દારૂ બંધી...ખાલી કાગળ પર!!!
દારૂ બંધી...ખાલી કાગળ પર!!!


મિત્રો, આ એક સામાજિક મુદ્દા પર અને ખૂબ જ ગંભીર બદી પર આ લેખ લખી રહી છું. આશા છે કે વાંચકો આ મુદા પર જરૂર વિચારે...
વિભાની ઉંમર હશે ચાલીસની આસપાસ. ૨૧ વર્ષના લગ્ન જીવનમાં સરસ મજાના બે બાળકો અને પ્રેમાળ પતિ. પણ હવે વિભાથી પહેલાની જેમ દોડભાગ કરીને કામ નથી થતુ. કેમકે બાળકો મોટા છે પણ દીકરીને સવારે કોલેજમાં જવાનું એટલે તેનું અને પતિને ઓફીસ જવાનું એટલે તેમનું બંનેનું ટીફીન બનાવવાનું. દીકરો હાઈસ્કૂલમાં એટલે તેને પણ સવારની સ્કૂલ એટલે તેનો પણ દૂધ નાસ્તો અને લંચ બોક્ષ તૈયાર કરવાનું. બધાનો ચા નાસ્તો બનાવામાં આ બધું કામ કરવા માટે વિભા સવારે પાંચ વાગ્યે ઊઠી જાય. બધાને વળાવી પછી ઘરની સાફસફાઈ કરવાની.
આમ તો વિભા પહોંચી વળે પણ ઉંમરના હિસાબે શરીર સાથ ના આપે. એટલે નાછૂટકે વાસણ કપડાં માટે કામવાળી રાખી. કપડાં ઘોવાનું મશીન વિભા એટલે નથી વસાવતી કેમકે તેનો ફલેટ નાનો છે અને જગ્યા ઓછી છે એટલે વિભાનો વિચાર છે કે તે વોશિંગ મશીન જયારે મોટું ઘર લેશે ત્યારે જ વસાવશે. હવે કામવાળીઓ ના પણ પૈસા સાથે નખરાં વધારે હોય. તો વિભાના ઘરે કામવાળીઓ પણ માંડ છ મહીના ટકે. એટલે વિભાને બધી કામવાળીઓના ઘરની સ્ટોરી ખબર છે. કેમકે કામવાળી કામ કરતા કરતા પંચાત કરે સાથે સાથે પોતાના દુઃખ પણ વિભા પાસે રડે.
એક કામવાળીનું દુઃખ કંઈક આવુ હોય, જેમકે મારો ઘરવાળો કામનો ચોર છે કમાતો નથી અને ત્રણ બાળકો અને તે બે જણા સાથે ઘરના ૫ ના મોઢા ભરવાની જવાબદારી કામવાળી પર જ અને પાછી કામવાળીના ઘરવાળો નશો તો કરે જ....હવે છ મહીના થયા અને આ કામવાળીને રજાઓના નખરાં ચાલુ થઈ ગયા. કહ્યા વગર રજાઓ પાડે અને પછી મનમરજીથી ત્રણ ચાર દિવસે આવે.
વિભાએ તેને છોડી ને બીજી રાખી તો તેનો પણ એ જ કકળાટ. ઘરનો માણસ કમાતો નથી. મારઝૂડ કરીને દારૂના પૈસા લઈ જાય એટલે મારઝૂડ ના લીધે આ કામવાળી પણ ના ટાઈમ પર આવે અને ઉપરથી પાછી દર મહીને ચાર પાંચ રજાઓ અને પૈસા પૂરા માંગે અને તહેવાર પર તો બહાના કાઢીને રજા તો પાડે પાછી તહેવાર ના કપડાં, બોનસ બધું પડાવે.
વિભાને ઘણીવાર વિચાર આવે કે જાતે બધું કામ કરે અને ચાર મહીના કરે પણ ખરી પણ તબિયત બગડી જાય, થાક લાગે અને ચીડિયાપણું આવી જાય.. એટલે ફરી પાછી કામવાળીની શોધ કરે. માંડ માંડ ભલામણથી કામવાળી મળી હોય એટલે વિભા સાચવી સાચવીને તેની પાસે કામ કરાવે. કેટલા અછોવાના કરે. કપડાં આપે, બાળકો માટે મિઠાઈ આપે.. ઘણીવાર ચા નાસ્તો કરાવે.
એકવાર કામવાળી કામ કરતા કરતા વિભા સાથે વાતે વળગી તો વિભાએ કહ્યું કે, તારું કામ મને ગમ્યું પણ જો રજાઓ બહું ના પાડતી. અને કહીને જરૂર હોય તો બે દિવસની રજા પાડજે પણ કહ્યા વગર ચાર પાંચ દિવસની રજા પાડીને હેરાન ના કરતી. તો કામવાળી બોલી કે "બેન મારે કામની જરૂર છે અને મારા પર બે દીકરી અને એક દીકરીની જવાબદારી છે. એટલે મને કામમાં આવા નખરાં ના પોસાય.".. તો વિભાએ પૂછ્યું કે "કેમ? તારો ઘરવાળો કામ નથી કરતો?"....તો કામવાળી બોલી "બેન, મારો ઘરવાળો તો હમણાં ચાર મહીના પહેલાં જ દારૂની લતના લીધે મરી ગયો!!!".. ...
વિભા વિચાર કરે છે કે, શું સરકાર આ દારૂબંધીના કાયદા પસાર કરે છે તે માત્ર કાગળ પર જ? સરકાર એવું વિચારે છે, કયારેય કે આવા મજૂર લોકોને અને જે ટંકનુ લાવીને ખાતા હોય તેમના ઘરમાં દારૂ કયાંથી આવતો હશે? શું માત્ર કાયદો પસાર કરી દેવાથી આ ખરાબ બદીમાથી છૂટકારો થાય છે?? ના કયારેય નહીં... ખબર નહીં આ તો માત્ર બે કે ત્રણ કિસ્સાનો અનુભવ છે, પણ દુનિયાના કેટલાય ખૂણામાં આવા ઘરો આ ખરાબ બદીના લીધે બરબાદ થતા હશે??? વિચારવા જેવું ખરું કે નહીં?