મિસ્ડકોલ ભાગ-૧
મિસ્ડકોલ ભાગ-૧


અવની આજ જોતાં ખુબજ થાકી થાકી જણાતી હતી, હા કદાચ મંથ એન્ડ છે તો વર્ક લોડ ના લીધે હશે ! એના વિખરાયેલા વાળ અને એનો ચહેરો જોઈ સ્પષ્ટ જણાતું હતું કે આજ એની બેટરી સાચેજ ડાઉન છે.
દરવાજો ખોલી એ ઘરમાં જઈ પોતાની બેગ સોફા પર ફેંકી દીધી અને ધડામ દઈ બેડ પર ઝંપલાવ્યું. ઘડિયાળ માં ૯ ના ટકોરા જોર જોરમાં ટિંગ ટોંગ ના અવાજ સંભળાવી પુરવાર કરતા હતા કે એમના સિવાય ઘરમાં બીજું કોઈ જ નથી. અચાનક બેડ પર પડેલો મોબાઈલ રણકવા લાગ્યો પણ થાક એવો તો ચડ્યો હતો કે એને જોયું ના જોયું કરી સૂતી જ રહી.
___........_......__.......___
અવની મોડર્ન વિચારો ધરાવતી એવી છોકરી કે જેને પોતાના સિવાય બીજી કોઈ વસ્તુ કે વ્યક્તિ પ્રત્યે કોઈ જાતની ગતાગમ નહિ. ફેમિલીથી દુર મુંબઈમાં એકલી રહેતી અવની એક ખાનગી બીપીઓ કંપનીમાં કામ કરતી હતી.
અવની હતી છોકરી પણ બીજી છોકરીઓથી સાવ અલગ, સાજ શણગારથી જેનો કોઈ સંબંધ જ ના હતો. હંમેશા અસ્ત વ્યસ્ત અને આંખો પર પાછા ગોળ મટોળ મોટા ચશ્મા. કહું તો છોકરી કરતા છોકરો વધારે લાગતી હતી.
__........__......__......___
અચાનક રાતના ત્રણ વાગ્યાની આસપાસ અવની જાગી ગઈ. થોડી સભાન થતાં જણાયું કે સુતી હતી ત્યારે મોબાઈલ પર કોકની રીંગ આવી હતી. સૂતાં સૂતાં જ મોબાઈલ લઈ એ ચેક કરવા લાગી કે કોનો ફોન હતો પણ અનનોન નમ્બર જણાતા એણે એટલું મહત્વ ના આપતા ફોન મૂકી દીધો. અને રાતના ત્રણ વાગ્યા હતા એટલે એ નંબર પર કોલ કરવું એને ઠીક પણ ના જણાયું.
ઘર પરિવારનું કોઈ સદસ્ય સાથે હોય તો કોઈ પૂછે ને દીકરા જમી લે, ફ્રેશ થઈ જા, કે ચાહ માટે પૂછે... આમ એકલા માણસ માટે પોતે જ પોતાનું ફેમિલી અને પોતે જ કેર કરવી પડે. એટલે અવની કિચનમાં જઈ ફ્રીજ ખોલી જોવા લાગી, બે પાંચ મિનીટ આમજ ઉભી રહી આખરે પાણીની બોટલ લઈ પાણી પીતાં પીતાં ફરી બેડ પર આવી આડી પાડી. ત્યાંતો ફરી એની આંખ લાગી ગઈ.
___........___........__......__
અવની પહેલા બોર્ડિંગ સ્કૂલમાં ભણતી હતી ત્યાં પણ પરિવારથી દુર જ રહી. અને પોતાની જવાબદારી પોતે જ ઉપાડવાની છે એમ માનતા એણે પોતાને બંને એટલી સાદગીમાં જ રાખવાનું પસંદ કર્યું.
એની સ્કૂલ પૂરી થતાં આગળ અભ્યાસ માટે એ મુંબઈ આવી ગઈ હતી. અહી એણે એનું ગ્રેજ્યુએશન પતાવી નોકરી પણ શોધી લીધી હતી. અને નવાઈની વાત તો એ હતી કે એના આવા સ્વભાવના કારણે એનું મિત્ર વર્તુળ પણ ના હતું. પણ હા તકલીફો સામે લડી લેવાનું એને ભલી ભાતી આવડતું હતું. બાકી મુંબઈ જેવા શહેરમાં એકલું રહેવું એટલું આસાન પણ ક્યાં ?
