દેવલા
દેવલા


"આ મેઘલો આમ ગાંડો ચ્યો થયો સે ? જુઓને રૂપલીના બાપુ હંધુય બુડી જવાનું લાગે સે ! કોઈ નો બચે એવું લાગે સે ! ઝટ હેંડો ... ઝટ ગામ સોડી જતાં રયે. નઇતર આ ભોંયમાં ભેગા થાહુ એ નક્કી !"
"જીવલી ભરોહો રાખ ! મારો દેવલો ઈટલો કઠોર ન્યો બને, આપણે તો છોરું ઇના અને કોણ માવતર ઇના સોકરાનો જીવ લે ? ઇતો આપણાંજ કરમ સે જે આજ ભોગવીએ સે. મન એને તો હોવ બાળ હરખા. ધોધમાર વરસતા વરસાદની વચ્ચે બધુય ડૂબી જવાના એંધાણ વચ્ચે પણ આશાનું એક બીજ રોપતા જીવા એ કહ્યું !"
***
અંતરિયાળ એવા એક ગામમાં ગરીબ પરિવારમાં જન્મેલી રંગે ગુલાબ જેવો મઘમઘતો ગુલાબી રંગ જોતાજ આંખોમાં ઠરી જાય, અને કાડી ભમ્મર હરણી જેવી આંખો કે બસ જોનારની એના પરથી નજર હટેજ નહિ અને એજ ડરથી કે કદાચ કોઈની નજર ના લાગી જાય એટલે એના પિતા એ નામ એનું 'કાળી' રાખ્યું હતું. રમવા કુદવાના દિવસોમાં તો કાળી બધું ઘરકામને ખેતીકામ શીખી ગઈ હતી. ઘરની પરિસ્થિતિ પણ એવી ના હતી કે ભણી શકે અને ભણવાય પાછું ગામથી દૂર જાવું પડે એટલે કાળી ને નસીબે ચૂલો જ સંભાળવો રહ્યો. દિવસે ઘરકામ અને ખેતીના કામ કરે અને રાતે બાપુ એના રામાયણ અને મહાભારતની વાતો કરતા. નિશાળે ના ગઈ પણ એનું ભણતર કહો કે ગણતર એ ઘણું સારી રીતે શીખી ગઈ. ૧૨ વરસની નાની ઉંમરે એને બાજુના ગામમાં રહેતા એમના જ સમકક્ષ પરિવાર ના દેખાવે સાધારણ એવા ૨૨ વરસના જીવા જોડે પરણાવી દેવામાં આવી હતી.
જીવો ખેતીકામ કરતો અને ઘરના ખૂણામાં દાટેલા ત્રણ ચાર ઊભા પથ્થરને દેવલા ( ભગવાન ) તરીકે પુંજતો અને એની ભક્તિમાં મગન રહેતો. કાળીના આવ્યા પછી જીવાની જિંદગીનો અડધો ભાર તો એમજ દૂર થઈ ગયો હતો. જીવાને આટલી સુંદર પત્નીને કાળી કહેવું ગમતું ના હતું એટલે એ એને જીવલી કહીને જ બોલાવતો !
મોરના ઈંડા ચીતરવા ના પડે એમ રૂપલી એટલે જીવલીનું જ બીજું રૂપ જાણે, એવીજ દેખાવડી અને જીવલીના બધાજ રંગ એમાં ઉતરેલા હતા. રૂપલી એટલે જીવાનો જીવ. એના વગર જમે પણ નઈ. રૂપલી જમે પછી જ એ જમે, રૂપલી સુવે પછી જ એ સુવે, અને રૂપલીને પણ એના બાપુની એટલીજ માયા. રૂપલીના લગનની ચિંતા જીવાને ક્યારેક હચમચાવી નાખતી હતી. કેવો મુરતિયો મળસે ને નઈ. રૂપલીને કોઈ તકલીફ પડશે તો ? શું થશે પછી ? આ બધા વિચારોમાં રાત રાતભર અટવાયેલો રહેતો.
