબેલો હોય છે!”
ટોમી ફરી હસ્યો.
“ફોટા માટે પ્રેમ…
અને હકીકતમાં પ્રોબ્લેમ!”
સાંજે થાક ઉતારવા, તે બગીચે ગયો.
પાર્કમાં કોઈ તેનું બાળક ભૂલી ગયું હતું. અને તે બાળક રડી રહ્યું હતું.
ટોમી તરત દોડી ગયો, અને તેની પાસે બેસી ગયો.
બાળકે ટોમીને જોઈને રડવાનું બંધ કરી દીધું.
ટોમી વિચારતો હતો.
“માણસને ખુશ રહેવા માટે કેટલું ઓછું જોઈએ છે…
પણ તેઓ એ જ વસ્તુને સૌથી વધારે અવગણે છે!”
રાત્રે
ટોમી ચાંદને જોઈને બોલ્યો—
“હે ચાંદ…
આ માણસ જાત બહુ અજીબ છે.
દોડે છે… પણ ક્યાં જવું છે તેની તેને ખબર નથી…
હસે છે… પણ સાચી ખુશી માટે નહી …
પ્રેમ કરે છે…
પણ તેની પોતાની શરતો સાથે…”
થોડીવાર પછી તે ઊંઘી ગયો…
અને સપનામાં તેણે જોયું.
બ્લેક એન્ડ વાઈટ..
કોઈ પણ રંગ વગરની બેરંગ...
એક એવી દુનિયા,
જ્યાં માણસો
કૂતરાની જેમ દોડી ભસી જીવતા હતા…
સરળ, વફાદાર અને સચ્ચાઈ થી લાખ કૉસ દૂર...
તેણે વિચાર્યું,
આ જગત માં
માણસો બે જ પ્રકારના છે.
એક, જે તે જેને “લાઈક” કરે એને તે સમાઈલ આપે …
અને બીજાં
કે
જેને એ ડિસલાઈક કરે એને દીલથી ફાઇટ આપે..
અને
આજે…
દુનિયામાં બીજાને ડીસ લાઈક કરનારા વધારે હત્તા .
આમ આખરે
ટોની, દિવસઃl ભરની રઝળપાટ થી એટલું જરૂર સમજ્યો,
કે,એ ભલે એક કૂતરું છે..
પરંતુ
તેની નજરમાં માત્ર નેકી અને વફાદારી છે.
તેની નજર બેરંગ છે
માત્ર
બ્લેક એન્ડ વાઈટ, પરંતુ આભાસી તો નથી જ .
વાંચન વિશેષ ~
વિજ્ઞાનના સંશોધનો મુજબ કૂતરાની આંખો માનવની જેમ બધા રંગોને ઓળખી શકતી નથી.
કૂતરાઓ મુખ્યત્વે દુનિયાને કાળો, સફેદ અને ધૂળિયા (ગ્રે) શેડ્સમાં જ જુએ છે.
અર્થાત્, જ્યાં માણસોને દુનિયા રંગબેરંગી દેખાય છે, ત્યાં કૂતરાને માત્ર સાદગી અને વિપરીતતા જ દેખાય છે.
પરંતુ પ્રશ્ન એ ઊભો થાય છે. શું ખરેખર કૂતરાની દુનિયા બેરંગ છે…?
કે પછી, માણસોની રંગીન દુનિયા જ અંદરથી આભાસી રંગીન બની ગઈ છે?
અંતિમ ચિંતન
કૂતરાની નજરે દુનિયા માત્ર બ્લેક એન્ડ વાઈટ છે.
પણ તેમાં છે સચ્ચાઈ, વફાદારી અને કેવળ નિસ્વાર્થ લાગણી છે .
જ્યારે માણસોની નજરે દુનિયા રંગોથી ભરેલી છે.
પણ તેમાં નર્યો દેખાવ, સ્વાર્થ અને બેસુમાર શરતો.
શાયદ…
રંગો જોવા કરતાં
સાચું જોવું વધુ મહત્વનું છે.
