JHANVI KANABAR

Action Others

4.0  

JHANVI KANABAR

Action Others

ધર્મક્ષેત્ર - કુરૂક્ષેત્ર-7

ધર્મક્ષેત્ર - કુરૂક્ષેત્ર-7

6 mins
228


(ગયા અંકમાં આપણે જોયું કે, દેવી સત્યવતીની કસોટીમાં કુમાર દેવવ્રત ઉત્તીર્ણ થાય છે અને ભીષ્મ પ્રતિજ્ઞા લે છે કે તેઓ આજીવન બ્રહ્મચર્ય પાલન કરશે. આ ઉપરાંત હસ્તિનાપુરની ગાદી પર દેવી સત્યવતી અને મહારાજા શાંતનુના પુત્ર જ સ્થાન ગ્રહણ કરશે. તેઓ હંમેશા હસ્તિનાપુરના સેવક બની રહેશે. દેવી સત્યવતી પોતાની માંગણી પર પસ્તાય છે અને મહારાજ શાંતનુ અત્યંત દુઃખી થાય છે.પરંતુ પરિસ્થિતિ હવે અંકુશમાં નહોતી. દેવી સત્યવતી મહારાજ શાંતનુ સાથે વિવાહ કરે છે. મહારાજ શાંતનુ કુમાર દેવવ્રતને ઈચ્છામૃત્યુના આશિષ આપે છે. હવે આગળ..)

કુમાર ચિત્રાંગદ અને વિચિત્રવીર્ય

હસ્તિનાપુર મહારાજ શાંતનુ અને કુમાર દેવવ્રતની કુશળતા અને સામર્થ્યથી વધુ ને વધુ સમૃદ્ધ બની રહ્યું હતું. મહારાણી સત્યવતીએ પ્રથમ કુમાર ચિત્રાંગદને જન્મ આપ્યો. સમય વહેતો ગયો તેમ પરિસ્થિતિ અંકુશમાં આવતી ગઈ. મહારાજ શાંતનુ અને માતા સત્યવતીના દામ્પત્યજીવનને વીસ વર્ષ વીતી ચૂક્યા હતા. તેમનો પ્રથમ કુમાર ચિત્રાંગદ સોળ વર્ષનો થઈ ચૂક્યો હતો અને દ્વિતિય કુમાર વિચિત્રવીર્ય હજુ આઠ દિવસનો હતો. ચિત્રાંગદ અને વિચિત્રવીર્ય એ બંને રાજકુમારોના આગમનથી મહારાણી સત્યવતી અને મહારાજ શાંતનુનું જીવન ખુશહાલ થઈ ગયું હતું. કુમાર ચિત્રાંગદ શસ્ત્ર-શાસ્ત્રની વિદ્યા લઈ રહ્યા હતા. 

મહારાજ્ઞીની પરિચારિકા વસંતસેના કુમાર વિચિત્રવીર્યનું પારણુ ઝૂલાવતી બેઠી હતી. બાવન વર્ષીય મહારાજ્ઞી સત્યવતીના વીસ વર્ષ પહેલાના યૌવનમત્ત સૌંદર્ય જ્યોતિને આજ પર્યંત જરીયે ઝાંખપ આવી નહોતી. ઊલટુ તેમનું વ્યક્તિત્વ સૌંદર્ય અને પ્રતિભા બધુ જ વધારે જ્વલંત અને તેજોમય બની ગયું હતું. આજની રાજસભા પૂર્ણ થતા સત્યવતી મહારાજ શાંતનુ સાથે કક્ષમાં પ્રવેશ્યા. વસંતસેના બે ડગલા પાછી ખસી ગઈ અને પ્રણામ કરતી પાછલા પગે ચાલતી ખંડમાંથી બહાર નીકળી ગઈ.

