PRAVIN MAKWANA

Classics Inspirational

4  

PRAVIN MAKWANA

Classics Inspirational

દિલીપભાઈ : સુરીલી સફર

દિલીપભાઈ : સુરીલી સફર

7 mins
248


1982ના વર્ષમાં બનેલી ભગવાન સ્વામી નારાયણ નામની ગુજરાતી ફિલ્મમાં મન્ના ડે, મહેન્દ્ર કપુર, આશા ભોંસલેએ ગીતો ગાયાં હતાં. એક ગીત કિશોરકુમાર પાસે ગવરાવવાનું હતું પરંતુ તેઓ પરદેશ હતા. સંગીતકારે પોતે એ ગીત ગાઈને રેકોર્ડ કરી લીધું. કિશોરકુમાર પરત આવે ત્યારે એના અવાજમાં ફરી રેકોર્ડ કરશું એવું નક્કી થયું. એ સમયે લંડન ગયેલા પૂ. પ્રમુખ સ્વામીને રેકોર્ડ થયેલું એ ગીત મોકલાયું. સાંભળીને કહે, હવે બીજા કોઈ પાસે ગવરાવવાની જરુર નથી. આ જ બરાબર છે.

જેમનો એ અવાજ હતો એ વ્યક્તિ જેટલા સૂરિલા ગાયક એટલા જ સજ્જ સંગીતકાર હતા. સ્વામીનારાયણ સંપ્રદાયના સમર્પિત સત્સંગી પણ ખરા.

બી.એ.પી.એસ.ના સંતોએ એમને એકવાર કહ્યું, તમારું પેલું ગીત અહીં મંદીરમાં આપણી પૂજા સમયે-કિર્તનમાં ગાઓ, રેકોર્ડ કરીએ. એક સંતે હાર્મોનીયમ વગાડ્યું, બીજાએ તબલાં સંગત કરી અને આમણે એ ગીત ગાયું. હવે દિલ થામ કે બૈઠના હો.....એ ગીત ક્યું ખબર છે? તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી…તારા રુપની પૂનમનો પાગલ એકલો. હા, સાચું સમજ્યા છો, આ કિસ્સા આપણા પ્રખ્યાત સંગીતકાર-ગાયક દિલીપ ધોળકિયાના છે.

1950માં દીવાદાંડી ફિલ્મમાં સમાવાયેલું આ ગીત પતંગીયાં જેમ ફૂલ પર રમે એમ આજે પણ ગુજરાતીઓનાં જીભ-હોઠ પર રમી રહ્યું છે. 1946નો અરસો. ઓલ ઈન્ડિયા રેડીયોના મુંબઈ સ્ટેશનમાં સાંજે પાંચ વાગ્યા પછી કવિઓ-સંગીતકારો એકઠા થતા. એક સાંજે વેણીભાઈ પુરોહિતે એક ગીત બરકત વીરાણી બેફામ અને અજિત મર્ચન્ટને આપ્યું. થોડી વાર થઈ ત્યાં એક પણ વાજિંત્ર વગર અજિત મર્ચન્ટ પોતે એ ગણગણવા લાગ્યા. મુખડું તો તૈયાર. નજીકમાં જ એચએમવીની એક બંધ દૂકાન હતી એના ઓટલે બેસીને અજિતભાઈ-દિલીપભાઈએ બાકીનું ગીત પછીના દિવસોમાં તૈયાર કર્યું. ગીત રેકોર્ડ કરવાનું હતું ત્યારે દિલીપભાઈના પત્ની ધ્રુમનબેન સ્ટુડીયોમાં હાજર હતા. સાઉન્ડ રેકોર્ડીસ્ટ મીનુ કાત્રકે દિલીપભાઈને પૂછ્યું, તને ડીસ્ટર્બ થાય એમ હોય તો એમને બહાર લઈ લઉં, દિલીપભાઈ કહે, હું તો આંખ બંધ કરીને ગાઉં છું. કાંઈ ફેર નથી પડતો.....દિલીપ ધોળકિયા એમના અવસાન પછીના 11 વર્ષે પણ ગુજરાતીઓના કાનમાં ગૂંજતો અવાજ છે એટલું જ નહીં, એ સંગીત ચાહકોના હૈયે ધબકતું નામ છે.

