ધ બેસ્ટ એક્ટર
ધ બેસ્ટ એક્ટર


"રોડના કિનારે ગંધાતો, ગંદો અને મેલો બેઠેલો ભિખારી." આવું પોસ્ટર હતું બહુ ખ્યાતનામ ફિલ્મ "ધ રિયલ સીટીઝન" નું.
રાષ્ટ્રીય ચલચિત્ર પુરસ્કાર સમારોહનો મસમોટો કાર્યક્રમ ચાલી રહ્યો હતો. બીજું બધું તો ઠીક પણ બધાની આતુરતા એ હતી કે એ કલાકાર છે કોણ? એની પાછળનો ઇતિહાસ એવો છે કે ધ રિયલ સીટીઝન નામની એક દોઢ કલાકની ડોક્યુમેન્ટરી ફિલ્મ બની હતી. અને જે રિલીઝ થતાં જ દુનિયામાં ખળભળાટ મચી ગયો. એ ફિલ્મ એટલી વખણાય કે માત્ર ઇન્ડિયામાં જ નહીં પણ વિદેશમાં પણ લોકો ગાંડા થયા. સ્ક્રીપ્ટ, સ્ક્રીનપ્લે, ડિરેક્શન, ડાયલોગ્સ, મેકઅપ અને પ્રોડક્શનનો બેજોડ નમૂનો તો હતી જ આ ફિલ્મ, પણ એમાં ભિખારીના કેરેક્ટરનો લીડ રોલ કરનાર અભિનેતા બહુ જ વખણાયો. મઝા તો એ વાતની હતી કે એનું નામ કોઈએ જાહેર નહોતું કર્યું, વળી સિંગલ કેમેરાથી બનેલી આ ફિલ્મની ટિમ પણ એટલી મોટી નહોતી કે કોઈ વાત લીક થાય. બસ, આજે જ નામ જાહેર થવાનું હતું. લોકોની આતુરતા તો એ કાબીલ એ તારીફ અભિનેતાને જોવામાં હતી.
એનું નામ એનાઉન્સ થયું, મિ.બાલમુકુંદ વરાખી. એ પ્રવેશ્યો સમારોહમાં, લોકો દૂર ખસ્યા, એ જ ભિખારીના વેશમાં એણે એન્ટ્રી લીધી, અને એવોર્ડ પણ સ્વીકાર્યો. પછી માઇક પાસે ગયો.
"હું કલાકાર નથી, હું ભિખારી જ છું અને એટલે જ મારું નામ મેં ક્યાંય આપ્યું નથી. મારી પ્રતિભાને મારા ડિરેક્ટરે જોઈ અને મને કામ આપ્યું. એ જ કરવાનું જે હું રોજ કરું છું. ભિખારી છું, અને ભીખ માંગી જીવું છું."
એને સાંભળતા જ બધા શોક થઈ ગયા, ત્યાં ડિરેક્ટર મુરગડોસ ઊભા થયા અને બોલ્યા...
"કળા વારસામાં કે ભણતરથી નથી મળતી, આ રોડના કિનારે બેસી રહેતા ભિખારીમાં પણ એક્ટિંગ જીવતી હતી. હું જોઈ શક્યો અને તમે એને જોઈને ગાંડા થઈ ગયા. પ્રતિભા બધે જ છે. ઓળખવાની જરૂર છે."
અને એ બાલમુકુંદ રોડના કિનારે થઈ દરિયા કિનારે બંગલામાં આવી ગયો.