સત્યવતીની એક નજર પારણામાં ગઈ. કુમાર વિચિત્રવીર્યને જોઈ તેમના મુખ પર મમતામયી આનંદ પ્રસરી ગયો. મહારાજ તરફ જોતા સત્યવતીએ કહ્યું, `કુમાર અતિ સ્વરૂપવાન છે. લાગે છે કે, ચિત્રાંગદ કરતાં પણ વધુ રૂપાળો થશે, નહિ ?’

મહારાજ શાંતનુના મુખ પર ચિંતાની રેખાઓ જોઈ સત્યવતીએ પૂછ્યું, `કઈ દ્વિધામાં છો મહારાજ..?’.

`ચિત્રાંગદ સોળ વર્ષનો થઈ ચૂક્યો છે અને તે શ્રેષ્ઠ પ્રશિક્ષણ પ્રાપ્ત કરી આવ્યો છે, માટે તેનો યુવરાજ્યાભિષેત કરવાનો આ સમય ઉત્તમ છે એમ દેવવ્રત સૂચવે છે.’ મહારાજે મહારાજ્ઞીના પ્રશ્નનો ઉત્તર આપતા કહ્યું.

નીચુ જોતા સત્યવતીએ અત્યંત લાગણીમય સ્વરે કહ્યું, જાણું છું `મહારાજ ! હસ્તિનાપુરના હિતાર્થે લેવાતા કોઈપણ નિર્ણયમાં દેવવ્રતની કઠોર પ્રતિજ્ઞાનું સ્મરણ થઈ જ જાય છે. મારા તમારા પ્રત્યેના વિશ્વાસ અને પ્રેમને ટેકો આપવા માટે તેના જીવનનો ભોગ લેવાઈ ગયો છે.’

મહારાજે જોયું તો સત્યવતીની આંખોમાં અશ્રુ આવી ગયા હતા. મહારાજે સત્યવતીને શાંત પાડી તેમના અશ્રુ લૂછતા કહ્યું,`મહારાજ્ઞી નિયતીને કોઈ બદલી શક્યું નથી. તમે માત્ર નિમિત્ત છો. દેવવ્રતના યુદ્ધ કૌશલ, વેદ-શાસ્ત્રોનું જ્ઞાન અને રાજનીતિના અનુભવનો લાભ હસ્તિનાપુરને મળતો જ રહ્યો છે અને મળતો જ રહેશે. આપણા બંને કુમારો ચિત્રાંગદ અને વિચિત્રવીર્ય પણ દેવવ્રતને મોટા ભાઈનું સન્માન આપે છે અને તેની આજ્ઞાને સર્વોપરી માનશે.’

મહારાજ અને મહારાજ્ઞીનો વાર્તાલાપ ચાલી રહ્યો હતો ત્યાં જ વસંતસેના અંદર આવી અને પ્રણામ કરીને બોલી, `મહારાજ ! કુમારશ્રી દેવવ્રત અને કુમાર ચિત્રાંગદ તેમની સાથે કૃષ્ણદ્વીપથી કોઈ માછીમારને લઈને આવવાની અનુજ્ઞા માંગે છે.’

“કૃષ્ણદ્વીપ” સાંભળી મહારાણી સત્યવતી સજાગ થઈ ગયા. એ જ કૃષ્ણદ્વીપ પર પોતાનું નાનપણ, પિતા દાશરાજનો પ્રેમ, મુનિ પરાશર અને વ્હાલસોયા પુત્ર વ્યાસનો જન્મ... બધુ જ સ્મરણ થઈ આવ્યું. મહારાજે તરત જ આજ્ઞા આપી. મહારાણી સત્યવતી ભૂતકાળમાંથી બહાર આવ્યા. કુમાર દેવવ્રત અને માછીમાર કક્ષમાં પ્રવેશ્યા. માછીમાર ઉત્તુંગ અને સત્યવતી એકબીજાને ઓળખી ગયા. કૃષ્ણદ્વીપ પર બંને સાથે જ ઉછર્યા હતા, પરંતુ અહીં મહારાજ્ઞીની મર્યાદાને જાળવી ઉત્તુંગે હાથ જોડી મહારાજ અને મહારાજ્ઞીને પ્રણામ કરતા કહ્યું, `મહારાજ ! છેલ્લા કેટલાક સમયથી નિષાદો અમારા માછલા ચોરી જતા હતાં માટે અમારે તેમની સાથે લડાઈ થઈ. બીજી રાત્રીએ મોટી સંખ્યામાં એ લોકો આવ્યા અને સામેથી હલ્લો કર્યો. લડાઈમાં સ્ત્રીઓ અને વૃદ્ધોએ પણ ભાગ લીધો હતો. મહારાણી સત્યવતીના પિતા દાશરાજ પણ તેમાં વીરગતિ પામ્યા.’

