Varsha Joshi

Inspirational

4  

Varsha Joshi

Inspirational

શ્વેતરંગ બન્યો ગુલાલ

શ્વેતરંગ બન્યો ગુલાલ

5 mins
384


"ફાગણિયો ફોર્યો ને કેસૂડો મ્હોર્યો અને પ્રકૃતિએ પહેર્યા લાલ પીળા વાઘા" 

     રામપુર નાનું ગામડું ગામ પણ, કુદરતે ગામમાં મનભરીને સુંદરતા વિખેરી છે. એવા એ નાના પણ સુખ સગવડોયુક્ત ગામમાં છેવાડે એક નાનું પણ સુંદર મજાનું બે ઓરડા, ખોરડા અને વિશાળ ફળિયાવાળુ ઘર. એ ઘરમાં રહે ત્રણ જીવ. એક ઘરડો બાપ એની વિધવા દીકરી અને એ દીકરીનો ચાર વરસનો છોરો. આમ તો નાના કુટુંબમાં અભાવ કોઈ વસ્તુનો નહીં પણ, નાની ઉંમરમાં ઘરડા બાપને મા વગરની દીકરીનો રંડાપો જોવાનો વખત આવ્યો. બસ દીવસ રાત શામજીબાપાને એની દીકરી સરયુનું વિધવાપણું કોરી ખાતુ. શામજીબાપાને બે વિઘા જમીન હતી. ઈશ્વર કૃપાથી એ જમીન ઉપજાઉ હતી એટલે દીકરી અને ભાણેજરાને ઉછેરવાની ચિંતા નોતી પણ, દીકરીનો ધોળો હાડલો અને કોરો સેંથો, બંગડી વનાના સૂના હાથ જોઈને બાપાનું કાળજુ કપાતુ પણ, ગામડુ એટલે વિધવા દીકરીને રિવાજો પાળવા પડે અને હવે શામજીબાપાને એક જ ચિંતા કે, પોતે ખર્યુ પાન પણ દીકરી આખો જન્મારો કેમ કાઢશે ? નિઃસાસા નાખતો બાપ ઈશ્વરને પ્રાર્થના કરતો કે "ભગવાન, બાપ મારી આ અભાગણીની રક્ષા કરજે".

     એક સવારે શામજીબાપાની ડેલીએ કોઈ આવ્યું. સરયૂ ડેલી ઉઘાડીને પોતાના ધોળા હાડલાનો છેડો માથે નાખીને જોયું. એક ત્રીસેક વરસનો ફૂટડો જુવાન ગામની નિશાળ સરસ્વતી વિદ્યાલયનું સરનામું પૂછવા આવેલો. સરયુએ નીચી નજરે સરનામું જણાવ્યું પણ, એ નીચી નજરનાં કામણ અને સરયુની શાલીનતા જોઈને એ જુવાન બેઘડી જોતો રહી ગયો. પછી થોડીવારમાં સ્વસ્થ થઈને એ જુવાને પોતાનો પરિચય આપ્યો.

જુવાન : મારું નામ સૌરભ પટેલ છે અને હું શિક્ષક છું. અહીંની શાળામાં મારી વરણી થઈ છે.

સરયુ : તમે અંદર આવો ચા પાણી કરીને જાવ.

સૌરભ : ના, તમારો આભાર પણ હું પછી ક્યારેક આવીશ અત્યારે મારે શાળામાં બધી વ્યવસ્થા જોવાની છે.

     સૌરભ ગયો અને જાણે એનું અંતરમન સરયુનાં શ્વેત સુંદર આકારમાં ખેંચાઈ ગયું. સરયુનો દીકરો પણ શાળાએ ભણવા જાતો એને મૂકવા લેવા સરયુ જાતી. પણ, સૌરભે એ વાતની નોંધ લીધી કે, ગામમાં સરયુની આવતાં જતાં અવગણના થતી. કોઈનાં મોઢેથી મેણું સંભળાતું કે, "રાંડ, સારા કામે અપશુક કરે છે. હામી ભટકાય છે. " એકવાર તક જોઈને સૌરભે સરયુને શાળા છૂટ્યા પછી પોતાની ઓફિસમાં બોલાવી. સરયુ સૌરભ સામે આવીને ઊભી રહી. 

