Mariyam Dhupli

Romance Thriller

4  

Mariyam Dhupli

Romance Thriller

ડબ્બો

ડબ્બો

4 mins
560


કેફે કોફી ડેની રોયલ લોજમાં બેઠેલું યુગલ અત્યંત ભવ્ય લાગી રહ્યું હતું. યુવકનું લેધર જેકેટ, ટેબલ ઉપર ગોઠવાયેલી મોંઘી બાઈકની ચાવી, બ્લેક ટાઈટ પેન્ટને ઉઠાવ આપતા સફેદ સ્પોર્ટ શૂઝ, સ્વિસ વોચ અને માથા ઉપર ચઢાવેલ ડિઝાઈનર ગોગલ્સ. તો સામે બેઠી યુવતીનો બ્લેક ડિઝાઈનર ગાઉન, મેચિંગ એસેસરીઝ, મોંઘો પર્સ અને ત્રણ ઈંચની હિલ વાળી પ્રભાવક સેન્ડલ. બંનેમાંથી કોણ વધુ પ્રભાવશાળી લાગી રહ્યું હતું એ નક્કી કરવું અત્યંત મુશ્કેલ હતું. નવી નોકરી ઉપર ગોઠવાયેલો વેઈટર ઓર્ડર લેવા ટેબલ નજીક પહોંચ્યો.

"ટુ કાપુચીનો "

ઓર્ડર લઈ વેઈટર કોફી મશીનના કાઉન્ટર ઉપર પહોંચ્યો. પોતાની કેપ વ્યવસ્થિત માથા ઉપર ગોઠવી એને શીખવવામાં આવેલા કૌશલ્ય દ્વારા એણે ગરમાગરમ કોફી બનાવી બે કપ તૈયાર કર્યા અને ઓર્ડર થયેલ ટેબલ પર જઈ સર્વ કર્યા. 

વેઈટરના જતાજ યુવતીએ કોફીની ચુસ્કી માણી કે સામે તરફથી યુવકે એક ડબ્બો ખોલી યુવતી તરફ આગળ ધર્યો. યુવતીના મોઢામાંથી ઉદ્દગાર સરી નીકળ્યો અને બંને હાથ અચરજ વડે મોઢા ઉપર આવી પડ્યા. 

"ઓહ માઈ ગોડ........ ઈટ મસ્ટ બી વેરી એક્સપેન્સીવ !" 

"નોટ મોર ધેન યુ." 

યુવકે ડબ્બાની મોંઘી ડાયમન્ડ રિંગ હાથમાં લઈ યુવતીની આંગળીમાં પહેરાવી. આ સરપ્રાઈઝ એની ધારણાથી બહાર હતું એ દર્શાવવા યુવતીએ ખુશીથી યુવકને ગળે લગાવી લીધો. બંનેએ એકબીજાની આંખોમાં આંખો પરોવી કોફી સમાપ્ત કરી. 

આખું દ્રશ્ય ડેસ્ક પાછળ કામ કરી રહેલા વેઈટરની આંખોમાં ચોરીછૂપે કેદ થઈ ગયું. 

બિલ લઈ એ ટેબલ ઉપર પહોંચ્યો. એક કોફીના ૩૫૦ લેખે બે કોફીના ૭૦૦ રૂપિયાના બિલની ચૂકવણી કરતા યુવકે ૭૦૦ રૂપિયા બિલ માટેની ટ્રેમાં મૂક્યા. વેટરે ટ્રે હાથમાં લીધી જ કે ઉત્સાહિત યુવકે ખુશીના ટોકન સ્વરૂપે ૧૦૦ રૂપિયા વેઈટરના હાથમાં થમાવી દીધા.

" થેન્ક યુ સર"

યુવક યુવતી કેફેમાંથી બહાર નીકળ્યા. વેઈટરે ૧૦૦ રૂપિયાની નોટ નિહાળી અને કંઈક ઊંડું વિચાર્યું. એ વિચાર એના ચહેરા ઉપર એક મધુર હાસ્ય દોરી લાવ્યું. ૧૦૦ રૂપિયાની નોટ એણે સંભાળીને ગજવામાં મૂકી દીધી.

મોડી સાંજ સુધી વેઈટરે પોતાની નોકરીની ફરજ ઊભા પગે નિભાવી. કામના કલાક પુરા થતાંજ એ બાઈક લઈ ઉપડ્યો. થોડાજ સમયમાં બાઈક એક સુપરસ્ટોર પાસે આવી અટકી. અંદર જઈ એણે ચારે તરફ શોધ કરી. અહીંયાજ કશે જોયો હતો. મનને યાદ અપાવ્યું. દરેક દિશામાં એની વિસ્મયભરી દ્રષ્ટિ ફરી વળી. ખૂણાના એક શેલ્ફ ઉપર નજર પડતાજ આખરે ચહેરા ઉપર સંતોષ છવાઈ ગયો. કેશિયર કાઉન્ટર ઉપર ૧૦૦ રૂપિયા ચૂકવી એણે ઘર તરફ દોટ મૂકી. 