જન્મ અને બાળપણ જૂનાગઢમાં. પિતા ભોગીલાલ ફ્લ્યુટ અને મૃદંગ વગાડતા. સ્વામીનારાયણ મંદીરમાં ભજનો ગાતા. મામા ઈશ્વરલાલ વૈશ્ણવ પણ સારા ગાયક હતા. આપણને દિલીપભાઈના ગળાંમાંથી જે મળ્યું એ એમને તો ગળથૂંથીમાં મળ્યું હતું. પોતે ફ્લ્યુટ વગાડતા. ઉંમર હશે સાતેક વર્ષ. જૂનાગઢમાં એક કાર્યક્રમમાં પિતાજીની સાથે જવાનું થયું. દિલીપભાઈએ પણ ગાવાનું હતું. એ વયે સંગીત, સરગમ, સ્વર ઉપરનું નિયંત્રણ, સૂર પરની પકડ એવી કંઈ ખબર નહોતી. કુટુંબના એક વડીલે પગપેટી વગાડી. દિલીપભાઈએ એના સૂર પર ગીત પુરણ ભક્તનું ગીત જાઓ..જાઓ મેરે સાધુ રહો ગુરુ કે સંગ..ગાયું. લોકોએ તાળી પાડી. ઈનામ મળ્યું રુપિયા બે. સાથે ભગવાનને રાખવાનું પાલક પણ મળ્યું.

આ ઘટનાને ઈશ્વરનો સંકેત કહી શકાય પરંતુ કારકિર્દીની શરુઆત આ નહોતી. પરિવારમાં ભણતરનું મહત્વ પહેલેથી હતું. સ્થિતિ એવી હતી કે એક પણ વર્ષ નાપાસ થવાનું પરવડે નહીં. કોલેજમાં ભણ્યા ત્યાં સુધી સંગીતનું પ્રશિક્ષણ નહોતું લીધું. 1942ની 9 એપ્રિલે બી.એ.ની પરીક્ષા પૂર્ણ થઈ, 10મી એપ્રિલે મુંબઈ પહોંચી ગયા. મોટાભાઈ કંચનપ્રસાદ મુંબઈમાં હતા. દિલીપભાઈને ગવર્નમેન્ટ ઓફ બોમ્બેના હોમ ડીપાર્ટમેન્ટમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી મળી. પચાસ રુપિયા પગાર વત્તા બે રુપિયા મોંઘવારી ભથ્થું. સંગીતમાં રસ તો હતો જ અને એમાં વળી સંગ થયો રમેશ દેસાઈ, બિપીન દેસાઈ વગેરે સંગીત રસિક મિત્રોનો. મુંબઈમાં શુભા જોશીના ગુરુ પાંડુરંગ આંબેડકર પાસે દિલીપભાઈએ સંગીતની વિધિવત તાલીમ લેવાનું શરુ કર્યું.

1944ના ફેબ્રુઆરીમાં ઓલ ઈન્ડિયા રેડીયોનો પત્ર આવ્યોઃ તમારી અરજી મળી છે, સ્વરપરીક્ષા આપવા આવી જજો. દિલીપભાઈની જાણ બહાર કોઈ મિત્રે એમના નામે અરજી કરી દીધી હતી. પરીક્ષા આપી અને એમાં ઉતીર્ણ થઈ ગયા. રેડીયોની સાથે સૂરસંબંધ શરુ થયો. જુલાઈ 1944માં રેડીયો પરથી પ્રથમ કાર્યક્રમ પ્રસારિત થયો. 44 થી 46 ઓલ ઈન્ડિયા રેડીયો માટે ખૂબ કામ કર્યું. જો કે સૂરતાલ એમને નવી દિશા તરફ ખેંચી રહ્યા હતા. 1946માં કિસ્મતવાલા ફિલ્મમાં પહેલીવાર પાર્શ્ર્વગાયનની તક મળી. 1946માં ખેમચંદ પ્રકાશના ભાઈ રતનલાલના સંગીત નિર્દેશનમાં લાજ ફિલ્મમાં ગીત ગાયું- દુઃખ કી ઈસ નગરી મેં બાબા કોઈ ન કિસી કા યાર....

આ બધું જો ક્યાંક વાંચ્યું છે એવું કોઈને લાગતું હોય તો થોડી ઓછી જાણીતી વાતઃ આઝાદી પહેલાંના સમયના ફિલ્મના એક સામયિકમાં એક જાહેરાત છપાઈ હતી, શાહઝાદા આયાઝખાન પ્રોડક્શન નં.1 રજૂ કરે છે દિલીપકુમાર અને મુમતાઝ. આ દિલીપકુમાર એટલે આપણા દિલીપભાઈ અને મુમતાઝ એટલે મધુબાલા. વિભાજન વખતે નિર્માતા પાકીસ્તાન જતા રહ્યા અને ફિલ્મ ન બની. લાજ ફિલ્મ પછી સંગીત અને ફિલ્મસંગીત નિર્દેશનને એમણે કારકિર્દી તરીકે અપનાવી લીધાં. ઓલ ઈન્ડિયા રેડીયોમાં હતા ત્યારે એક એનાઉન્સર એના ખાસ મિત્ર. દિલીપભાઈ ગાઈ લે એટલે એ આવીને કહે, દિલીપ ચા ચવન્ની...પછી બન્નેએ નોકરી છોડી દીધી. દિલીપભાઈનું લક્ષ્મીકાન્ત પ્યારેલાલ સાથે રેકોર્ડીંગ હતું ત્યારે અચાનક એ ભાઈ ટપક્યા..દિલીપ લા ચવન્ની. એ હતા ફિલ્મ પ્રોડ્યુસર રાજ ખોસલા.