પિતાના મૃત્યુના સમાચાર સાંભળતા જ સત્યવતી બે હાથમાં માથુ સંતાડી આંસુ સારી રહી. કુમાર ચિત્રાંગદે માતાના આંસુ લૂછતા કહ્યું, `માતા ! મને એ નિષાદોને શિક્ષા કરવા જવા દે. નાનાશ્રીના મૃત્યુનું વેર હું લઈને જ રહીશ.’ કુમાર ચિત્રાંગદનું ગરમ લોહી ઊકળી રહ્યું હતું.

કુમાર દેવવ્રતે તેને સમજાવતા કહ્યું, `કુમાર ચિત્રાંગદ ! એ નિષાદો માટે આપણું નાનકડુ સૈન્ય જ પૂરતુ છે. તમારે તેમાં જવાની આવશ્યકતા નથી. એ સેનાનું માર્ગદર્શન કરવા હું જઈશ.’ કુમારશ્રી દેવવ્રતે ચિત્રાંગદને સમજાવતા કહ્યું.

`નહિ... મને મારું પરાક્રમ દેખાડવાની આ તક હું ચૂકવા નથી માંગતો. એ નિષાદોને હરાવીને જ હું યુવરાજ પદ સ્વીકારીશ.’ કુમાર ચિત્રાંગદે હઠ પકડી.

આખરે મહારાજ અને મહારાજ્ઞીએ કુમાર ચિત્રાંગદની હઠ આગળ નમતુ જોખ્યું અને તેને જવાની આજ્ઞા આપી.

ચિત્રાંગદ હસ્તિનાપુરનું એક નાનુ સૈન્ય લઈ માછીમાર ઉત્તુંગ સાથે કૃષ્ણદ્વીપ તરફ જવા રવાના થયો. નિષાદરાજ ચંદ્રધનુને સમાચાર મળ્યા કે, હસ્તિનાપુરના કુમાર ચિત્રાંગદ માછીમારોની સહાયાર્થે આવી પહોંચ્યા છે. પરંતુ નિષાદરાજ ચંદ્રધનુએ મદમાં આવી સામે લડાઈ આપી. નિષાદો અને માછીમારો વચ્ચેના ભીષ્ણ યુદ્ધમાં કુમાર ચિત્રાંગદે શૌર્ય દાખવ્યું. બાણાધારી કુમાર ચિત્રાંગદે ઉપરાઉપરી બાણ છોડી નિષાદોને પાઠ ભણાવ્યો અને આખરે નિષાદરાજ ચંદ્રધનુને પણ હણ્યો. માત્ર નિષાદરાજ ચંદ્રધનુનો પુત્ર હિરણ્યધનુનો જ બચાવ થયો અને તે પિતાના મૃત્યુનું વેર વાળવા સજ્જ થયો.

વિજયી થયેલ ચિત્રાંગદ સૈન્ય સાથે હસ્તિનાપુર પરત ફર્યા. મહારાજ શાંતનુએ કુમાર ચિત્રાંગદનો યુવરાજ્યભિષેકને સ્થાને રાજ્યાભિષેક કરવાનું એલાન કર્યું. કુમાર દેવવ્રત અને માતા સત્યવતી પણ કુમાર ચિત્રાંગદના પરાક્રમથી અત્યંત ગર્વ અનુભવી રહ્યા હતા. કુમાર ચિત્રાંગદનો રાજ્યાભિષેક ખૂબ જ ધૂમધામથી કરવામાં આવ્યો. હસ્તિનાપુર ઉત્સવ મનાવી રહ્યું હતું. 