શહેરની એક ખીચોખીચ ચૌલ નીચે બાઈક આવી થોભી. રમી રહેલા બાળકોના ટોળા વચ્ચેથી માર્ગ કાઢતો એ ચૌલની દાદર ચઢી પહેલા માળે પહોંચ્યો. દોરી ઉપર સૂકાઈ રહેલા કપડાઓ વચ્ચેથી પોતાનું માથું અહીંથી ત્યાં હટાવતો એ એક પછી એક ખોલીઓ પસાર કરવા લાગ્યો. આખરે સૌથી છેલ્લી ખોલી પર પહોંચ્તાજ એણે રાહતનો દમ લીધો. પતિની રાહ જોઈ રહેલી મેઘા ખોલીના બારણેજ ઊભી હતી. પતિને જોતાજ એક મધુર હાસ્ય જોડે એ ખોલીની અંદર પ્રવેશી. 

એક ખૂણામાં ગોઠવેલા થોડાક વાસણો અને સ્ટ્વ રસોડાનો આભાસ આપી રહ્યા હતા. પોતાના એ આભાસી રસોડાથી ટેવાયેલી મેઘાએ જમવાનું પીરસવાની તૈયારી આરંભી. 

"આઈ ?" 

"જમી લીધું. ઊંઘી ગઈ." 

કાપડ ઢાંકી બનાવેલ કામચલાઉ પર્દામાંથી એણે અંદર ડોકિયું કર્યું. આઈ ઘસઘસાટ ઊંઘી રહી હતી. અંદર તરફ જઈ એણે ખોલીના એક ખૂણામાં લટકી રહેલા પાટિયા ઉપર પત્નીની નજરથી બચાવી કંઈક ઝડપથી છૂપાવી દીધું. 

લોટામાં પાણી લઈ હાથમોં ધોઈ એ રસોડાની ભોંય ઉપર બેઠો. મેઘા બે થાળી લઈ એની પડખે આવી ગોઠવાઈ. બંનેએ જમવાની શરૂઆત કરી. જમવાનો કોળિયો મોઢામાં નાખતાંજ એની નજર પત્ની ઉપર સ્થિર થઈ. થાકીને લોથપોથ એ ચ્હેરામાં એને કેફેમાં નિહાળેલ યુગલ દેખાઈ આવ્યું. પ્રેમ અને સરપ્રાઈઝથી ભરપૂર એ આખું દ્રશ્ય જમતા જમતા આંખો આગળ રમતું જ રહ્યું. જમણ પૂરું થયા પછી મેઘાએ ટેવ પ્રમાણે વાસણ માંજી નાખ્યા અને થોડી ઠંડી હવા ખાવા એ ચૌલની લાકડાની બાલ્કની ઉપર ઊભી થઈ. પત્નીની નિયમિત ટેવથી માહિતગાર એ ચોરીછૂપે અંદર તરફ ગયો. લાકડાના પાટિયા ઉપર છૂપાવેલ વસ્તુ ધીરે રહી રસોડામાં લઈ આવ્યો. એક ડોકિયું બહાર તરફ કર્યું. પત્ની બાલ્કનીમાંજ હતી. ઝડપથી એણે પાણી ગરમ કરવા મૂકી દીધું. 

થોડા સમય પછી એ અત્યંત ધીમે ડગલે બે હાથનું સંતોલન જાળવતો બાલ્કની ઉપર પહોંચ્યો. 

"મેઘા, આ તારા માટે...." 

વિસ્મિત નજરે મેઘા પાછળ તરફ ફરી. પતિના હાથમાં થમાયેલા કપની અંદરનું દ્રવ્ય નિહાળતાંજ એ ખુશીથી ઉછળી પડી. એના મોઢામાંથી ઉદ્દઘાર સરી નીકળ્યો અને બંને હાથ મોઢા ઉપર આવી પડ્યા. 

"કાપુચીનો.....!!! પણ કિંમતી હશે ને ?" 

"તારા થી વધુ નહીં." 

આ સરપ્રાઈઝ એની ધારણાની બહારનું હતું એ દર્શાવવા મેઘાએ એને આલિંગનમાં લઈ લીધો. એકબીજાની આંખોમાં આંખો પરોવી બંને કાપુચીનોની સુગંધભરી લજ્જત માણવા લાગ્યા. 

રસોડાના ખૂણામાં ગોઠવાયેલો ૧૦×૨૩ગ્રામ દર્શાવતો કાપુચીનોનો ૧૦ શેશે વાળો ૧૦૦ રૂપિયાની કિંમતનો ડબ્બો હજી આવી ચાર કાપુચીનો ડેટનો મૂંગો વાયદો આપી રહ્યો હતો.


Rate this content
Log in

Similar gujarati story from Romance