ડબ્બાનું રહસ્ય
ડબ્બાનું રહસ્ય
ઘરમાં બધાને દાદીમાના પટારાનું ભારે આકર્ષણ ! દાદીમાં પટારાની અંદર એક ડબ્બો રાખતા. ડબ્બાને તાળું મારી રાખતા, અને ચાવી હંમેશા પોતાની કેડે જ લટકાવી રાખતા. ઘરમાં એક પણ વ્યક્તિ એવો નહોતો કે જેણે, આ ડબ્બા નું રહસ્ય જાણવા માટે પ્રયત્નો ના કર્યા હોય.
દાદાને મનમાં એમ હતું, કે દાદીને લગ્ન પહેલાના કોઈ પ્રેમીના પ્રેમપત્રો એ ડબ્બામાં હશે. અને વળી સ્વગત જ બબડતા "એવું તો ક્યાંથી હોય ? મૂઈ ભણેલી તો છે નહીં હંધાય કાગળિયામાં તો અંગૂઠા મારે છે. તો પછી એવડા ઈ ડબ્બામાં શું ભરી રાખ્યું હશે ?"
દીકરા વહુને લાગતું કે કંઈક જુના ઘરેણા સંતાડી રાખ્યા હશે, પોતાની મરણમૂડી તરીકે. જે હોય તે આપણે શું ?
બાળકોને લાગતું કે દાદીએ કાજુ બદામ કે અખરોટ એવું કંઈક છુપાવી રાખ્યું હશે ભૂખ લાગે તો ખાવા, જેમ મમ્મી-પપ્પા રાખે છે કબાટમાં એમજ.
દાદીમા જેવો પટારો ખોલે કે તરત જ નાના મોટા સહુ એની આસપાસ ટોળે વળી જાય. કે હમણાં ડબ્બો ખોલે તો એક ઝલક જોવા મળે કે આખરે એમાં છે શુ ? પણ દાદીમાં જેનું નામ તેઓ આ બાબતે ખૂબ સજાગ હતાં. ડબ્બામાં શું છે ? એની કોઈને'ય ક્યારેય ખબર પડવા દીધી નહીં. જ્યારે એકલા હોય ત્યારે જ ડબ્બો ખોલીને ધ્યાનથી જોઈ લેતાં. ઘણીવાર સુધી ડબ્બામાં જોઈ રહ્યા પછી એ ડબ્બો તાળું મારીને સાચવીને પટારામાં મૂકી દેતા. અને પછી રાતે રોજેરોજ પરીઓની, ભૂતની, રાક્ષસોની, ઉડતા ઘોડાની, અને રાજા-રાણીની ઘણી બધી નવી નવી વાર્તાઓ કહેતા. આ રીતે અમે દાદીમાની ઘણી વાર્તાઓ સાંભળી હતી.
ઘણા વર્ષો પછી જ્યારે અમે મોટા થઈ ગયા. અને પછી દાદીમાંનો સ્વર્ગવાસ થયો. ત્યારે બધી ક્રીયા પતી ગઈ, એટલે સહુને ઉતાવળ હતી. કે હવે જલ્દીથી એ પટારામાંથી ડબ્બો ખોલીને જોવાની. બધાએ ભેગા થઈને એ ડબ્બો ખોલીને જોયું તો એમાં વર્ષો પહેલાંની સાતમા ધોરણના અભ્યાસક્રમની ચોપડીઓ હતી. અને વાર્તાઓની ચોપડી હતી.
દાદાજી બોલ્યા "મૂઈ છેક મરતા સુધી ખોટું બોલતી રહી ને બધે ઠેકાણે મારી હાર્યોહાર અંગૂઠા મારતી રહી. કોઈને કીધું નહીં કે પોતે ભણેલી છે. કહે તો પછી અભણ ઘરવાળાની આબરૂ! જાયને ?"