રેડીયોની નોકરી વખતે એક સમસ્યા થઈ. એનાઉન્સર ગુજરાતી ન હોય તો ક્યારેક દિલીપ ધોળકાવાળા બોલે, ક્યારેક બોલે ધોળેકર...એટલે એમણે પોતાનુ નામ કરી નાંખ્યું દિલીપકુમાર. પછી જ્યારે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ગયા ત્યારે થઈ ગયું ડી.દિલીપ. કેમ વળી શું થયું, એ જ અરસામાં યુસુફખાન ફિલ્મ ઈન્ડ્રસ્ટીમાં દિલીપકુમાર તરીકે અત્યંત પ્રખ્યાત હતા. એવું બનતું કે એ હીરો દિલીપકુમારના પત્રો આપણા આ દિલીપભાઈના સરનામે પહોંચતા. એકવાર 46 પત્રોનું પડીકું દિલીપ ધોળકિયાએ દિલીપકુમારને પહોંચાડવા માટે નાસીરખાનને આપ્યું હતું. લતા મંગેશકરના ઘરે દિલીપભાઈ બેઠા હતા ત્યાં દિલીપકુમાર પણ પહોંચ્યા. લતાજીએ ઓળખાણ કરાવીઃ ઈનકો પહેચાનતે હો, યે ભી દિલીપભાઈ હૈ. એક્ટર દિલીપકુમાર કહે, વો જેન્યુઈન હૈ, મૈં ફેક હું.

લતા મંગેશકરના આખા પરિવારની સાથે દિલીપભાઈને 1967થી નિકટનો સંબંધ. હ્રદયનાથની સાથે તો ગાઢ મિત્રતા. લતાજી અને દિલીપભાઈની વચ્ચે એકવાર વાત થઈ કે ગુજરાતી ગીતો કરીએ. ત્યારે હ્રદયનાથે કહ્યું, બીજાં જે કોઈ ગીતો કરવાં હોય તે કરજો પરંતુ તમારે દીદી પાસે એક રજકણ તો ગવરાવવાનું જ છે. હરીન્દ્ર દવેની આ કેટલી અદભૂત રચના ગાવામાં અઘરી પડે જ. પરંતુ લતા જેમનું નામ, એમણે કહ્યું આપણે રીહર્સલ નથી કરવાં તમે જ્યારે સ્ટુડીયોમાં આવશો ત્યારે શીખતી જઈશ. પાંચ સીટીંગમાં તો લતાજીએ ગીત પકડી લીધું. જ્ઞાનેશ્વરી ગીતા, ભગવદ્ગીતાના કેટલાક અધ્યાય, ગાલિબની ગઝલો જેવાં મૂલ્યવાન કામ દિલીપભાઈ અને હ્રદયનાથે સાથે કર્યા. મુંબઈ છોડી દીધા પછી પણ સંપર્કો યથાવત હતા. લતા મંગેશકરને 75 વર્ષ પૂર્ણ થયાં ત્યારે દિલીપભાઈએ એમને સંસ્કૃત ભાષામાં શુભેચ્છાનો પત્ર લખ્યો હતો. લતાજીએ જવાબ પણ સંસ્કૃતમાં જ આપ્યો હતો.

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એ સમયના નામાંકિત અને સફળ લોકો સાથે એમને અંગત નાતો હતો. વીસેક હિન્દી ફિલ્મોમાં સ્વતંત્ર સંગીત પણ આપ્યું. ચિત્રગુપ્તની સાથે 1951 થી 1972 કામ કર્યું, એસ.એન. ત્રિપાઠીને પણ તેઓ આસિસ્ટ કરતા. 1972 થી 1988 સુધી લક્ષ્મીકાંત પ્યારેલાલના સહાયક તરીકે તેઓ રહ્યા. કેટલાંક તો આખેઆખાં ગીત એમણે કમ્પોઝ કર્યાં હતાં. ફક્ત નામ ન હોય એટલું જ. એકજ ઉદાહરણઃ ફિલ્મ લોફર, ગીત આજ મૌસમ બડા...હવે જો આપણે નિરંજન ભગતનું લખેલું ગીત આજ આષાઢ આયો...દિલીપભાઈએ જે કમ્પોઝ કર્યું છે એ સાંભળ્યું હોય તો ખબર પડે કે ધર્મેન્દ્ર પર પિક્ચરાઈઝ્ડ પેલા ગીતના મૂળ આપણા આ ગુજરાતી ગીતના સ્વરાંકનમાં છે.