સૌરભ: સરયૂ, તું કેટલું ભણી છો ?

સરયુ: સાહેબ, હું અગિયાર ધોરણ સુધી ભણી છું. પછી મારા લગન થઈ ગયા અને ભણવાનું છૂટી ગયું.

સૌરભ : અરે વાહ ! તો અત્યારે તું શું કરે છે? 

સરયૂ : સાહેબ વિધવા છું. બદનસીબે લગનનાં છ વર્ષમાં મારા ધણી પરલોક સિધાવ્યા અને મારી સાસરીમાંથી મને અભાગણી, અપશુકનિયાળ ગણીને કાઢી મૂકી એટલે મારા દીકરા સાથે બાપનાં પનારે પડી છું.

સૌરભ : આ શાળામાં નોકરી કરીશ ? 

સરયૂ : પણ, સાહેબ મને કોણ નોકરી આલે ? 

સૌરભે કહ્યું તારા બાપા સાથે હું વાત કરીશ અને નોકરીની ચિંતા ના કરતી એ હું અપાવીશ. 

   અને સરયુ ઘરે આવી. બીજા દિવસે સૌરભ શામજીબાપા સાથે સરયુની વાત કરવા આવ્યો પણ જોયું કે, શામજીબાપાની તબિયત થોડી નરમ હતી અને સરયુ એમને દવા આપતી હતી. સૌરભને જોઈને સરયુએ એમને ફળિયામાં ખાટલો ઢાળી બેસાડ્યા અને ચા બનાવવા અંદર ગઈ. સૌરભે શામજીબાપાને સરયુની નોકરી વિશે વાત કરી. 

શામજીબાપા બોલ્યા : સાહેબ, તો તો તમારા જેવો ભગવાન નહીં કેમકે, મારુ તો આયખું હવે પુરુ થાવા આવ્યું છે. પણ ગામમાં કોઈ મારી વિધવા સરયુને નિશાળમાં ભણાવવા નહીં દે. એનું મોઢુ જોવાનું પણ લોક અપશુકન ગણે છે. 

સૌરભ : તમે એની ચિંતા ના કરો હું એ બધું સંભાળી લઈશ.

  જાણે આટલું સાંભળવા જ શામજીબાપાનો જીવ અટકેલો હતો અને એ તો નિરાતે છેલ્લો શ્વાસ લઈને પરલોક સિધાવ્યા. સરયુ નોંધારી બનીને પોક મૂકીને રડી.

    થોડા દિવસોમાં શામજીબાપાનું કારજ પત્યું અને સૌરભ કંઈક વિચારીને સરપંચ પાસે ગયો. બીજા દિવસે પંચાયત બેઠી. સરપંચે સૌરભને ગામ સમક્ષ પોતાની વાત રજૂ કરવા કહ્યું. સૌરભે ગામલોકોને સંબોધીને કહ્યું, 

" તમારા ગામની દીકરી સરયુ વિધવા પણ છે અને હવે નોંધારી તો ગામમાં કોણ એની જવાબદારી લેશે બોલો ? "

બધાં એકબીજાના મોઢા જોવા લાગ્યા અને કોઈક બોલ્યું "એ તો એના નસીબ એવા વાંકા એમાં અમે શું કરીએ ? અમે અમારા કુંટુંબનું પુરુ કરીએ કે એ છોડીનું ? "

બસ તરત જ સૌરભે વાતનો છેડો પકડ્યો, 

સૌરભ : જો તમે કોઈ સરયુની જવાબદારી નથી લઈ શકતા તો કેમ એને અપશુકનિયાળ ગણીને એના ભગવાન બનો છો ? વિધવાપણુ એ એની બદનસીબી છે પણ એ એક માણસ છે એને પણ માથું ઊંચું કરીને જીવવાનો હક છે. તમને કોઈને પણ હક નથી એના ઉપર તમારા મેણા અને કુરિવાજો થોપવાનો. 

