Read #1 book on Hinduism and enhance your understanding of ancient Indian history.
Read #1 book on Hinduism and enhance your understanding of ancient Indian history.

mariyam dhupli

Romance Inspirational


4  

mariyam dhupli

Romance Inspirational


દિલ ચીર કે દેખ ભાગ - ૨

દિલ ચીર કે દેખ ભાગ - ૨

5 mins 203 5 mins 203

મારા ઓરડાની બારી ખુલ્લી હતી. બહાર તરફ વરસી રહેલા વરસાદનાં છાંટા અંદર સુધી પ્રવેશી રહ્યા હતાં. મારો સ્ટડી ટેબલ બારીની નજીક હતો. એના ઉપર ગોઠવાયેલા પુસ્તકો પણ આછા ભીનાઈ ચૂક્યા હતા. મને મારા પુસ્તકોથી ઘણો પ્રેમ હતો. એક બાળક જેમ હું તેમની સારસંભાળ લેતો. એમના કવરથી લઇ એમના પાનાઓ સુધી એ એકદમ સરસ અને સુઘડ પરિસ્થિતિમાં રહે એ માટે હું સતત સતર્ક રહેતો. જીયા ઘણી વાર મારી મશ્કરી ઉડાવતી. તારો જીવ નીકળવો હોય ને તો તારા પુસ્તકોને....ને તરતજ મારી આંગળી ચેતવણી સ્વરૂપે આગળ આવી ઉઠતી. 

"મારા પુસ્તકોને અડવું પણ નહીં. નહીંતર."

જીયા ખડખડાટ હસી પડતી. 

"તારા પુસ્તકો છે કે તારી ગર્લ ફ્રેન્ડ ? આટલો પ્રેમ ? આટલો અધિકારભાવ ?"

હા, મારા પુસ્તકો મારા જીવનનો પ્રથમ પ્રેમ હતાં. એમાં તલ્લીન થઇ હું આખું વિશ્વ ભૂલી જતો. બાળપણથી ઘરનું વાતાવરણ જ એવું રહ્યું હતું. પિતાજી જનરલ ડોક્ટર હતા. બા ગૃહિણી હતા. પણ વાંચવાનો એમને જબરો શોખ. અમારા ઘરમાંજ એક નાનકડી લાઈબ્રેરી હતી. બાળપણથી હું પુસ્તકોનાં સંગાથે ઉછર્યો હતો. ભણવામાં મને ઘણોજ રસ. શાળાએ હું હોંશે હોંશે જતો. ઘરકામ કે પુનરાવર્તન કરવા માટે કદી બા કે પિતાજીએ ટોક્યો ન હતો. ન કદી બળજબરીએ ટ્યુશન મૂકવા આવવું પડતું. હું સમયસર મારા અભ્યાસનાં દરેક પાસા જાતેજ સાચવી લેતો. મારી દરેક પરીક્ષાઓમાં હું ટેવગત ફર્સ્ટ કલાસ ડિસ્ટીંકશન જોડે ઉત્તીર્ણ થયો હતો. આ વખતે ફાયનલ યર હતું. પણ બા અને પિતાજીને મારા અભ્યાસની કોઈ ચિંતા ન હતી. તેઓ જાણતા હતા દર વખતની જેમ હું આ વર્ષે પણ સંભાળી લઈશ. 

સામાન્ય રીતે વરસાદ વરસવાનો શરૂ થાય કે હું ગમે ત્યાંથી દોડતો ભાગતો મારા ઓરડા સુધી પહોંચી જતો. મારા પુસ્તકો ભીંજાય ન જાય એ ચિંતામાં તરતજ બારી જડબેસલાક વાંસી દેતો. ઘરે ન હોંવ તો બાને ફોન કરી પૂછી લેતો. 

"બારી બંધ કરી ને ? "

પણ એ દિવસે હું બધુંજ ભૂલી બેઠો હતો. મારી ચિંતા અને ફિકરે પોતાની દિશા બદલી હતી. 

દિશા... હા, દિશા....દિશા નામ હતું એનું. મારા ઘરનાં સામેનાં મકાનમાં રહેવા આવેલા દંપતીનું એકમાત્ર સંતાન. દિશા મારા અને જીયાનાં એજગ્રૂપનીજ હતી. પણ કોલેજ જતી ન હતી. આખો દિવસ ઘરેજ રહેતી. એના બા અને પિતાજી થોડા 'રિઝર્વ્ડ ' પ્રકૃત્તિનાં હતા. એક મહિનો થવા આવ્યો હતો. પણ હજી તેઓ આજુબાજુનાં લોકો જોડે જાજા ભળ્યા ન હતા. ઉપરથી દિલ્હીથી સીધું ગુજરાતમાં ટ્રાન્સફર થયું હતું. નવી ભાષા, નવા લોકો, નવી રહેણીકરણી, નવો માહોલ. એનું નામ દિશા છે એની માહિતી જીયાએ મેળવી લીધી હતી. એનો લપલપિયો સ્વભાવ કોઈને છોડે ખરો ? 

"સો વ્હોટ્સઅપ ? " 

નામ લીધું નહીં કે શેતાન હાજર... ટેવ પ્રમાણે જીયા મારા ઓરડામાં ધસી આવી. દિશાનાં વિચારોમાં ખોવાયેલું મારું મનોજગત થોડું ડામાડોળ થઇ ઉઠ્યું. જાણે કોઈ દુશ્મને અચાનકથી પાછળ તરફથી વાર કર્યો હોય એમ સ્વ બચાવમાં બધું સામાન્ય હોવાનો દેખાવ કરતા હું પાછળ ફર્યો કે મારા હાથનાં સ્પર્શ વડે મારા પુસ્તકનો ઢગલો ભોંય ભેગો થઇ ગયો. 

"ઓહ નો...."

જીયાએ તરતજ પુસ્તકો ભોંય ઉપરથી ભેગા કરવા માંડ્યા. હું હજી પણ સ્થિર ઉભો હતો. 

"તું અહીં ? "

પુસ્તકો અંગે મેં કોઈ પ્રતિક્રિયા આપી નહીં એ નિહાળી જીયા વિસ્મિત થઇ. એનું વિસ્મય એની આંખો દ્વારા મારી આંખો સુધી પહોંચ્યું. 

"સીડ, આજે બુધવાર છે."

બુધવાર ? ઓહ...બુધવાર !

હું કઈ રીતે ભૂલી ગયો ? દર બુધવારે  હું અને જીયા લાઈબ્રેરી જતા. ઘણા વર્ષોનો ક્રમ હતો. ને આજે પહેલી વાર.

"જીયા આજે મન નથી. રહેવા દઈએ. " 

હળવેથી મેં મારા મનની પરિસ્થિતિ એની સામે રાખી. પુસ્તકો ટેબલ ઉપર ગોઠવી એણે મારી તરફ જે દ્રષ્ટિ ફેંકી એ મને વીંધી ગઈ.  શું હતું એ દ્રષ્ટિમાં ?  શોક ? અચરજ ? નવાઈ ? કે પછી......ઈર્ષ્યા ?

"આ પુસ્તકો થોડા ભીના થઇ ગયા છે. "

એની નજર આછા ભીનાયેલા મારા પુસ્તકો તરફ હતી. મેં એક નજર પુસ્તકો ઉપર નાખી અને ફરીથી મારી  નજર જીયા ઉપર આવી પડી. શું એ પણ આછી આછી ભીનાઈ રહી હતી ? ધીમે રહી એનું શરીર બારીની દિશામાં આગળ વધ્યું. એની વેધક નજર સામેનાં મકાનનાં ઓરડાની બારી ઉપર સ્થિર થઇ. જાણે પોતે જે પ્રશ્ન પૂછવા જઈ રહી હતી એનો ઉત્તર એ બારી દ્વારાજ મળવાનો હોય. 