આખરે એ દી આવી ગયો કે જ્યારે રૂપલીના લગન દૂરના એક ગામમાં એક છોકરો જોઈ ગોઠવી દેવાયા. રૂપલીના ગયા પછી બેવ ડોસા ઘરમાં એકલા પડી ગયા હતા. ઘર દૂર હોવાથી રૂપલીના વાવડ મળવા પણ અઘરા હતા. જીવલીને ક્યારેક દીકરીની ચિંતા કરતી જોઈ જીવો હંમેશા આશ્વાસન આપતો આ હરી હંધુય હારું જ કરશે ! આપડી રૂપલી ઇના ઘરે હેમખેમ જ રેવાની, તું ખોટી ચિંતા કર માં !
રૂપલીના લગ્નને ત્રણ વરસ થઈ ગયા હતા. એ પછી અચાનક એક દિવસ.....
"જીવા .... જીવા.... ચ્યો સે... જીવલા હૈન્ડ ઝટ.... રૂપલી તારી.... હાફડા ફાફડા થઈ દોડતા દોડતા રવલો જીવા ને તેડવા આવ્યો...."
"સુ થીયુ રૂપલી ને.... હંધુય હેમખેમ સે ને રવલા.... ?"
"ઝટ મોઢું ખોલ... સુ થીયુ રૂપલી ને ?"
જીવલાનો જીવ ઊંચે ચડતો ગયો ને રૂપલીના ઘર પહોંચતા જ ન જોવાનું જોવા જેવું થયું. રૂપ રૂપનો અંબાર, ગાય જેવી ભોળી રૂપલી મળદુ બની ભોંયે પડી હતી. રૂપલીને આ હાલતમાં જોતા જ જીવલો ત્યાંજ
"મારી રૂપલી.... મારી રૂપલી..."બોલતો રૂપલીના મળદા ને વળગી પડી અબૂધ બાળકની જેમ ચોધાર આંસુ એ રોવા લાગ્યો.
પાછળ પાછળ વાવડ જાણી રૂપલીના, જીવલી પણ દોડતી ભાગતી આવી જીવલાના આક્રંદ માં ભળી ગઈ... અચાનક આ બધું શું થઈ ગયું એ આ બંને ને સ્વપ્ને પણ ખ્યાલ ના આવ્યો ! ત્યાં ઉભેલા લોકો મોઢે જાણવા મળ્યું કે રૂપલીનો વર દારૂના રવાડે ચઢી રોજ રૂપલીને માર મારતો અને હેરાન કરતો. ખાવા પીવાના કોઈ ઠેકાણા ના હતા, રૂપલી લોકના ખેતરે કામ કરી જે બે પૈસા રળી લાવતી એ પણ એનો વર રૂઆબ કરી લઇ લેતો. બિચારી એ જીવડો ત્યજ્યો પણ કદી બાપને કાને કણસતો સાદ ના ધર્યો. ખરેખર રૂપલી એ ખુબ જ સહન કર્યું પણ અંતે જિંદગી હારી ગઈ.
આ એજ જીવલીના સંસ્કાર હતા કે દીકરી જીવતા જીવ સહેતી રહી પણ કદી બાપને ઘર રોતી રોતી કોઈ રાવ લઈ ના આવી, ના કદી એના પતિની વાતો કે ઘરની વાતો જીવલાને કે જીવલીને જણાવી. પણ આ ઘટના પછી જીવલીને ... જીવલાના એ દેવલામાંથી વિશ્વાસ ઉઠી ગયો."ચ્યો ગયો તમારો હરી.... ચેમ કહેતા તા ને હરી હંધુય હારું કરે... હુ હારું કર્યું... લઈ લીધી રૂપલીને !"
***
"ખોટા સપના દેખાડોમાં રૂપલીના બાપુ ! રૂપલી પડી હતી ભોંયે, ચેમના ભૂલી જ્યાં... ચ્યેમનો હારું કર્યું તમારા હરીએ... ? ઉખાડો દેવલાને મેલો બહાર.. ! જે હારું કરવાનું સે એ આપણે જ કરવાનું સે... ઈ તમારો હરી હંધુય હારું કરત તો... મારી રૂપલી....."
આંખોમાં અગણિત આંસુ છલકતા જીવલી ના ગળે ડૂમો ભરાઈ આવ્યો.
અસહાય લાચાર અને સજળ મૌન બની જીવલો રડતા રડતા એ ખૂણામાં ઉભેલા દેવલાને નીરખતો રહ્યો...