**

હસ્તિનાપુર પર દુઃખના વાદળો

હસ્તિનાપુરની રાજસભામાં ત્રણ સિંહાસન ગોઠવવામાં આવ્યા. વચ્ચેનું હસ્તિનાપુરનું પરંપરાગત ઊંચુ ભવ્ય સુવર્ણ રત્નજડિત સિંહાસન જે હવે રાજ્યાભિષેક પછી રાજા ચિત્રાંગદનું હતું. ડાબી બાજુના રત્નજડિત પરંતુ ઊંચાઈમાં સહેજ ઓછુ અને સાદુ સિંહાસન હસ્તિનાપુરના આજીવન રક્ષણહાર દેવવ્રત ભીષ્મનું હતુ. જમણી બાજુનું સિંહાસન પણ એ જ પ્રકારનું બનાવવામાં આવ્યું હતું જેમાં પિતા શાંતનુ અને માતા સત્યવતી બિરાજતા હતા. રાજા ચિત્રાંગદે રાજશપથ ગ્રહણ કર્યા. જયધ્વનિથી રાજસભા ગુંજી ઊઠી.

સમય વીતતો ગયો, હવે ચિત્રાંગદને દિવગ્વિજય કરવા જવાની ઈચ્છા થઈ હતી. ચિત્રાંગદ બાળપણથી જ પરાક્રમી અને મહાત્ત્વાકાંક્ષી હતો. તેને સમગ્ર આર્યવર્તમાં પોતાનું એકચક્રી શાસન અને આધિપત્ય સ્થાપવાની તાલાવેલી જાગી હતી. મહારાજ શાંતનુ અને દેવવ્રત ભીષ્મ કશાય કારણ વિનાના યુદ્ધમાં રૂચિ રાખતા નહોતા. તેમને સમસ્ત આર્યવર્તના રાજાઓ અને સમ્રાટોને મૈત્રીપૂર્વક પોતાની સાથે જોડી રાખવા હતા. સર્વોપરિતાનો મોહ તેઓનો નહોતો. ચિત્રાંગદનો મત આનાથી તદ્દન વિપરિત હતો.

એક વાર રાજા ચિત્રાંગદે પિતા શાંતનુ, માતા સત્યવતી અને મોટાભાઈ દેવવ્રત ભીષ્મ સમક્ષ પોતાની ઈચ્છા પ્રકટ કરી. પિતા શાંતનુ અને મોટાભાઈ દેવવ્રતે તેમને સમજાવવાના ઘણા પ્રયત્ન કર્યા પરંતુ મહત્ત્વકાંક્ષી ચિત્રાંગદને કોઈ જ વાત ગળે ઊતરતી નહોતી. માતા સત્યવતી પુત્રના હઠી સ્વભાવથી અવગત હતા. સત્યવતીએ મહારાજ શાંતનુ અને દેવવ્રત ભીષ્મને ઉદ્દેશતા કહ્યું, `ચિત્રાંગદને શૌર્ય અને પરાક્રમના પીયૂષ તમે જ પાયા છે તો એને એની ઈચ્છા પૂરી કરવા દો.’

આખરે કુમાર દેવવ્રતે ચિત્રાંગદની વાતને માની લીધી પરંતુ નાના ભાઈની ચિંતાથી તેમણે પ્રસ્તાવ મૂક્યો, `ચિત્રાંગદ ! તારી રક્ષા એ મારુ કર્તવ્ય છે. હજુ તને આર્યવર્તના પરાક્રમી રાજાઓનો પરિચય નથી. હું તને એકલો જવા દેવા નથી ઈચ્છતો. હું તારા રક્ષક તરીકે સાથે જ રહીશ.’