"પરીક્ષાની તૈયારીઓ કેવી ચાલે છે ? "

હું અકળાયો. મને એ પ્રશ્ન સી. બી. આઈની ઈન્કવાયરી જેવો લાગ્યો. એવું ન હતું કે આ પહેલા અભ્યાસ અને પરીક્ષા અંગે અમારી વચ્ચે ચર્ચા વિચારણાઓ થઇ ન હતી. અમારી મોટા ભાગની ચર્ચાઓ અભ્યાસને સંબંધિત તો રહેતી. એના કયા વિષયો પજવે છે ? મને કયા વિષયોમાં હજી વધુ મહેનત કરવી પડશે ? કેટલો સિલેબસ પૂરો થઇ ગયો ? કેટલો બાકી છે ? રીવીઝન ક્યાં સુધી પહોંચ્યું ? ને અમે કલાકો એ વિષય ઉપર વાતો કરતા. અકળાયા વગર. વાસ્તવમાં એનાથી બન્ને તરફથી તાણ અને ચિંતાઓ આછી થતી. એકબીજાને 'ફીડબેક ' મળતું. અભ્યાસમાં આગળ ધપવા એક અનેરી અભિપ્રેરણા મળતી. ઉત્સાહ અને જોમ બેવડાઈ જતા. 

પણ એ વરસાદી સાંજે મને એ પ્રશ્ન ઉપર રીસ ઉપજી રહી હતી. મને એકાંત જોઈતું હતું. જીયા મારા વ્યક્તિગત જગતમાં બળજબરીએ દખલગીરી કરી રહી હોય એવું મને પહેલીવાર અનુભવાયું. એ અનુભવ મારા શબ્દોમાં પરોક્ષ કટાક્ષ બની ઓગળી ગયો. 

"તારે તૈયારીઓ નથી કરવાની ? આમ સમય ન વેડફ. "

એની નજર હજી સામેની દિશામાં સ્થિર  હતી.

"સમય વેડફવાનું પોષાય, સીડ ? ઘણી મહેનત કરી છે અહીં સુધી. હવે ફાઇનલ તબક્કે જો લક્ષ્યથી ચૂક્યા તો....."

વાક્ય અધૂરું છોડી એણે ધડામ કરતી બારી વાંસી દીધી. અંદર તરફથી ચુસ્ત કડી ભેરવી દીધી અને મારા ચહેરા તરફ નિહાળ્યાં વિનાજ પટકતા અવાજ કરતા ડગલે ઓરડામાંથી બહાર નીકળી ગઈ. 

મારા દાંત ભીંસાયા. મુઠ્ઠી અંદર તરફ વળી. એજ સમયે ધીમા સાદે એક ગીતનાં શબ્દો બંધ બારીમાંથી અંદર પ્રવેશવા ટકોરા પાડી રહ્યા. મારી મુઠ્ઠીમાં બંધાયેલી આંગળીઓ ઢીલી પડી. અત્યંત ધીરજ જોડે મેં બારી ખોલી. સામે તરફની બારીમાં મોબાઈલ ઉપર ધીમા સાદે ગીત ગૂંજી રહ્યું હતું. લાલ લિપસ્ટિકથી ગુલાબ જેમ ખીલી ઉઠેલા હોઠ ઉપર એજ ગીત રમી રહ્યું હતું. બે તેજ કરાર ભૂરી આંખો સીધી મારી આંખો સાથે ટકરાઈ અને એ હોઠ ઉપર ગૂંજી રહેલા રોમેન્ટિક ગીત થકી એક છૂપો સંદેશ મારા મનોજગતમાં સીધો પ્રવેશી ગયો. 

'દિલ ચીર કે દેખ તેરા હી નામ હોગા.....'


Rate this content
Log in

More gujarati story from mariyam dhupli

Similar gujarati story from Romance