યાદો ની ભીની સુગંધ
યાદો ની ભીની સુગંધ


લો હજુ તો 2017નું વર્ષ જાણે હમણાં જ પસાર થયું અને જોતજોતામાં 2018નું વર્ષ પણ પુરુ થવાની અણી પર છે. ખબર જ નથી પડતી કે વર્ષે હવે બુલેટ ટ્રેનની ઝડપે પસાર થઇ જાય છે. પણ હા દર વર્ષે દિવાળી ના તહેવારની તૈયારી માટે એક મહિના પહેલાં પ્લાન થવા લાગે છે. બધાં નાના મોટા પોતપોતાની રીતે વિચારી રાખે છે. માત્ર ઘરનું એક પાત્ર ગૃહિણી એમ વિચાર કરે છે કે, "હે ભગવાન!! દિવાળીની સાફસફાઈ કયારે થશે? અને નાસ્તા કયારે બનશે?
દિવાળીના દિવસોમાં ઘરકામ કરતી બાઈ પણ નખરા બતાવે
મે મારી કામવાળી બાઈને કહયું 'સવિતાબેન મને જરા દિવાળીની સાફસફાઈમાં મદદ કરજો કેમકે, મારાથી હવે ટેબલ પર ચડાતું નથી અને બાળકોને દિવાળીના 2 દિવસ પહેલાં જ વેકેશન મળે એટલે તે પણ સ્કુલ કોલેજમાં વ્યસ્ત ! અને મારા પતિદેવને ઓફિસનો સમય જ 12 કલાકનો તેમની મદદની તો આશા જ નહી.' પણ કામવાળી બાઈ સવિતાબેન કહે ,
"મેડમ, એક રૂમ સાફ કરવાના 800 રૂપિયા લઈશ"..
ઓ માય ગોડ ! મે કહ્યું 800 હોય? હું પણ સાથે મદદ કરીશ" તો કહે, " મેડમ આ ભાવ ચાલે છે. તમારો તો ફલેટ છે, મને તો બંગલાની સફાઇ માટે 4000 મળે છે." બોલો આમાં અમારા જેવા ફલેટ વાળા શું કરે? મે બાઈ પાસે સફાઇ કરાવવાનો વિચાર માડી વાળ્યો. મારી દીકરી કહે,
"મમ્મી, ચિંતા ના કર હું રજાના દિવસે કરાવી દઇશ."
જેમતેમ કરીને રૂમ અને કિચનની સફાઇ તો થઇ. હવે વારો આવ્યો માળિયાનો. હે ભગવાન ! ફરી ટેન્શન, કેમ કે માળિયામા આખું વર્ષ જોયું પણ ના હોય કેમ કે જે વસ્તુ બિનજરૂરી જલ્દી ઊપયોગી ના હોય તે જ માળિયામાં ચડાવી હોય. હવે બીજો ડર ગરોળીનો. મારી દીકરી અને હું ગરોળી જોઈને જ ઉછળી પડીએ. એટલે હવે પતિદેવ વિશે વિચાર કર્યો. પણ મારા પતિ દેવને સાફસફાઈનો બહુ અનુભવ નહી. કેમકે તેમની પ્રાઈવેટ નોકરીમા રજાઓની શકયતા ઓછી અને દિવાળી ટાઈમ તો તેમને પણ વર્કલોડ હોય એટલે હું તેમને સાફસફાઈ માટે ના કહું. પણ આ તો હવે વિકટ પરિસ્થિતિ, તો ધીમે રહીને તેમને પૂછ્યું કે,
"સાભળો..એક દિવસની રજામાં જરા માળિયુ સાફ કરી આપશો?" મને એમ કે ના કહેશે. દર વર્ષની જેમ કહેશે, "શું જરૂર છે? દિવાળી આવીને હમણાં જતી રહેશે તારા માળિયામાં કોણ સુપરવિઝન કરવાનું છે?"
પણ સાહેબ તો માળિયુ સાફ કરવા માટે રાજી થયા. અને સાથે મારો દીકરો અને દીકરી પણ. હવે મને એવું ફિલ થયું કે દિવાળીના સાફસફાઈ મિશનમાં હું એકલી નથી મારા 3 સૈનિકોની સેના પણ છે.
એ દિવસ પણ આવી ગયો. સવારે હું સૌથી પહેલાં ઊઠીને દિનચર્યા પતાવી અને જલ્દી જલ્દી મારા યોધ્ધાઓને પણ ઉઠાડયા. અને ચા નાસ્તો પતાવી પતિદેવ ચડયા ટેબલ પર. ટેબલ પણ નખરાં કરે. હાલકડોલક થાય એટલે મારી દીકરી પપ્પા પડી ના જાય તે માટે ટેબલ પકડીને ઉભી. માળિયાનો દરવાજો ખોલ્યો, પહેલાં કૂલર, પછી બાળકોનું ઘોડીયું, જયારે મારા બાળકો નાના હતા ત્યારનું લાકડાનું ઘોડીયુ, પ્લાસટીકનું ડ્રમ જયારે પાણી ના આવે ત્યારે ભરવા માટેનું, જુના ચાકળા, અને ઘણી એવી પણ બિનજરૂરી વસ્તુઓ જે વષૅ દરમિયાન ઊપયોગ ના કરતાં હોઈએ. પણ છતાં રાખી મુકીએ એમ વિચારીને કે સંઘરેલો સાપ પણ કામનો.
હવે એક બોક્ષ નિકળ્યું પતિદેવ કહે, "આમાં શું છે?" . હવે મને યાદ પણ ના હોય કે એક વર્ષ પહેલાં માળિયામા કઇ વસ્તુ ચડાવી હતી. બોક્ષ ખોલ્યું, જોયું તો મારી દીકરી ત્રણ વર્ષની હતી ત્યારના તેના રમકડાં !. બસ પછી શું મારી એ નાની દીકરી હાલમાં કોલેજીયન છે, તો મારા પતિદેવ અને દીકરી રમકડાંનું બોક્ષ લઈને બેસી ગયા. નાનો નાનો કિચન સેટ અને ઢીંગલી ઘર, ખબર નહીં બીજું ઘણું બધું. મારી દીકરી ફરીથી ત્રણ વર્ષની બની ગઈ. અને તેના પપ્પા પણ સાથે જાણે હમણાં જ બજારમાંથી તેના માટે રમકડાં લાવ્યા હોય તેમ કહે,
"બેટા, મારા માટે તારા આ નાના ગેસ પર શું બનાવીશ? " તો સામે દીકરી કહે,
"પપ્પા હું તમારા માટે ગરમ ગરમ જમવાનું બનાવીશ અને ચા બનાવીને પીવડાવીશ." બાપ દીકરીની યાદોની ભીની સુગંધ મહેસૂસ તો કરી મેં, પણ હવે ફરીથી ટેન્શન કે, આ માળિયુ આજે સાફ થશે?