ડોક્ટરનો સ્નેહ
ડોક્ટરનો સ્નેહ


ચાર વર્ષ પહેલા મને એક એવી બીમારી લાગુ પડી ગઈ કે હું ઊભો હોઉં અને લાકડીની જેમ ભડિંગ કરી અને નીચે પડી જતો. આવી ઘટના ત્રણેક વાર બની. મને ભરૂચ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. પાંચેક દિવસની સારવાર બાદ ઘણા બધા ટેસ્ટ અને અંજ્યોગ્રાફી કરવામાં આવી. જેમાં જણાવવામાં આવ્યું કે તમને ત્રણેક સ્ટેન્ટ લગાડવા જરૂરી છે. તમારું હૃદય બ્લોક છે.
ડોક્ટરના આ અભિપ્રાયથી અમને સંતોષ ન થતા અમે અમદાવાદના જાણીતા કાર્ડિયોલોજિસ્ટ ડોક્ટર મિલન ચગ સાહેબને સિમ્સ હોસ્પિટલમાં મળ્યા.
અમદાવાદની સીમ્સ હોસ્પિટલ ખૂબ આધુનિક સાધનોથી સજ્જ છે. તમામ પ્રકારના ડોક્ટરો તમામ પ્રકારના સાધનો અને ખૂબ જ સૌજન્ય ભરેલા સ્વભાવના સ્ટાફના માણસો તમને દવાખાના જેવું જ ભાગ્યેજ લાગે જ્યારે તમને તમારું ઘર છે તેવો ભાસ થાય. ખાવું પીવું બધા જ પ્રકારની સુવિધા છે.
ડોક્ટર મિલન ચગ સાહેબે મારા બધા રિપોર્ટ જોયા. ફરીથી તેણે જુદા જુદા રિપોર્ટો કઢાવ્યા અને એવો અભિપ્રાય આપ્યો કે તમારું હૃદય નબળું છે. તમને કોઈ સ્ટેન્ટની જરૂર જ નથી ,પરંતુ પેસ મેકર મૂકવું ખૂબ જરૂરી છે.
તે દિવસે તપાસ કરતાં શનિવારે સાંજ પડી ગઈ હતી. ડોક્ટરે અમને દાખલ થવાનું જણાવ્યું. અમને એમ થયું કે કાલે રવિવાર છે. છેક સોમવારે આપણો વારો આવે. તબિયત તો સારી છે. ખોટું દવાખાનામાં દાખલ થવું બહુ જરૂરી ન લાગતા અમે કહ્યું કે અમે સોમવારે આવી જશું અને ત્યાર બાદ અમે અમદાવાદથી
ભરુચ આવી ગયા.
ઘરે આવી અને બે ત્રણ કલાક થતાં ફરી પાછો હું પડી ગયો. અમે ભરૂચથી તાત્કાલિક અમદાવાદ જવા રવાના થયા, અને રાત્રે બે વાગે અમદાવાદ સીમ્સ હોસ્પિટલમાં દાખલ થયા. ત્યાં મને તાત્કાલિક ઓપરેશન કરી પેસ મેકર મૂકવામાં આવ્યું અને ત્યાર પછી મારી તબિયત સારી થવા લાગી. ત્રણેક દિવસ સુધી હોસ્પિટલમાં દાખલ રહેવું પડ્યું ડોક્ટર મિલનચગ સાહેબ અને તેના સાથી ડોક્ટરોએ મારું જીવન આ રીતે બચાવી લીધું.
બીજા દિવસે ડોક્ટર મિલન ચગ સાહેબે મારા પુત્રને જણાવ્યું કે જો કોઈ આ રીતે પડી જાય અને હૃદય બંધ પડી જાય તો ભાગ્યે જ ઊભો થઈ શકે છે. તમારા પિતાના જીવનમાં આ ચમત્કાર બન્યો એમ કહી શકાય. મેં તમને શનિવારે જ દાખલ થઈ જવાનું કહ્યું પરંતુ તમે ન માન્યા. કુદરતનો આભાર માનો કે તમને તેણે નવું જીવન બક્ષી આપ્યું છે.
ત્યાર પછી આજે આટલા વર્ષ થયા છતાં મને કોઈ તકલીફ નથી. પણ ડોક્ટર મિલન ચગ સાહેબની સાથે મારો સ્નેહ સંબંધ રહ્યો છે.જ્યારે જ્યારે પણ કોઈ મુશ્કેલી પડે, અમારા કુટુંબમાં પણ કોઈને કોઈ તકલીફ હોય ,તો અમે તેની સાથે ફોનથી વાત કરી અને તેની સારવાર અને મદદ લઈએ છીએ અને તે મદદ કરે છે. કોઈપણ પ્રકારની ફી લીધા વિના. જેને માટે હું મારો હૃદય પૂર્વકથી ડોક્ટર મિલન ચગ સાહેબનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરું છું .આવા માનવતાવાદી અને દર્દી તરફ સ્નેહ બતાવનારા ડોક્ટરો આજના જમાનામાં ઘણા ઓછા જોવા મળે છે.તેની હૃદય પૂર્વકથી નોંધ લઉં છું, અને આભાર વ્યક્ત કરું છું.