__........__.......__.......___
બપોરના ૧.૩૦ વાગ્યાનો સમય હતો અને અવની એની ઓફિસ કેન્ટીનમાં લંચ કરતી હતી અને એટલામાં એનો મોબાઈલ રણક્યો. નંબર એને જોયો જોયો લાગ્યો એટલામાં યાદ આવ્યું કે આતો રાતવાળો જ નંબર છે. પણ એટલું વિચારે ત્યાં તો ફરી મિસ્ડકોલ થઈ ગયો. અવનીએ એજ નંબર પર ફોન લગાવ્યો પણ સામેથી રીસિવ
ના થયો. હવે અવની માટે આ વાત વિચારવા જેવી થઈ ગઈ હતી. કોણ હશે ? કેમ કર્યો હશે ફોન મને ? અને મેં કર્યો તો રીસિવ કેમ ના કર્યો ? કદાચ ટેલી માર્કેટિંગવાળાનો હશે ? ? ?
આમ, વિચાર કરતી કરતી લંચ પતાવી એ એના કામમાં પરોવાઈ ગઈ. અને ફરીવાર માટે આ વાત નાકામની હોય એમ ઈગનોર થઈ ગઈ.
" કેમ છો ! અવનીજી..! " ના ના બોલ્યું કોઈ નથી પણ સાંજના ૫.૩૦ વાગ્યે અવનીના મોબાઈલ પર એજ અજાણ્યા નંબર પરથી મેસેજ આવ્યો. હવે અવની આ નંબર લઈને થોડી ચિંતામાં આવી ગઈ હતી. કોણ હોઈ શકે જે મારું નામ પણ જાણે છે. અને ઓળખે પણ છે તો સામે કેમ નથી આવતા. અવનીએ એ અવારનવાર એકસાથે એજ નંબર પર ૩-૪ વાર કોલ કરી દિધો પણ આ વખતે પણ સામે છેડેથી કોઈ જવાબ ના મળ્યો. હવે વિચારોનું ધમાસણ એના મનને ઝંઝોળી જવા માંડ્યું.
__.......___........_.........___
અવનીનું આમ જીવવું કદાચ એના પરિવારની જ દેન હતી. એના ફેમિલીમાં એની નાની બહેન અને એક નાનો ભાઈ પણ હતો. પણ અવનીના માતા પિતાને એના જન્મથી જ કોઈ લાગણી કે કોઈ જાતની ભાવના વર્તાતી ના હતી અને અવની પણ આ વાતથી ભલિભાતી વાકેફ હતી. એટલે કદાચ ચાહવા છતા પણ એ એના પરેન્ટ્સને પોતાની એટલા નજીક આવવા જ ના દીધા.
અવની એટલે એકલતા, અવની એટલે મૌન, અવની એટલે વિચારોનો શૂન્યવકાશ, બસ આ બાબતો જ અવનીને લાગુ પડતી હતી. એનું આજનું આ જીવન માટે કદાચ એની પરવરિશ કે એનો ભૂતકાળ જ જવાબદાર હતો. બાકી જન્મ સાથે જ કોઈ અળખામણું કેમનું હોઈ શકે ?
__......_.......__........____
રવિવારની એ સવાર ને અવની પોતાના નાઈટસૂટમાં પોતાના ફ્લેટની વિંડો પર હાથમાં કોફીનો કપ લઈ ઉભી હતી. શું વિચારતી હતી એતો ખબર નઇ પણ હા એના ચહેરા પરથી જોઈને સ્પષ્ટ જણાતું હતું કે કંઇક તો વિચારોમાં ખોવાયેલી છે.
કોફીનો કપ પણ એજ પ્રતીક્ષામાં હતો કે ક્યારે એના વિચારો પૂરા થાય અને મને એના હોઠોનો સ્પર્શ મળે. અને ક્યાંક જો કોફી ઠંડી થઇ ગઈ તો આ મોકો મળશે પણ કે કેમ ?
અચાનક મોબાઈલ પર રીંગ વાગી ને અવની વિચારોમાંથી બહાર આવી પણ આ વખતે પણ અડધી રીંગ હતી એટલે કે મિસ્ડકોલ જ.... પણ સાથે સાથે એક મેસેજ પણ હતો...
" यूं कहूं तो दिल की लगी अच्छी हे, थोड़ी सी बेकरारी अच्छी हे,
चाहता नहीं तुझे तड़पाना, पर अपनों से हो तो थोड़ी बेरुखी अच्छी हे. "
to be continued.......
___.......__......_......._____
થાય છે ને સવાલો, કોણ હશે એ વ્યક્તિ જે વારંવાર અવનીને મિસ્ડકોલ કરતો હશે ! આમ મેસેજ કરવાનું કારણ શું હોઈ શકે ? શું એનો ચાહક હશે ? કે અવનીને ફક્ત હેરાન કરવા કોઈ આમ કરતું હશે ?
જેમ તમારા મનમાં આમ સવાલો હોય શકે તો વિચારો કે અવની શું વિચારતી હશે ? અને અવનીના મનમાં શું ચાલે છે અને આ મિસ્ડકોલનું રહસ્ય શું છે એ હવે આવતા ભાગમાં જોઈશું....!
ક્યાંય જતાં નહિ બની રહેજો મારી સાથે... બીજો ભાગ લઈ હું હમણાં આવું છું.