`તો એ દિગ્વિજય મારો નહિ, પણ આપનો ગણાશે. હું કાલે જ એક અક્ષૌહિણી સેના સાથે પ્રયાણ કરુ છું. મોટાભાઈ મને જ્યારે પણ તમારા માર્ગદર્શનની જરૂર પડશે ત્યારે તમારી પાસે આવીશ. મારી આ વિનંતી છે, જેનો સ્વીકાર આપ કરશો એવી મને શ્રદ્ધા છે.’ વિનમ્રતાથી ચિત્રાંગદે કહ્યું.

આખરે ચિત્રાંગદની હઠ સામે સૌએ હથિયાર મૂકી દીધા. મહારાજ ચિત્રાંગદ હવે યુદ્ધમાં રચ્યાપચ્યા રહેવા લાગ્યા. એના વિજયોની વાત સાંભળી દેવવ્રત તેને બિરદાવતા. ક્યાંક માર્ગદર્શનની જરૂર પડે તો સમજાવતા. આમ ને આમ બીજા પાંચ વર્ષ વીતી ગયા. માતા સત્યવતી અને મહારાજ શાંતનુ ચિત્રાંગદના વિવાહ માટે ઊતાવળા થયા હતા પરંતુ યુદ્ધરસિયો ચિત્રાંગદ એ વાત ટાળતા રહેતા હતા. કુમાર વિચિત્રવીર્ય મોટા થઈ રહ્યા હતા. દેવવ્રત ભીષ્મએ તેના અનુશાસન અને પ્રશિક્ષણ પ્રત્યે સજાગ રહેવા લાગ્યા હતા.

મહારાજ શાંતનુને કોઈ ગંભીર બિમારી ઘેરી વળી હતી. રાજવૈદ્યો અને દુર્લભમાં દુર્લભ ઔષધિઓ પણ અસર કરતી નહોતી. સમય જતાં તેઓ શૈયાવશ થયા.

આ તરફ ચિત્રાંગદ યુદ્ધ કરતાં કરતાં સૈન્ય સાથે હિરણ્યવતી નદી તરફ જઈ રહ્યો હતો. અગાઉ આપણે જોયું કે, માછીમારોની સહાય કરવા ગયેલા ચિત્રાંગદે નિષાદરાજ ચન્દ્રધનુને મૃત્યુ શૈયા પર પોઢાડી દીધો હતો અને વિજયપતાકા લહેરાવી હતી. એ ચન્દ્રધનુના પુત્ર હિરણ્યધનુએ વેર લેવાનું નક્કી કર્યું હતું. આજે તેને તક મળી ગઈ અને તે હિરણ્યનદી પર સૈન્ય સાથે આવેલા એક ગાંધર્વરાજને મળ્યો. તેણે એ શક્તિશાળી ગાંધર્વરાજને ચિત્રાંગદ વિરુદ્ધ ઉપસાવ્યો. કપટથી બંને વચ્ચે યુદ્ધ કરાવ્યું. આ વખતે હસ્તિનાપુરનું સૈન્ય પહેલેથી જ યુદ્ધ કરતાં કરતાં થાકી ગયું હતું. તેમની પાસે ખાવાનું ખૂટવા લાગ્યું હતું છતાં અશક્ત, ભૂખ્યું અટૂલુ એ હસ્તિનાપુરનું સૈન્ય ગાંધર્વરાજના સૈન્ય સાથે ઝૂઝતુ હતું. એકેએક સૈનિક સર્વશક્તિથી લડતા લડતા વીરમૃત્યુ પામ્યા. છેવટે ચિત્રાંગદ જ રહ્યો. આખરે ગાંધર્વરાજની સામે તે ટકી ન શક્યો અને વીરગતિ પામ્યો.


Rate this content
Log in

Similar gujarati story from Action