સરપંચ : સાહેબ, પણ જો સરયુ રોજ ઘરની બહાર નિકળીશે, વિધવાના રિવાજો નહીં પાળે તો એ તો હજી જુવાન છે ગામમાં કોઈ જુવાનની નજર ખરાબ થઈ અથવા એનો પગ લપસી ગયો એ એવા કોઈ ચક્કરમાં પડી તો ગામનું નામ માટીમાં મળી જાય.

સૌરભ : વડીલ, સરયુ અભણ નથી સમજુ અને ભણેલી સુશીલ છે. તમારા આવા વિચારો એના પર થોપીને એને બાપડી ના બનાવો. કાલથી સરયુ મારી શાળામાં નોકરી કરશે જેને પોતાના બાળકોને ના મોકલવા હોય એ ના મોકલશો. 

બધા સૌરભને જોઈ રહ્યાં અને કોઈ કંઈ ના બોલ્યું. બીજા દિવસે સરયુ શાળામાં બાલમંદિરનાં બાળકોને ભણાવવા લાગી. સમય વિત્યો હોળીનો તહેવાર નજીક આવ્યો. અને ગામમાં હોળી પ્રગટાવી અને બધાએ એના દર્શન કર્યા. બીજા દિવસે ધૂળેટી હતી. ગામમાં બધા રંગની છોળો ઉડાડતા હતાં અને સૌરભ પોતાના માતાપિતાને શહેરથી ગામની ધૂળેટી મનાવવા લાવ્યો હતો. પણ આખા ગામની ધૂળેટીમાં સરયુ ક્યાય ના દેખાઈ. એટલે સૌરભ સરયુનાં ઘરે આવ્યો. ડેલી ખખડાવી પણ સરયુએ અંદરથી પૂછયું, "કોણ છે ?" 

સૌરભ : હું સૌરભ. તું કેમ બહાર નથી નીકળી ? આજે તો રંગોનો તહેવાર છે આવ."

સરયૂ : સાહેબ, તમે આ શું બોલો છો ? જાણો છો છતાંય આવું બોલો છો ? હું વિધવા છું. મારા જીવનમાં સફેદ રંગ સિવાય કોઈ રંગ નથી.

    આ સાંભળીને સૌરભે મનમાં કંઈક વિચાર કર્યો અને પોતાના માતાપિતાને કંઈક વાત કરી અને એના માતાપિતા પણ સરળ સ્વભાવનાં એક નો એક દીકરો સૌરભ અને પોતાના દીકરા પર એમને ગર્વ થયો. અને સૌરભનાં માતાપિતા, સરપંચ અને ગામનાં લોકો સરયુની ડેલીએ આવી ઊભાં.

સરપંચ : દીકરી સરયુ. ડેલી ઉઘાડ જો અમે તારુ આખુ પિયર તારા આંગણે આવ્યા છીએ.

   સરયુએ ડેલી ઉઘાડીને જોયું તો ગામ આખું અને સૌરભ અને એના માતાપિતા બધા જાણે કોઈ જાન જોડીને આવ્યાં હોય એમ ઊભાં હતાં.

સૌરભ : સરયુ, અમને ઘરમાં નહીં બોલાવે ? અને સરયુ કંઈ સમજે એ પહેલાં સૌરભની મા સરયુનાં ઓવારણા લેવા લાગી. એમને સરયુની શાલીનતા સાદગી પસંદ પડી. અને ધૂળેટીનાં દિવસે સરયુનાં શ્વેતરંગી સાડલા પર સૌરભનાં પ્રેમનો લાલ ગુલાલ રંગાયો.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational