દેવકી નહિ તો યશોદા જ ભલે !
દેવકી નહિ તો યશોદા જ ભલે !


વિદ્યા તેના મા-બાપની એક જ દીકરી. ખૂબ જ વિવેકી અને સંવેદનશીલ સ્વભાવ ધરાવતી વિદ્યા દેખાવે પણ સુંદર... વિદ્યા વયસ્ક થતા તેના મા-બાપે વિદ્યા માટે વર શોધવાનું શરૂ કર્યું. જ્ઞાતિના સારા-સારા યુવકના માગા આવતા, પણ વિદ્યાની પસંદગી અનોખી હતી. તેને વરમાં સમજૂ, કુટુંબપરાયણ અને સંવેદનશીલ જેવા ગુણો જોઈતા હતા.. આખરે એકવાર વિદ્યાએ તેના મા-બાપને વાત કરતાં સાંભળ્યા..
`એક વિધુર અને ઉંમરમાં આઠ વર્ષ મોટો.. એ તો ઠીક પણ બે બાળકોનો પિતા ? એકની એક દીકરી માટે આવો વિચાર પણ કેમ આવે તમને ? આપણી વિદ્યા ક્યાં હજુ એવડી થઈ ગઈ છે કે આટલુ બધુ જતુ કરવું પડે ? સમાજ શું કહે ?’ વિદ્યાના મમ્મી સુમિત્રાબેને પતિ રમેશભાઈને ગુસ્સે થતા કહ્યું...
`અરે ! મારી પૂરી વાત તો સાંભળ… વેદના પિતા અને હું નાનપણના મિત્રો હતા.. આજે મારા મિત્રની હયાતી નથી પણ વેદને હું સારી રીતે જાણું છું. ઘર ખૂબ સારું છે. આપણી દીકરી પણ ખુશ રહેશે. વળી કુટુંબના નામે માત્ર એક બહેન છે વેદને.. એ પણ સાસરે.. તું એકવાર મળીને તો જો વેદને ! મળવામાં શું વાંધો ?’ સુમિત્રાબેન કશો જ જવાબ આપી શકતા નહોતા, માની આ દુવિધા જોઈ વિદ્યા પોતે બહાર આવી અને કહ્યું, `પપ્પા બરાબર કહે છે, મમ્મી ! એકવાર મળી લઈએ. હું મળવા માંગુ છું.’ દીકરી આગળ સુમિત્રાબેને કચવાતા મને હા પાડવી પડી..
વેદ તેની બહેન અને બનેવી સાથે વિદ્યાને ઘરે આવ્યો. વેદ અને વિદ્યા મળ્યા. વેદનો સ્વભાવ શાંત, સમજુ અને સંવેદનશીલ જેવો વિદ્યાને જોઈતો હતો.. તે વેદની વાતોથી આકર્ષાઈ. વેદ પણ વિદ્યાને સમજવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, આખરે ત્રીસ મિનિટ સુધી બંનેની મિટિંગ ચાલી. ચા-નાસ્તાની વિધિ પૂરી થઈ. જયશ્રી કૃષ્ણ કહી બધા છૂટા પડ્યા.
વિદ્યાએ મમ્મી-પપ્પાને પોતાનો નિર્ણય જણાવતા કહ્યું, `મને વેદ ગમે છે. હું તેની સાથે લગ્ન કરવા તૈયાર છું.’ વિદ્યાએ નીચુ જોઈ કહ્યું. સુમિત્રાબેન આ સાંભળી થોડા વિચારમાં પડી ગયા.. પણ દીકરીની ઈચ્છા આગળ તેમણે નમતું જોખ્યું. રમેશભાઈએ ખુશ થઈ, વેદના બહેનને ફોન જોડ્યો. સામેથી વેદની પણ હા હતી, પણ વેદની ઈચ્છા હતી કે વિદ્યા બેય બાળકોને મળી લે. વિદ્યાને પણ આ બરાબર લાગ્યું. વિદ્યા વેદ અને તેના બેય બાળકોને મળવા તેના ઘરે આવી. વેદએ બાળકોનો પરિચય આપતાં કહ્યું, `આ કથા પાંચ વર્ષની અને આ કવન આઠ વર્ષનો છે.’ બંને સ્કુલે જાય છે. વિદ્યાએ બંને બાળકોને ચોકલેટ આપી તેમની જોડે દોસ્તી કરવાનો પ્રયત્ન કર્યો. કથા તો વિદ્યાના ખોળામાં જઈ બેસી ગઈ પણ કવન થોડો ખચકાટ અનુભવતો હતો. કંઈ બોલ્યા વગર તે દોડીને રૂમમાં જતો રહ્યો. વેદ અને વિદ્યાએ બાળકો સાથે થોડો સમય વિતાવ્યો, પછી વિદ્યાને તેના ઘરે મૂકી ગયો.
એક મહિના પછી બંને વિવાહસંબંધથી જોડાયા. રંગેચંગે લગ્ન પત્યા. વિદ્યાએ વેદના ઘરમાં કુમકુમ પગલા પાડ્યા. એક દિવસ, બે દિવસ એમ કરતાં અઠવાડિયું થયું પણ કવન હજુ વિદ્યાને સ્વીકારી શકતો નહોતો. કથા હજુ નાની હતી તેથી તેને વિદ્યા જોડે ગોઠી ગયું. વિદ્યાએ પણ ધીરજથી કામ લેવાનું નક્કી કર્યું.
દિવાળી આવી ગઈ. વિદ્યાએ આખા ઘરને દીવડાથી સજાવ્યું. બાળકોને સુંદર કપડામાં તૈયાર કરી તેમની જોડે રંગોળી કરી. સાંજે વેદ વિદ્યા અને બંને બાળકો ફટાકડા ફોડવામાં મશગૂલ હતા. અચાનક એક રોકેટ ત્રાંસુ ફાટ્યું, વિદ્યાએ જોયું કવન ત્યાં જ ઊભો હતો. તેણે ભાગીને કવનને ખેંચી લીધો અને બેલેન્સ જતાં પોતે ભોંય પર પડી જ્યાં સળગતું તારામંડળ હતું. વિદ્યાને જમણા હાથ પર દાઝી. કવન તો હતપ્રભ જ થઈ ગયો હતો. વેદ વિદ્યાને ટેકો આપી ઘરમાં લાવ્યો. કવન અને કથા પાછળ પાછળ આવ્યા. વિદ્યાને હાથે વેદે ઠંડુ પાણી રેડ્યું અને દવા લગાવી. થાક્યાપાક્યા બધા રાતે સૂઈ ગયા.
વિદ્યાને અચાનક ડૂસકા સંભળાયા. તેણે જોયું તો કવન તેની બાજુમાં બેઠોબેઠો દાઝેલા હાથને પંપાળતો હતો. વિદ્યાએ લાઈટ ઓન કરી કવનની સામે જોયું, તે રડી રહ્યો હતો.`તમે મારા લીધે દાઝ્યા ને ? સોરી મમ્મી..’ `મમ્મી ?’ આજ કવનએ પહેલીવાર વિદ્યા જોડે વાત કરી અને તેને `મમ્મી’ કહ્યું. વિદ્યાની આંખમાંથી આનંદના અશ્રુ રોકાતા નહોતા. તે કવનને વળગી પડી. બંને મા-દીકરો એકબીજાની ઓથમાં નિંદ્રાધીન થઈ ગયા. સવાર પડતાં જ વિદ્યાએ વેદને બધુ કહ્યું. વેદને પણ સંતોષ થયો, કે બાળકો વિદ્યાને અપનાવી રહ્યા છે.
સમય વીતવા લાગ્યો, આ નાનકડો પંખીઓનો માળો જીવનને સુખેથી માણી રહ્યો હતો ત્યાં જ દુઃખનું વાવાઝોડુ આવ્યું. વેદનો ઓફિસેથી આવતા એક્સિડેન્ટ થઈ ગયો. ભયાનક એક્સિડેન્ટ. ઓન ધ સ્પોટ વેદનું મૃત્યુ થયું. પરિવાર પર આભ તૂટી પડ્યું. વેદના બહેન-બનેવી, વિદ્યાના મમ્મી-પપ્પા બધા જ વેદના મૃત્યુથી ભાંગી પડ્યા હતાં.. વિદ્યા પણ પતિ સાથેના આટલા નાના સહજીવન માટે ઈશ્વરને ફરિયાદ કરી રહી હતી. બંને નાના બાળકો પપ્પાના ફોટા સામે જોઈ આંસુ સાર્યા કરતાં. વિદ્યાને આ બાળકોનું દુઃખ પોતાના દુઃખ કરતાં મોટુ લાગ્યું. તેણે જાતને સંભાળવાનું શરૂ કર્યું. આંસુ લૂછી નાખ્યા અને પોતાનું સંપૂર્ણ ધ્યાન કથા-કવનના ઉછેર તરફ લગાવ્યું. વેદનો બિઝનેસ પણ સંભાળવા લાગી.
કથા અને કવનનું ભણતર, સંસ્કારરોપણ અને બિઝનેસ પ્રત્યે વિદ્યાએ પોતાને સમર્પિત કરી દીધી. બાળકો મોટા થતાં ગયાં. કથા આજે એલ.એલ.બી કરી રહી છે અને કવન ડોક્ટરની પ્રેક્ટિસ કરી રહ્યો છે. સમાજનો સોતેલી મા તરફનો અભિગમ વિદ્યાએ બદલી નાખ્યો હતો. જોનારાઓ સ્તબ્ધ આંખે જોઈ રહેતા કે, કેવી રીતે એક મા જેણે આ બાળકોને જન્મ નથી આપ્યો પણ એક જનેતા કરતાં વિશેષ ભોગ આપ્યો છે !
આજે વેદની તિથિ છે. કથા અને કવન વિદ્યા સાથે પૂજા કરે છે. વિદ્યા વેદના ફોટાની સામે જોઈ કહે છે. `કથા અને કવન જેવા સંતાનોની માતા થવાનું સદભાગ્ય આપ્યા બદલ તમારો ખૂબ આભાર. હું ધન્ય થઈ કે, કથા-કવનએ મને તેમના જીવનમાં `મા’ નું બિરૂદ આપ્યું, સન્માન આપ્યું.’
`નહિ મા.. ધન્ય તો અમે થયા. તમારી મમતાના પાલવે અમને હંમેશા હૂંફ આપી.’ કહી કથા અને કવન વિદ્યાને પગે લાગ્યા.
`મારી ઈશ્વર પાસે એટલી જ અભ્યર્થના કે, જન્મોજન્મ તમારા જેવા સંતાનોની મા બનાવજે. દેવકી નહિ તો યશોદા જ ભલે.’ વિદ્યા આંખો બંધ કરી ઈશ્વરને પ્રાર્થી રહી હતી.