દિલીપભાઈનું નામ કાને અથડાય અને આપણા કાનને ગુજરાતી કાવ્યસંગીતની કેટલી બધી રચનાઓનું સ્મરણ થાય, એ ફિલ્મી કે નોન ફિલ્મી કંઈ પણ હોય રમણીય તો હોય જ. હરીન્દ્ર દવેની કવિતા, ના..નહીં આવું મેળાનો મને થાક લાગે...અને એમાં થાક..શબ્દની અભિવ્યક્તિ-દિલીપભાઈનું સ્વરકૌશલ્ય. તેં પૂછ્યો પ્રેમનો મર્મ..., વેણીભાઈ પુરોહિતનું ભીંત ફાડીને પીપળો રે ઊગ્યો.....ફિલ્મ સત્યવાન સાવિત્રીમાં મહંમદ રફી અને લતાજીએ ગાયેલાં ગીતો આવી રસીલી ચાંદની, કોઈનું સીંદુર લૂંટીને દેવા એમ તો જવાયના...આજે ય આપણા કાનમાં વસંત રેડી જાય એવા સ્વરાંકનો છે. એમ તો જવાયના ગીત સાંભળીએ એટલે તરત યાદ આવે જાલમસંગ જાડેજા ફિલ્મનું ગીત....એકલા જ આવ્યાં મનવા...બન્ને એક પછી એક ગાઓ...એમ તો જવાય ના...એકલા જવાના..જો કે આટલો હિસ્સો જ સરખો છે કમ્પોઝિશન્સ બન્ને જુદાં છે. કંકુ ફિલ્મનું લુચ્ચાં રે લુચ્ચાં લોચનિયાંની લૂમ..કે પછી ડાકુરાણી ગંગાનું અત્યંત ભાવવિભોર કરી દે એવું ગીત ચાંદની રાતે ઓ હંસી..ચિતડું ન બાળીએ...

કર્ણપ્રિય, હ્રદયને ઝંકૃત કરે એવી રચનાઓથી દિલીપભાઈનો સૂરસંપૂટ છલકાય છે. મહંમદ રફીએ ગાયેલું ગીત મીઠડી નજરું લાગી....કે મેના ગુર્જરીનું સાથિયા પુરાવો દ્વારે...કોણ ભૂલે શકે, સ્નેહબંધન ફિલ્મ માટે બરકત વિરાણીની ગઝલ મિલનના દીપક સૌ બુઝાઈ ગયાં છે, વિરહના તિમિર પણ ગહન થઈ ગયાં છે...એલ.પી. રેકર્ડ સાંભળનારને જેટલી સ્પર્શતી હતી એટલી જ તાજી યુ ટ્યુબ ચેનલના સબસ્ક્રાઈબરને લાગે છે. આંખનો અફીણીમાં તો એવા શબ્દો છે કે આજ પીઉં દર્શનનું અમરત પરંતુ દિલીપભાઈના સંદર્ભે કહેવું પડે કે આજે ય પીએ છીએ શ્રવણનું અમરત.

1946 થી 1988 સુધી એમણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કર્યું. મ્યુઝિશિયન એસોસિએશનના જોઈન્ટ સેક્રેટરી,ટ્રેઝરર પણ રહ્યા. એમના પૂત્ર કંદર્પ ધોળકિયા કે રજત ધોળકિયા સાથે બેસીએ કે અમદાવાદના ચંદ્રશેખર વૈદ્યને મળીએ તો વાતોનો રસથાળ રચાય. ઓલ ઈન્ડિયા રેડીયો સ્ટેશન માટે 2004માં શોભિત દેસાઈએ દિલીપભાઈની મુલાકાત લીધી હતી એ તો યુ ટ્યુબ પર છ ભાગમાં ઉપલબ્ધ છે. ફિલ્મક્ષેત્રે હતા એજ કંઈ એમની પ્રતિભાનો માપદંડ પણ નથી. દિલીપભાઈ તો પોતે જ એક ઘટના છે. એમના ચહેરા પરની પ્રસન્નતા,સાદગી, અવાજનો રણકો, જીવન જેવાં જ સુંવાળાં અને શ્વેત વાળ અને વસ્ત્રો. સ્વભાવની સરળતા. એ બધું ભાવકો-ચાહકોના માનસપટ પર એમનું એમ સચવાયેલું પડ્યું છે. દરીયા ભરીને એમના વિશે વાતો થાય. અહીં તો ફક્ત થોડાં મોતી લીધાં છે.


Rate this content
Log in

Similar gujarati story from Classics